અમદાવાદ, 22 નવેમ્બર 2020
દિલ્હીની આજુબાજુ તેમજ હરિયાણા અને પંજાબ તેમજ ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં ઘઉંનો પાક લેવાઈ જાય ત્યાર બાદ ખેતર ચોખ્ખું કરવા માટે પરાળને સળગાવી દેવામાં આવે છે. તેથી હવાનું પ્રદુષણ થાય છે. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધું વવાવેતર 1.32 લાખ હેક્ટર અમદાવાદની આસપાસ થાય છે. છતાં અહીંના ખેડૂતો તેને સળગાવતાં નથી પણ અમદાવાદ પોતાનો કચરો શિયાળામાં સળગાવીને જાતે પ્રદુષણ ફેલાવે છે. જેમાં પીરાણા ડંપ સાઈટમાં કચરો સળગે છે જેનો ઝેરી ધુમાડો 12 કિલોમીટર સુધી અમદાવાદમાં ફેલાઈ જાય છે. પીરણામાં બાળવામાં આવતા કચરામાંથી મિથેન ઉપરાંત વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, ઝેરી ગેસ નીકળે છે.
પીરાણાનો ઝેરી ધુમાડા શ્વસનતંત્ર સંબંધિત બીમારીઓ થાય છે.
આ ગેસના કારણે કેન્સર, હૃદય અને શ્વસનની બીમારીઓ થઈ શકે છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરિ, ગાંધીનગર IIT, વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી, પૂણેની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટિઅરૉલજિ અને દિલ્હીની એમિટી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સ્ટડી હાથ ધર્યું હતું.
આ ધુમાડાની અસર ડિસ્પર્શન મોડલ મુજબ, આંબાવાડી, પાલડી, નવરંગપુરા, સેટેલાઈટ, વસ્ત્રાપુર અને બોડકદેવ, પાલડી, વાસણા, સરખેજ, જુહાપુરા, રાણીપ, મોટેરા, સાબરમતી, પશ્ચિમ અમદાવાદ, હાથીજણ, વટવા, વસ્ત્રાલ, મણીનગર, ઈસનપુર, બાપુનગર વિસ્તારો સુધી જોવા મળી હતી.
મે 2017માં ડિસ્પર્શન મોડલ દ્વારા જોવા મળ્યું હતું કે, કઠલાલ અને ખેડા સુધીના વિસ્તારો સુધી ગૂંગળાવી નાખતી બાષ્પ જોવા મળી હતી.
20 નોન-મિથેન VOC ગેસ
આ ગેસમાં આઈસોપ્રિન, બેન્ઝિન, cis-2-બ્યુટેન, પ્રોપિલિન, મેટા-ઝાયલિન, ઈથેલિન અને ટ્રાન્સ-ટુ-બ્યુટેન રહેલા છે. જે પીરાણામાંથી નીકળતા 20 નોન-મિથેન VOC ગેસમાં 72-75 ટકા હિસ્સો ધરાવે છે. વૈજ્ઞાનિકોએ આ માપવા માટે GC-FDI (ગેસ ક્રોમેટોગ્રાફી-ફ્લેમ આયનાઈઝેશન ડિટેક્ટર)નો ઉપયોગ કર્યો હતો. જેમાં 2017 બાદ પીરણામાંથી ફેલાયેલા 20 નોન-મિથેન VOC (વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ) માપ્યા હતા.
બેન્ઝિનથી કેન્સર
પીરાણા સાઈટ, 500 મીટર અને 800 મીટરના વિસ્તાર બાદ ડમ્પિંગ સાઈટથી અઢી કિલોમીટરના અંતરે આવેલા વિસ્તારોમાંથી સેમ્પલ લીધા હતા. toluene-butane ગેસનું પ્રમાણ ટ્રાફિક જંક્શન કરતાં ત્રણ ગણું વધારે હતું. સ્ટડી મુજબ, બેન્ઝિન લોકોમાં કેન્સર પેદા કરી શકે છે. PBCRએ 2007થી 2016 દરમિયાન અમદાવાદમાં કેન્સરના કેસમાં 60%નો વધારો જાહેર કર્યો હતો. વાર્ષિક 4.8%નો વધારો થઈ રહ્યો છે. તેથી આંકડા સરકાર છુપાવી રહી છે.
