[:gj]પ્રજાનાં નાણાંથી તક્તીવાળા બાંકડા મૂકવા કોર્પોરેટર્સનો ખોટો ખર્ચ [:]

[:gj]અમદાવાદ,તા:૧૭ કોર્પોરેશન દ્વારા શહેરવાસીઓ પાસેથી કરોડોમાં ટેક્સ તો વસૂલવામાં આવે છે, પણ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના હિતાર્થે આ નાણાં જેમને ફાળવવામાં આવે છે તે કોર્પોરેટર આત્મપ્રસિદ્ધિ માટે તેનો બેફામ ધુમાડો કરી નાખે છે.

કોર્પોરેશન દ્વારા પ્રજાકીય કામો માટે દરેક કોર્પોરેટરને દરવર્ષે રૂ.25 લાખનું બજેટ આપે છે, જે તેમણે તેમના વિસ્તારમાં સફાઈ, રોડ, પાણી, બગીચા જેવાં પ્રજાકીય કામો પાછળ ખર્ચ કરવાના હોય છે. જો કે કોર્પોરેટર તો પોતાની પ્રસિદ્ધિ માટે જ આ નાણાંનો વધુ ઉપયોગ કરે છે, જેના માટે દરેક કોર્પોરેટરે પોતાના નામની તક્તીવાળા બાંકડા પાછળ નિયત ખર્ચ કરતાં વધુ નાણાં ખર્ચી નાખ્યા છે.

દરેક કોર્પોરેટરને બાંકડા માટેની મહત્તમ મર્યાદા રૂ.2.20 લાખ નક્કી કરીને મ્યુનિ. કમિશનરે પરિપત્ર જાહેર કર્યો હતો. જો કે મ્યુનિ. કમિશનરના પરિપત્રને પણ આ કોર્પોરેટર્સ ઘોળીને પી ગયા છે, અને આડેધડ બાંકડા મૂકીને પોતાની પ્રસિદ્ધિ કરી રહ્યા છે.

કોર્પોરેશનના પ્લાનિંગ વિભાગે બાંકડા માટે સપ્ટેમ્બર 2018માં નિયમો અને ખર્ચ મર્યાદાના ઉલ્લેખ સાથે ખાસ પરિપત્ર જાહેર કર્યો હતો. જે મુજબ 2.50 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા ફૂટપાથ હોય તો જ બાંકડા મૂકી શકવા દર્શાવાયું હતું, કોઈ અડચણ થાય તે રીતે બાંકડા ન મૂકવા જણાવાયું હતું. જ્યારે કોર્પોરેશનના સ્ટીલના બાંકડા ઈનડોર જગ્યામાં જ મૂકવાની જોગવાઈ પણ દર્શાવી હતી. પરિપત્ર મુજબ આ બાંકડા મ્યુનિ. શાળા, આંગણવાડી, સ્મશાન, કોર્પોરેશનના કોમન પ્લોટ, બગીચા અને તળાવ ખાતે જ મૂકવાના હતા. જો કે કોર્પોરેટર્સે તો આ બાંકડા ચોરેને ચૌટે ગોઠવી પોતાના નામે જશ ખાંટવાનો પ્રયાસ કર્યો છે.

વર્ષ 2018-19માં પૂર્વ, મધ્ય અને ઉત્તર ઝોનના મળીને કુલ 20 કોર્પોરેટરે પરિપત્રને અવગણીને બાંકડા પાછળ નિયત મર્યાદા રૂ.2.20 લાખ કરતાં ઘણો વધુ ખર્ચ કરી દીધો છે. જે મુજબ અમરાઈવાડીના કોર્પોરેટર નૂતનબહેન ચૌહાણે સર્વાધિક રૂ.6.65 લાખ, નિકોલના હીરાબહેન પટેલે 6.50 લાખ, અમરાઈવાડીના સપનાબહેન તોમરે અને નિકોલના કોર્પોરેટર બળદેવભાઈ પટેલે રૂ.6 લાખનો ખર્ચ કરી નાખ્યો છે.

 [:]