[:gj]વાહનચાલકો ડેબિટ, ક્રેડિટ કે પે એપ્લિકેશન દ્વારા દંડ ભરી શકશે[:]

[:gj]ગાંધીનગર, તા. 20

રાજ્યમાં મોટર વ્હિકલ એક્ટમાં કરાયેલા સુધારા બાદ ટ્રાફિકના દંડની વસૂલાતમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી રાખવા માટે રાજ્યના ગૃહ વિભાગે કાર્ડ સ્વાઈપ મશીન કે ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ અમલી કરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા વિવિધ બેન્કો સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે. અને આ મામલે આગામી એકબે દિવસમાં વિચારણા બાદ રાજ્યના નાણાં મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ તેનો અમલ રાજ્યમાં કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં તેનો અમલ કરવામાં આવશે. આ પ્રકારે સ્થળ પર સ્વાઈપ મશીન દ્વારા દંડ વસૂલવાની કામગીરી દેશના ઘણાં રાજ્યોમાં અમલી બનેલી છે.

દંડ વસૂલવામાં થતા ભ્રષ્ટાચારને રોકવાનો આશય

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં નવા મોટર વ્હિકલ એક્ટનો અમલ 15મી ઓક્ટોબરથી થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારે વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવતા દંડમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપો અવારનવાર ફરિયાદો ઉઠી છે. આ સંજોગોમાં ભ્રષ્ટાચારને રોકવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે અને તેના ભાગરૂપે ઓનલાઈન પેમેન્ટ માટેની જોગવાઈ શરૂ કરવાની હિલચાલ ગૃહ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના ગૃહ વિભાગે આ મામલે બેન્કો સાથે વિધિવત બેઠકો યોજીને એ દિશામાં પગરણ માંડ્યા છે. અને આ મામલે ચાલી રહેલી વાટાઘાટો પૂર્ણ થયા બાદ નાણાં વિભાગની મંજૂરી મળ્યેથી તેનો અમલ શરૂ કરવામાં આવશે. આ પદ્ધતિ અમલી બનતાં દંડની રકમ વસૂલવામાં જે ભ્રષ્ટાચાર થાય છે તે બંધ થશે અને તેમાં પારદર્શિતા આવશે.

વાહનચાલક કેવી રીતે કરી શકશે પેમેન્ટ?

રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન પેમેન્ટની જે પદ્ધતિ અમલી કરવામાં આવશે તેમાં વાહન ચાલક પોતાના ડેબિટ, ક્રેડિટ કાર્ડ કે પે એપ્લિકેશન દ્વારા તેમને થયેલા દંડનું પેમેન્ટ કરી શકશે. જેના લીધે રાજ્યની ટ્રાફિક પોલીસ ડિજિટલ મોડમાં જોવા મળશે. ટ્રાફિક પોલીસ સ્થળ પર ઓનલાઈન પેમેન્ટ વસૂલી શકે તે માટે તેમને સ્વાઈપ મશીન આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં પ્રારંભિક તબક્કામાં આ પદ્ધતિ અમલી બનાવાશે. અને ત્યારબાદ રાજ્યના અન્ય ભાગોમાં પણ તેને અમલી કરાશે.[:]