દેશમાં 22.58 લાખ કેન્સરના દર્દીઓ છે, વર્ષે 11.57 લાખ નવા દર્દીઓ અને 8 લાખ મોત થાય છે. જેમાં ગુજરાતમાં 2 લાખ કેસમાં વર્ષે નવા 80 હજાર વધે છે. 6 વર્ષમાં 20થી નાની વયનાં યુવાનોમાં કેન્સરમાં 251 ટકાનો વધારો થયો છે. એચસીજી કેન્સર સેન્ટરમાં 29 હજાર નવા કેસ હોસ્પિટલમાં નોંધાયા છે. જેમાં પીરાણા ડંપ સાઈટ એટલી જ જવાબદાર છે.
બે લાખ લોકોને સીધી અસર
પીરાણાની આસપાસના 500 મીટરથી 1 કિલો મિટર સુધીના બહેરામપુરા, પીરાણા, ગ્યાસપુર, ફૈસલ નગર, છીપાકુવા, વાસણાના બે લાખ લોકોને દુર્ગંધ તથા ઝેરી મિથેન ઝેરી ગેસના કારણે રોજ આફત આવે છે. કાર્બન ડાયોકસાઇડ, નાઇટ્રેટ ઓકસાઇડ સહિત 35 જેટલા ઝેરી વાયુઓ હવામાં ભળે છે. અહીં રહેતી દરેક વ્યક્તિ કોઇ ને કોઇ બીમારીથી પીડાય છે અને કમાણીના પૈસા દવામાં ખર્ચી રહી છે. 1 ઘન ફૂટ કચરા પર અંદાજે 70 હજાર માખી હોય છે. આ વિસ્તારના લોકો વારંવાર બીમારીનો ભોગ બને છે. શ્વાસના રોગ, અસ્થમા, ફેફસાંનાં કેન્સર, ન્યુમોનિયા કે ટી.બી. સહિતના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા વધુ પ્રમાણમાં છે.
મેયર બિજલ પટેલ નિષ્ફળ
અમદાવાદ શહેર 46,416 હેક્ટરમાં ફેલાયેલું છે. અમદાવાદમાં સુકો અને ભીનો કચરો અલગ રાખવાની અને કચરો લેવા આવનારને અલગ આપવાની કામગીરી 3 ડિસેમ્બર 2018થી શરૂ કરી પણ તે નિષ્ફળ રહી છે.
અમદાવાદ શહેરના 14.5 લાખ ઘરમાંથી 10 હજાર ઘર કચરો જુદો પાડ તો હતો. કીચન વેસ્ટનો હિસ્સો લગભગ 45 ટકા છે. શહેરમાં 1100 સ્થળો પરથી કચરો એકત્ર થાય છે. 40 હજાર લોકો ઘરે ફરીને પ્રચાર કરવાની મેયર બિજલ પટેલ તથા કમિશનર વિજય નહેરાએ તેની જવાબદારી લીધી હતી. જેમાં તેઓ નિષ્ફળ રહ્યાં છે. કચરો અલગ કરવા 50 લાખ ડસ્ટબીન દરેક ઘરે 2ના પ્રમાણમાં આપવામાં આવી હતી. ખર્ચ માથે પડ્યું છે.
