અમદાવાદ, તા.1
રેન્ટલ કારમાં એરપોર્ટથી હોટલ જઈ રહેલા એક વિદેશી નાગરિક પાસે રહેલા બે સ્કોચ વ્હીસ્કીની બોટલો પડાવી લેવા બે પોલીસવાળાએ તેમને ગોંધી રાખ્યા હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. બે અજાણ્યા પોલીસવાળા સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. વિદેશી દારૂની બોટલો પડાવી લેવા વિદેશી નાગરિકને પરેશાન કરનારા બે પોલીસવાળા સામે ઉચ્ચ આઈપીએસ અધિકારીના ઈશારે ફરિયાદ નોંધવામાં આવી છે. આઈપીએસ અધિકારીએ બે હોમગાર્ડ જવાનને આ મુદ્દે લાફા ફટકાર્યા હોવાની વાત સામે આવી રહી છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર યુએએઈ શારજહાંના રહીશ મોફાક મોનેર તાકલા (ઉ.42) ગઈકાલે વહેલી પરોઢ પહેલા ચાર વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ થયા હતા. રેન્ટલ કારમાં બેસીને મોફાક તાકલા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટલમાં જઈ રહ્યા હતા. વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે હેલમેટ સર્કલ કારને રોકી બે પોલીસવાળાએ ચેકીંગના બહાને કારમાં બેસેલા પ્રવાસીનો સામાન તપાસતા તેમાંથી સ્કોચ વ્હીસ્કીની બે બોટલ મળી આવી હતી. દારૂની બોટલ મળતા કારમાં બેસેલા મુસાફર પાસે પોલીસે પરમીટ માંગી હતી. પ્રવાસી મોફાક તાકલાએ પોતાનો યુએઈનો પાસપોર્ટ બતાવ્યો પરંતુ પોલીસવાળા ના માન્યા અને કાર ચાલક તેમજ પ્રવાસીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પાસે આવેલી ગલીમાં લઈ ગયા. ગુજરાતમાં તમે દારૂ પી શકો નહીં તેમ કહી દારૂની બોટલ ચેક કરી રાખી લેવાનો પોલીસવાળાનો ઈરાદો હતો. મોફાક તાકલા મક્કમ રહેતા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીની ઓળખ આપતા બંને પોલીસવાળા ઢીલા પડી ગયા હતા અને મોફાક તાકલાને દારૂની બોટલો સાથે જવા દીધા હતા.
આઈપીએસ ઓળખતા હોય તો જ ફરિયાદ દાખલ થાય
તોડ કેસની તો ઠીક પરંતુ સામાન્ય ચોરીની ફરિયાદ દાખલ કરાવવા લોકોના ચપ્પલના તળીયા ઘસાઈ જાય છે. અરજીના નામે તપાસનું નાટક રચી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ ઘટાડવા(બર્કિંગ)ની એક સુવ્યવસ્થિત યોજના વર્ષોથી ચાલી રહી છે. તમારી ફરિયાદ જો તુરંત દાખલ કરાવી હોય તો તમને કોઈ આઈપીએસ અધિકારી ઓળખતા હોવા જોઈએ. આઈપીએસ અધિકારીની ભલામણ કે દમ સાંભળ્યા બાદ જ કેટલાક પીઆઈ ફરિયાદ દાખલ કરે છે. કેટલાક કિસ્સાઓમાં તો ફરિયાદ નોંધાવવા માટે રૂપિયા આપ્યા હોવાની પણ ઘટનાઓ બની ચૂકી છે.
દારૂ-જુગારના કેસમાં પોલીસ મોટી રકમના તોડ કરતી હોવાના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. તોડનો કિસ્સો ગાજે તે પછી જ પોલીસ ફરિયાદ નોંધે છે. બાકી તો અરજી લઈને તપાસના નામે પીલ્લુવાળી તોડની રકમમાંથી અધિકારીઓ તોડ કરી લે છે.
વિદેશથી દારૂ લાવતા પ્રવાસીઓને પોલીસ બેફામ લૂંટે છે
કિસ્સો – 1 એસ.પી.રીંગ રોડ ઓઢવ પર કારમાં જઈ રહેલા એક પરિવાર પાસેથી સ્કોચ વ્હીસ્કીની ચાર બોટલ મળતા પોલીસે તેમને કેસ કરવાના નામે મહિલા સહિતના લોકોને કારમાં જ ગોંધી રાખ્યા. ડરી ગયેલા પરિવાર પાસેથી પોણા બે લાખ રૂપિયાનો તોડ કર્યો અને દારૂની બોટલો પણ પડાવી લીધી.
