[:gj] સિલિન્ડરોમાંથી ગેસ કાઢીને સીલ કરીને ગ્રાહકોની સાથે છેતરપિંડી કરાતી હતી[:]

[:gj]
અમદાવાદ, તા. 17.
શહેરના ચાણક્યપુરી વિસ્તારમાંથી સબસિડીવાળા ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢીને ફરીથી સીલ મારીને ગ્રાહકોને આપીને છેતરપિંડી કરવાનું કૌભાંડ પકડાયું છે. સોલા પોલીસ દ્વારા આ કૌભાંડને પકડીને ચાર આરોપીની ધરપકડ કરીને હરસિદ્ધિ ગેસ એજન્સીના માલિક સહિત પાંચ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે ચાર આરોપી સાથે નવ ખાલી, 55 ભરેલા સહિત 65 ગેસ સિલિન્ડર, બે લોડીંગ ટેમ્પો, એક પેડલ રિક્ષા, સહિત રૂ. 2.16 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ચેહરનગરની ચાલી, સેકટર-3 નજીકની જગ્યામાં કેટલાક લોકો ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢીને ફરીથી તેને સીલ કરીને ગ્રાહકોને આપીને છેતરપિંડી કરી રહ્યા હોવાની માહિતી સોલા પોલીસને મળી હતી. જે અંગે સોલા પોલીસની ટીમ તુરંત ચાણક્યપુરી વિસ્તારમાં ચેહરનગરની ચાલી પાસે પહોંચી ગઈ હતી. જ્યાં જાહેરમાં ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ-આઇઓસીએલ કંપનીના સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢીને તેને ફરીથી સીલ કરીને ગ્રાહકોને ઓછો ગેસ આપવાની પ્રવૃત્તિ ચાલતી જોવા મળી હતી. આ અંગે પોલીસે ચાર શખ્સોની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં આ ચાર શખ્સો દ્વારા ચાણક્યપુરીમાં આવેલી હરસિદ્ધિ ગેસ એજન્સીના ટેમ્પોમાં રહેલા ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢવાની પ્રવૃત્તિ કરાતી હતી.

જેથી સોલા પોલીસે આ મામલે બે ટેમ્પો ચાલક કાળુભાઇ દેવાભાઇ મકવાણા અને દિનેશ ખેંગાર પરમાર (બંને ઉ.35, રહે.રામાપીરની ટેકરો, વાડજ), ખેંગાર મફાભાઈ આશાપુરા (ઉ.42, રહે ચાંદલોડિયા રેલ્વે સ્ટેશનની બાજુમાં, કાચા છાપરાંમાં) અને ભાવેશ વક્તાભાઇ આશાપુરા (ઉ. 27, રહે ચાંદલોડિયા રેલ્વે સ્ટેશનની બાજુમાં, કાચા છાપરાંમાં)ની વધુ પૂછપરછ કરતાં તેમણે આ ગેસ સિલિન્ડર હરસિદ્ધિ ગેસ એજન્સીના હોવાનું તેમજ એજન્સીના માલિક મૂળરાજસિંહ પરમાર હોવાનું જણાવ્યુ હતું.

પોલીસે હરસિદ્ધિ ગેસ એજન્સીના માલિક સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધીને ચાર આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એજન્સીના માલિકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

સોલા પોલીસે ચાર આરોપી સાથે નવ ખાલી, 55 ભરેલા સહિત 65 ગેસ સિલિન્ડર, બે લોડીંગ ટેમ્પો, એક પેડલ રિક્ષા, સહિત રૂ. 2.16 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

[:]