રોજ 3500 ટન કચરો
AMCની પીરાણા ડમ્પ સાઈટ 84 હેક્ટરમાં છે. જેમાં 65 હેક્ટરમાં કચરાના પહાડ બની ગયા છે. 2030 સુધીમાં બીજી 100 એકર જમીન કચરો નાંખવા માટે જોઈશે. 2030માં અમદાવાદમાં 5000 મેટ્રિક ટન કચરો નિકળતો હશે. શહેરનો તમામ કચરો પીરાણા પર્વતમાં ભાજપનું શાસન 1988થી આવ્યું ત્યારથી 30 વર્ષથી નાંખીને 85 મીટર સુધી ઉંચાં 3 ડુંગર બની ગયા છે. જ્યાંથી પ્રદૂષણ અને રોગચાળો ફેલાય છે. રોજ 1000 વાહનો 3500 મેટ્રિક ટન કચરો એકત્ર કરવામાં આવે છે. જેમાં 900 ટન જેટલો કચરો ખાતર વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવાઇ રહયો છે. 1,000 ટન ડેબ્રિજ રિસાયકલ કરાય છે. 1 કરોડ ટનનો મોટો પહાડ થઈ ગયો હતો. હવે તે કચરો ખાતર તરીકે વાપરવામાં આવે છે.
આગ
પીરાણા ડમ્પ સાઇટમાં દર મહિને સરેરાશ દોઢ મોટી આગ લાગે છે જેમાં પ્રદૂષણ વધે છે, આગને ઠારવા 150થી 200 ટેન્કર પાણી નાંખવું પડે છે. ડુંગરની પાછળ કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે, જે પ્રદુષિત પાણી તેની ઓથમાં ઠાલવી દે છે. તેથી લોકો માટે જોખમ ઊભું કરે છે.
ઝેરી ધુમાડાથી AC બંધ
પીરાણાના કચરામાંથી નીકળતા ઝેરી ધુમાડાના કારણે 6 કિ.મી. આસપાસ દર 8-10 મહિને એસીમાંથી ગેસ નિકળવાની સમસ્યા છે. સામાન્ય હવા હોય તો તે 7 વર્ષે ગેસ પુરાવો પડે છે. પાઈપોના વળાંકના સાંધા તોડી નાખે છે એટલે ગેસ લીક થવા લાગે છે. એક વારની આ સમસ્યાનો ખર્ચ અંદાજે રૂા.3500 થી 4000નો થાય છે.
પ્લાસ્ટીકના ઝેરી વાયુનો પહાડ
1 કરોડ ટન કચરામાં 12 ટકા કે 12 લાખ ટન પ્લાસ્ટિક અને સિન્થેટિક કચરો હતો.
ગુજરાતમાં સૌથી વધું અમદાવાદના પ્રત્યેક લોકો 1.2 કિલો પ્લાસ્ટિક વાપરે છે. રોજ 241000 કિલો પ્લાસ્ટિક વાપરે છે. કચરો બાળવામાં આવે ત્યારે તેમાં પ્લાસ્ટિક અને સિન્થેટિક બળે છે. જે હવામાં ઝેરી ગેસ ફેલાવે છે. શ્વાસમાં આ ઝેરી ગેસ જાય એટલે કેન્સર સહિતની જીવલેણ બીમારી અહીંના લોકોને થઈ રહી છે.
સરખેજથી નારોલ જવા માટે લાખો લોકો વાહનમાં પાંચ મિનિટ માટે પસાર થાય છે તો પણ ગળામાં બળતરા થવાની સાથે માથાનો દુ:ખાવો થાય છે. પ્લાસ્ટિક ધૂમાડામાં બ્રોમાઈડ તેમજ ક્રુમિયમ, કોપર, કોબાલ્ટ, સેલેનિયમ, લીડ અને કેડિયમ જેવા ખતરનાક પ્રદૂષકો હોય છે. જેનાથી કેન્સર, કિડની, શ્વાસ, લોહી અને હાર્ટ સહિતની બીમારી થઈ શકે છે.
ભૂગર્ભ જળ ઝેરી
ભૂગર્ભ જળમાં જીવલેણ સલ્ફેટ, ફોસ્ફેટ, ક્લોરાઈડ જેવા હાનિકારક કેમિકલ્સનું પ્રમાણ અનેક ગણું વધારે છે. અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના સિવિલ એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટ દ્વારા ભૂગર્ભજળનુ વિશ્લેષણમાં કરાયું તેમાં ભૂગર્ભજળ પ્રદુષણના કારણે બીઆઈએસના તમામ પરિમાણોનો ભંગ થાય છે. બહેરામપુરા, નગ્મા નગર, ફૈઝલ નગર અને છીપાકુવામાં ભૂગર્ભજળમાં સલ્ફેટ, ફોસ્ફેટ અને ક્લોરાઈડનું પ્રમાણ બીઆઈએસના પીવાના પાણીના પરિમાણો કરતા ખૂબ વધારે છે. પાણીની કઠોરતા 10 ગણી વધારે છે.