કિસ્સો – 2 શાહીબાગ એરપોર્ટ રોડ પર સ્કોચ વ્હીસ્કી અને રશિયન વોડકાની બે બોટલ સાથે પકડાયેલા એક વ્યક્તિને કેસ કરવાની ધમકી આપી 85 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ ઉપરાંત પોલીસે વિદેશથી પરત ફરી રહેલા વ્યક્તિએ ખરીદેલી કેટલીક ચોકલેટ પણ લઈ લીધી હતી.
કિસ્સો – 3 ધરણીધર દેરાસર રોડ પર ચેકીંગના નામે એક કાર રોકી. કારમાં પ્રવાસ કરી રહેલા પરિવારનો મોભી દારૂના નશાની હાલતમાં હોવાથી તેને નીચે ઉતારી દઈ કેસ કરવાની ધમકી આપી. કેસથી બચવા માટે આજીજી કરી રહેલા વ્યકિત પાસે એક લાખ રૂપિયા માંગ્યા. આખરે 70 હજારમાં ડન થતા નજીકમાં આવેલા એટીએમમાંથી રૂપિયા કાઢીને પોલીસને ચૂકવ્યા હતા.
પરદેશથી પરત ફરતી વખતે એક વ્યક્તિ બે લીટર દારૂ લાવી શકે છે તેવા અધકચરા જ્ઞાનને કારણે અનેક પ્રવાસીઓ પોલીસના હાથે લૂંટાય છે. કેટલાક પોલીસવાળાઓને તો નાઈટ ડ્યુટી કોઠે પડી ગઈ છે. જો કે, તેની પાછળનું કારણ મહિને લાખો રૂપિયાની આવક છે. આવકનો હિસ્સો પોલીસ સ્ટેશનના અધિકારીઓને પણ જાય છે. વિદેશથી દારૂ લાવતા પ્રવાસીઓને શહેર પોલીસ બેફામ લૂંટી રહી છે તે વાત સામાન્ય લોકોથી લઈને ગૃહ રાજ્ય મંત્રી સુધી સૌ કોઈ જાણે છે.
તોડ કરવાની મોડસ ઓપરેન્ડી
દારૂ સ્કોચ હોય કે ઈન્ડીયન. જો તમારી પાસેથી પકડાયો તો પોલીસ સીધે સીધો કેસ કરવાના બદલે પહેલા તો તમને મેન્ટલ ટોર્ચર કરશે. દારૂ સાથે અથવા પીધેલી હાલતમાં પકડાયેલા વ્યક્તિને પહેલા તો પકડીને પોલીસ તેનો મોબાઈલ ફોન ઝૂંટવી લઈને થોડીક મીનીટો માટે બાજુમાં બેસાડી દે છે. પકડાયેલો વ્યક્તિ કાંઈ પૂછવા જાય તો ત્યાં હાજર પોલીસ કર્મચારી સાહેબ સાથે વાત કરવી પડશે તેમ કહી પ્રેશર વધારે છે. ત્યારબાદ વ્યક્તિ શું કામ ધંધો કરે છે, ક્યાં રહે છે, ક્યાંથી આવ્યો તેવી માહિતી પૂછીને વ્યક્તિનો કયાશ કાઢી લે છે. દારૂ સાથે પકડાયેલા વ્યક્તિ પાસે કેટલી બોટલ છે અને તે કોણ છે તે મુજબ લાખો રૂપિયામાં તોડ થાય છે. જ્યારે પીધેલાની હેસિયત પ્રમાણે લાખ રૂપિયાથી લઈને પાંચ હજાર સુધીમાં પોલીસ મામલો રફેદફે કરી દે છે
પોલીસ તોડનો ખેલ સીસીટીવી કેમેરાથી દૂર કરે છે
મોટાભાગે તોડ કરવા માટે રાત્રિ સમયે પોલીસ સીસીટીવી કેમેરાના હોય તેવા રોડ કે ચાર રસ્તા પર ઉભા રહેવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક પોલીસવાળા સીસીટીવી કેમેરાની રેન્જ વાહન ચેકીંગના નામે ઉભા રહે છે, પરંતુ તોડ કરવા માટે શિકારને કેમેરાની નજરથી દૂર લઈ જવાય છે. મોટાભાગે તોડની રકમ પોલીસવાળા સાથી હોમગાર્ડ થકી વસૂલે છે.