[:gj]વાહનવ્યવહાર વિભાગે રિક્ષાચાલક સંગઠનો સાથે બેઠક યોજી ઉકેલની ખાતરી આપી[:]

[:gj]અમદાવાદ તા. 03

વાહનવ્યવહારના નવા નિયમોના વિરોધમાં શહેરના રિક્ષાચાલકો દ્વારા આજે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં આંશિક સફળતા મળી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે શહેરના માર્ગો પર અને ખાસ કરીને રેલવે સ્ટેશન પર રિક્ષાઓ ન હોવાના કારણે રાજ્ય સરકારે તાકીદે રિક્ષાચાલક એસોસિએશન સાથે એક બેઠક યોજીને આ મામલે દસ દિવસમાં વિવિધ વિભાગો સાથે ચર્ચા કરીને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ રિક્ષાચાલક એસોસિએશને એવી માગણી કરી હતી કે જો દસ દિવસમાં આ મામલે નિર્ણય નહિ લેવાય તો રાજ્યવ્યાપી રિક્ષાચાલકો હડતાળ પાડશે.

આ અંગે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ કહ્યું હતું કે વહેલી સવારથી જ શહેરના માર્ગો પર રિક્ષાઓની સંખ્યા ઓછી જોવા મળી હતી. અને શહેરના વિવિધ અન્ય રિક્ષા ચાલકોના સંગઠનોના સાથ સહકારથી રિક્ષાની હડતાળ સફળ રહી હતી. તેમણે કહ્યું કે શહેરમાં રિક્ષાચાલકોની હડતાળના કારણે રેલવે સ્ટેશન તેમ જ બસ સ્ટેન્ડો પર રિક્ષા ન મળતાં મુસાફરોને તકલીફ પડી હતી. આ સ્થિતિને જોતાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તાત્કાલિક શહેરના આરટીઓ વિભાગની દરમિયાનગીરી સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સંગઠનો દ્વારા વિવિધ 15 જેટલી માગણીઓ રજૂ કરવામાં આવી હતી.

આ બેઠકમાં વિભાગના અધિકારીઓ દ્વારા હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હોવાનું જાણવા મળ્યું છે. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રિક્ષા ચાલકોની 15 જેટલી માગણીઓ સરકારના વિવિધ વિભાગો સાથે જોડાયેલી હોવાના કારણે જે તે વિભાગો સાથે ચર્ચા કરીને તે મામલે આગામી દસ દિવસમાં ફરી એક બેઠક યોજીને તેનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.[:]