મેગ્નેશિયમ ક્ષારનું પ્રમાણ 30 મીલીગ્રામ પ્રતિ લીટર હોવું જોઈએ પણ આ વિસ્તારમાં 320 મીલીગ્રામ પ્રતિ લીટર છે. કેલ્સિયમ ક્ષારના કારણે પાણીની કઠોરતાનું પ્રમાણ છ ગણું જોવા મળ્યું હતું. ટીડીએસ 7 ગણું જોવા મળ્યું હતું. નાયટ્રેટનું પ્રમાણ 5 ગણું વધું છે.
નિયમ ભંગ
ડંપીગ સાઇટ અંગે નીયમ છે કે સાઇટ પર 10 સેન્ટીમીટર કચરો નાંખ્યા બાદ તેના પર તેટલી માટી નાખવી. વરસાદી પાણીના નીકાલ માટે નાળા, ચારેબાજુ વાડ, માણસ અને પશુઓને પ્રવેશ બંધી હોવી જોઈએ. AMC દ્વારા કરવામા આવી નથી. સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું પણ અમલીકરણ થતું નથી.
વિકલ્પ બંધ
પીરાણા સાઈટ બંધ કરીને વણઝર અને કમોડ ગામની નવી સાઈટ પર કચરો નાંખવાનું નક્કી કરાયું હતું. જેનો વિરોધ થતાં તે પ્રોજેક્ટ બંધ કરાયો છે.
રીસાયકલ 1
ગરીબ લોકો 11 કલાક સુધી પ્લાસ્ટીકનો કચરો વીણીને ખોરાક ખરીદે છે. ગરીબોના નાના બાળકો પણ તેમની સાથે પીરાણા આવે છે. પીરાણાના કચરાના ઢગ પર કચરો વિણવા પર પ્રતિબંધ મૂકેલો છે. છતાં સેવા સંસ્થા દ્વારા પ્રમાણિત 60 મહિલાઓને જ અહીં કચરો વીણવાની છૂટ આપી હતી.
રીસાયકલ 2
કચરામાંથી વીજળી બનાવવા 2 કંપની સાથે કરાર થયા જેમાં 2,000 મેટ્રિક ટન કચરો વપરાવાનો હતો. 3 કંપની દ્વારા રોજ 900 મેટ્રિક ટન કચરમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે. રોજ 700 મેટ્રિક ટન ડેબ્રિજ સામે 500 મેટ્રિક ટન ડેબ્રિજમાંથી સ્કિટ ફર્નિચર બને છે. છ કંપનીને જમીન આપવામાં આવી હતી. બીજી કંપનીઓએ કામ ચાલુ ન કરતાં તેમની પાસેથી A TO Z કંપનીને રૂ.50 લાખ પેનલ્ટી કરીને રૃ.1.50 કરોડ ડીપોઝીટ જપ્ત લઈને બ્લેક લિસ્ટ કરાઈ હતી.
ગ્રીન કવર ભ્રષ્ટ થયું
પીરાણીને કેપિંગ – માટીથી ઢાંકી – દેવાનો રૂ.374 કરોડનો પ્રોજેકટ બનાવાયો હતો. ડુંગર પર માટી નાંખી બગીચો બનાવવાનું 21 વર્ષથી આયોજન હતું. કેન્દ્ર સરકારની 35 ટકા, રાજ્ય સરકારની 25 ટકા અને અર્બન લોકલ બોડી 40 ટકા આપવાની હતી. 15 વર્ષ સુધીના મેન્ટેનન્સ પેટે રૂ.107 કરોડના ખર્ચનો પણ તેમાં હતો. આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ તરીકે આઇએલએફએસ લિમિટેડની પસંદગી કરાઇ હતી. આરસીસીની કમ્પાઉન્ડ વોલથી આવરી લેવાની હતી. ‘ગ્રીન કવચ’ કરેવાનું હતું. જેમાં રૂ.50 કરોડ મળ્યા હતા. ભ્રષ્ટાચારની શંકા જતા કંઈ થઈ શક્યું નથી.
