અમદાવાદ, 7 જાન્યુઆરી 2020
અમદાવાદની સેન્ટ્રલ જીએસટી વીંગે ભરત ભગવાનદાસ સોની(શુકન સ્માઈલ સિટી, ન્યૂ રાણીપ, અમદાવાદ)ની બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરી છે. સોના ચાંદી અને હીરા અને જ્વેલરીની ખરીદીના 2435.96 કરોડના બોગસ બિલ બનાવ્યા અને 72.25 કરોડની બોગસ ઈનપુટ ક્રેડિટ લીધી. શહેરના 200 જ્વેલર્સની સંડોવણી મળી, જાણીતા ઝવેરીઓ ભૂગર્ભમાં જતાં રહ્યયા છે.
અમદાવાદની એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટની કોર્ટે 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર સાબરમતી સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવાયો છે.
જીએસટી વિભાગના અંદાજ મુજબ, રૂ.10 હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ રચીને રૂ.300 કરોડની બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલી હોય શકે છે.
સેન્ટ્રલ જીએસટીને મળેલી માહિતીના આધારે ભરત સોની સામે તપાસ કરાઈ અને તેણે શહેરના વિવિધ બુલિયન ટ્રેડર્સ સાથે સાંઠગાંઠ કરીને હજારો કરોડના બોગસ બિલ જનરેટ કરી કરોડો ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યાનું શોધી કઢાયું.
સસરો બોગસ બિલ બનાવતો, જમાઈ ઘરાક શોધી લાવતા હતા. મુખ્ય સૂત્રધાર ભરત સોનીએ 6 અલગ અલગ પેઢીઓ ખોલી હતી. જે તેના પરિવારજનોના નામે હતી. જેમાં ઘનશ્યામ જ્વેલર્સ(ભરત સોની પોતે), કનિષ્ક જ્વેલર્સ(ભાવિન સોની, પુત્ર) દીપ જ્વેલર્સ(દીપાલી પાટડીયા, પુત્રી), એન.એસ. એન્ટરપ્રાઈઝ(નીતિન પાટડીયા, જમાઈ), એસ.એ.ઓર્નામેન્ટ(શ્વેતા પાટડીયા, પુત્રી), બી-2 જેમ્સ(આદર્શ પાટડીયા, જમાઈ)નો સમાવેશ થાય છે.
ભરત સોનીએ પરિવારજનોના નામે ખોલેલી 6 અલગ અલગ પેઢી
ફર્મનું નામ પેઢી માલિક સંબંધ
ઘનશ્યામ જ્વેલર્સ – ભરત સોની પોતે
કનિષ્ક જ્વેલર્સ – ભાવિન સોની પુત્ર
દીપ જ્વેલર્સ – દીપાલી પાટડીયા પુત્રી
એન.એસ. એન્ટરપ્રાઈઝ – નીતિન પાટડીયા જમાઈ
એસ.એ.ઓર્નામેન્ટ – શ્વેતા પાટડીયા પુત્રી
બી-2 જેમ્સ – આદર્શ પાટડીયા જમાઈ
તેમના જમાઈઓ નીતિન અને આદર્શ દ્વારા જે લોકોને બિલોની જરૂરિયાત હોય તેવા લોકોને શોધી લાવતા હતા. એક બોગસ બિલ પર તેઓ 2500થી 3000 રૂપિયા લેતા હતા.
બુલિયન જ્વેલર્સની ટોળકી રચી જેઓ પદ્ધતિસર વખતો વખત કરોડો રૂપિયાના અંદરો અંદર ટ્રેડિંગના વ્યવહારો બતાવી અને તેના બેંકિંગ વ્યવહારોના આધારે બોગસ બિલો જનરેટ કરતા ગયા. ફક્ત આ છ પેઢીના નામે જ રૂ.2435.96 કરોડના બોગસ બિલ જનરેટ થયા. જેના આધારે આ પેઢીઓના નામે રૂ.72.25 કરોડની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી છે.
મુંબઈના કેટલાક વેપારીઓના નામ સામે આવ્યા છે.
ગુજરાતના નામી જ્વેલર્સ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. આ તમામ લોકોએ એક સિન્ડિકેટ રચીને સોના-ચાંદી, હિરા તથા જ્વેલરીની ખરીદીના અંદરો અંદરના વ્યવહારો દર્શાવી કરોડોના બોગસ બિલ ઉભા કર્યા હતા.
પ્રાથમિક અંદાજ અનુસાર આ સિન્ડિકેટના બાકીના સભ્યોએ મળીને રૂ.7250 કરોડના બોગસ બિલ જનરેટ કરીને રૂ.210 કરોડની ઈનપુટ ક્રેડિટ ઓળવી લીધી છે. સરકારને ચૂનો લગાવ્યો હોઇ શકે છે.
રૂ.10 હજાર કરોડથી વધુના આ બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓ અમદાવાદ શહેરના બુલિયન ટ્રેડર્સ જ છે. આ બધાએ અંદરો અંદર સિન્ડિકેટ(ટોળકી)રચીને એક બીજાને સોના-ચાંદી તેમજ ડાયમંડનો માલ વેચ્યાના બોગસ બિલ જનરેટ કર્યા હતા.
વાસ્તવમાં આવી લેણ-દેણના કોઈ ફિઝિકલ વ્યવહાર કે ડિલિવરી થઈ જ ન હોતી. બીજી તરફ આ બોગસ બિલ રજૂ કરીને સરકાર પાસેથી તેના પ્રમાણમાં બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાતી હતી.
બિલ જનરેટ કરી ખોટી રીતે રૂપિયા 72 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઘરભેગી કરી હતી. અધિકારીઓને તેમના ઘરેથી મોટા પ્રમાણમાં બોગસ બિલિંગ અંગેની વિગતો મળી હતી. 210 કરોડની ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. જેની તપાસ ચાલી રહી છે.
કેટલાંક અધિકારીઓ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પણ સંડોવાયેલા હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી.