[:gj]બાપુનગરના પીઆઈને ધમકી આપવા બદલ વિક્કી ત્રિવેદીને ભાજપે સસ્પેન્ડ કર્યો[:]

[:gj]અમદાવાદ, તા. 01

શહેર ભાજપ દ્વારા પોલીસને ધમકી આપનાર ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદીને વીડિયોના માધ્યમથી પોલીસને ગાળો આપવાની ઘટના બાદ તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

પ્રદેશ ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે પરામર્શ કર્યા બાદ ભાજપા યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદી (બાપુનગર-અમદાવાદ)ની વર્તણુંક અને આચરણ સારું ન હોવાના કારણે તેઓને ભાજપા યુવા મોરચાની તમામ જવાબદારીઓમાંથી મુકત કરવામાં આવે છે.

શું હતો મામલો?

ગઈકાલે રાત્રે એક મારામારીના બનાવમાં વિક્કી ત્રિવેદી સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. જોકે, ભાજપે વિક્કીને પોલીસને ગાળો આપતા વીડિયો બદલ સસ્પેન્ડ કર્યો છે. વિક્કીની ફેસબુક પ્રોફાઇલ પર તેણે પોતાની ઓળખ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ગીર સોમનાથ જિલ્લાના સહ પ્રભારી તરીકેની આપી છે.

વિક્કીની અક્ષરશઃ ધમકી

આ વીડિયોમાં વિક્કી કહે છે કે’ લોકતંત્રની વાત કરવામાં આવે તો બાપુનગરની આમ જનતાને હેરાન કરતા પોલીસ ઇન્સ્પેક્ટરની વિરૂદ્ધમાં હું એક સ્ટેટમેન્ટ આપવા માંગું છું કે આ લોકતંત્ર છે, લોકોની લાગણી છે, માંગણી છે. મારી લાગણી છે કે અમારી પાર્ટીની સરકાર છે. ખોટી રીતે કોઈને હેરાન કરવામાં આવશે ફરિયાદ સાંભળવામાં નહીં આવે, આખા બાપુનગરમાં કોઈના પર ખોટી રીતે હાથ લગાડવામાં આવ્યો તો પીઆઈ નહિ રહે. બદલવાની તાકાત રાખે છે આ વિક્કી ત્રિવેદી. એન. કે. વ્યાસ સાહેબ તમારા પીઆઈને મોઢા પર કહું છું 48 કલાકમાં સુધરી જજો, બાપુનગરની જનતાને કોઈ હાથ પણ અડાવશે તો…. આ વીડિયો વાયરલ કરવાની રેકોર્ડ કરવાની પણ છૂટ છે.’

આજે વિક્કીએ માફી માગી

વિક્કીએ આજે બપોરે એક ફેસબુક પોસ્ટ મૂકી અને માફી માંગી હતી. વીડિયો મૂકીને તેણે પોતે નિર્દોષ હોવાનું અને વીડિયો દોઢ મહિના જૂનો હોવાનું રટણ કર્યુ હતું. વિક્કી એમ પણ જણાવ્યું કે તેના પર કોંગ્રેસના ઉપાધ્યક્ષ પર હાથ ઉપાડવાની ફરિયાદ ખોટી રીતે થઈ છે, તેણે હાથ ઉપાડ્યો નથી. વિક્કીએ બચાવ કરતા કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક લોકોએ યોજનાબદ્ધ રીતે તેનો વીડિયો રેકોર્ડ કરાવી તે અસ્વસ્થ હાલતમાં હતો ત્યારે ઉશ્કેરી અને વીડિયો વાઈરલ કર્યો છે.

 [:]