ભાજપ સરકારો નિષ્ફળ
2016માં રાજ્યની ભાજપ સરકારે વેસ્ટ ટૂ એનર્જી નીતિ જાહેર કરીને કચરો ડમ્પ કરવાના બદલે તેની પ્રોસેસ કરી વીજળી પેદા કરવા યોજના બનાવી હતી. હજુ સુધી ગુજરાતના એક પણ શહેરમાં વીજળી પેદા થતી હોય એવો એક પણ પ્લાંટ કામ કરતો નથી.
રાજ્યમાં રોજ 35 લાખ ટન કચરો
ગુજરાતની 6.50 કરોડ પ્રજામાંથી 2 કરોડ પ્રજા જ્યાં રહે છે તે શહેરો સૌથી વધું કચરો પેદા કરે છે. ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકા તથા 162 પાલિકામાં રોજ 10 હજાર ટન કચરો પેદા થાય છે. જેમાં 80 ટકા પાલિકાઓમાં ચારેબાજુ કચરાના ગંજ છે. જેમાંથી માત્ર 20 ટકા પ્રોસસ થાય છે.
રાજ્યભરમાં વર્ષે 35 લાખ ટન કચરો ઠલવાય છે. જે માનવ જીવન માટે જોખમી હોવા છતાં ગુજરાતની રૂપાણી સરકાર તેનું રીસાયકલ કરવામાં નિષ્ફળ ગઈ છે. 90 ટકા ગામડાઓ ઉકરડા બની ગયા છે. 60 લાખથી વધુ વસતી ધરાવતા અમદાવાદ શહેરમાં વર્ષે 12.50 લાખ ટન એટલો જ સુરતમાં અને બીજો એટલો બાકીની 6 મહાનગર પાલિકામાં કચરો પેદા થાય છે.
અમેરિકન પ્રતિનિધિ મંડળ
પીરાણા ડમ્પિંગ સાઈટની સમસ્યા ઉકેલવા 15 ડિસેમ્બર 2017ના રોજ અમેરિકન ડેલિગેશનના ડેવિડ મૂ એલિઝાબેથ મિથાની અને ત્રિશાએ સાઈટની મુલાકાત લીધી હતી. સાઈટની મુલાકાત લીધા પછી આ વિસ્તારના લોકોની પણ મુલાકાત લઈને બીમારીઓથી પીડિત લોકો સાથે વાતચીત કરી હતી. તેમની સમસ્યા જાણી હતી. અમેરિકા સહયોગ આપવાનું હતું. પણ કંઈ થયું નહીં.
જંગલ બનાવાયું
AMCએ પીરાણા પાસે ગ્યાસપુર ફોરેસ્ટ્રી માટે વર્ષ 2005માં 100 વૃક્ષો ઉગાડીને પ્રોજેક્ટ શરુ થયો હતો અને આજે તે હરિયાળું જંગલ બની ગયું છે. પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય વન્ય જીવો આવીને વસવાટ પણ કરવા લાગ્યા છે. પીરાણા વિસ્તારના આ ‘જંગલમાં’ 110 પ્રકારના પક્ષીઓ જેમાં 40 મોર પણ સામેલ છે તે ઉપરાંત 30 નીલગાય, 10 શેળા, શિયાળ, કેટલાક નોળિયા અને 15 જાતના સાપ પણ જોવા મળ્યા છે. વન વિભાગ આવું કરી શકે તો અમદાવાદ મહાનગર પાલિકા કેમ નહીં એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યાં છે.