બટાટાનું વાવેતર 1.25 લાખ હેક્ટર સાથે તમામ વિક્રમ તોડી નાંખશે, હેક્ટરે વધું બટાટા પકવવામાં ગુજરાતના ખેડૂતો પ્રથમ નંબરે

ગાંધીનગર, 14 સપ્ટેમ્બર 2020

ગુજરાતમાં ખરીફ અને ઉનાળામાં બટાટા પાકતા નથી. રવિ એટલે કે શિયાળુ વાવેતર 1.18 લાખ હેક્ટરમાં 2019-20માં થયા હતા. 36.65 લાખ ટન અંદાજીત ઉત્પાદન થયું હતું. જે હેક્ટર દીઠ લગભગ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદનનો અંદાજ કૃષિ વિભાગનો હતો. આ વખતે 1.25 લાખ હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થાય એવો અંદાજ ખેડૂતો બતાવી રહ્યાં છે.

ઉત્પાદન 40 લાખ ટનને પાર કરી જઈ શકે છે. કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થયો હોવાથી ભૂગર્ભ પાણીથી ભરેલું છે. નર્મદા નહેર દ્વારા બટાટા પાકતાં હોય એવો 2 ટકાથી વધું વિસ્તાર નથી. ગુજરાતમાં બટાટાનના ઉત્પાદનમાં ચોથા નંબર પર છે પણ, એક હેક્ટર દીઠ ઉત્પાદકતાં સમગ્ર ભારત કરતાં સૌથી વધું છે. હેક્ટરે બટાટા પેદા કરવામાં ગુજરાતના ખેડૂતો પ્રથમ નંબરે છે.

બટાટાની વાવણી ટૂંક સમયમાં શરૂ થશે. બટાટાના ભાવ એક કિલોના રૂ.4થી રૂ.40 સુધી થયા છે.  ખેડુતો આ વખતે તદ્દન ઉત્સાહિત છે. રવી સીઝનમાં બટાકાની ખેતીમાં વધુ રસ લઈ રહ્યાં છે. રવી સીઝન દરમિયાન બટાટાની ખેતી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, આસામ, છત્તીસગ,, ઝારખંડ અને હરિયાણામાં થાય છે. બટાટા પેદા કરવામાં ગુજરાત દેશના ચોથા નંબર પર છે.

બિયારણની માંગ વધશે

ભારતીય કૃષિ સંશોધન પરિષદ અંતર્ગત હિમાચલ પ્રદેશના સિમલા સ્થિત કેન્દ્રીય બટાટા સંશોધન સંસ્થાએ જાહેર કર્યું છે કે, રવી સિઝનમાં, બટાટાની વાવણી સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં શરૂ થાય છે અને નવેમ્બર સુધી ચાલે છે, જ્યારે લણણી ડિસેમ્બરથી માર્ચ સુધી ચાલે છે. બટાટામાં ખેડૂતોનો રસ વધશે. પાકનો વાવેતર વિસ્તાર વધશે. પહેલા કરતા વધારે ઉત્પાદન આપે એવી ઘણી જાતો છે. બિયારણના ભાવ વધશે. 40 લાખ ક્વીન્ટલ બિયારણની જરૂરિયાત આખા દેશમાં રહેશે. ગુજરાતમાં 3.80 લાખ ટન બટાટાનું બિયારણ જોઈશે.

2019 – 20માં બટાટાનું ભારતમાં ઉત્પાદન 513 લાખ ટન, 2018-19માં 501.90 લાખ ટન હતું. વધુ ઉત્પાદન હોવા છતાં ભાવ વધ્યા છે. કારણ કે બીજા શાકભાજી ખેતરમાંથી બહાર આવી શક્યા નથી કે કોરોનાના કારણે શાકભાજી શહેર સુધી ઓછા ગયા છે તેથી બટાટા વધારે વપરાયા છે.

દેશમાં બટાટાના કુલ ઉત્પાદનમાં 30 ટકા ઉત્તર પ્રદેશમાં ઉત્પન્ન થાય છે. બટાટા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વ્યાપક છે.

ખરીફ અને ઉનાળાનું વાવેતર

ખરીફ અને ઉનાળાનો પાક મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુમાં લેવામાં આવે છે. વાવણીની મોસમ મેથી જુલાઇ સુધી છે, જ્યારે લણણી સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ચાલે છે. ખરીફ બટાટાનું ઉત્પાદન ખૂબ ઓછું છે, તેથી આ સિઝનના ખેડુતોને સારા ભાવ મળે છે, જ્યારે રવી સિઝનમાં ઉત્પાદન વધુ હોવાને કારણે પાક લણણીની સિઝનમાં ખૂબ ઓછો ભાવ આવે છે.

ગુજરાતમાં ખરીફ અને ઉનાળામાં બટાટા પાકતા નથી. રવિ એટલે કે શિયાળુ વાવેતર 1.18 લાખ હેક્ટરમાં 2019-20માં થયા હતા. 36.65 લાખ ટન ઉત્પાદન થયું હતું. જે હેક્ટરે લગભગ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદન હતું.

ભારતની એક હેક્ટર દીઠ ઉત્પાદકતા 23 હજાર કિલોની છે.

10 વર્ષ પહેલા

2010-11માં 55 હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર થયુ હતું. 12.82 લાખ ટન ઉત્પાદન થયું હતું. હેક્ટરે સરેરાશ 23280 કિલો ઉત્પાદન થયું હતું. 2011-12માં 78 હજાર હેક્ટરમાં 18 લાખ ટન ઉત્પાદન અને 23 હજાર કિલોની હેક્ટરે ઉત્પાદકતા હતી. 2014-15માં ઉત્તર પ્રદેશની ઉત્પાદકતા 18900 કિલો, પશ્ચિમ બંગાળ 25921 કિલો હતી. 2019-20ની મોસમમાં ગુજરાતની ઉત્પાદકતા 31 હજાર કિલોની છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધું છે.

ઉત્પાદકતા વધી

10 વર્ષમાં ગુજરાતમાં વાવેતર અને હેક્ટરે ઉત્પાદકતા સારી એવી વધી છે. એક દાયકામાં બે ગણું વાવેતર અને બે ગણાથી વધારે ઉત્પાદન વધ્યું છે. હેક્ટર દીઠ 8 હજાર કિલો વધારે બટાટા પાકવા લાગ્યા છે.

એક કિલો બટાટા પેદા કરવાનું ખર્ચ રૂ.3.22થી 4.84

એક હેક્ટરે ખેડૂતને રૂ.1થી 1.50 લાખ સુધીનું ખર્ચ બટાટા પેદા કરવામાં આવે છે. 31 હજાર કિલો ઉત્પાદન પ્રમાણે રૂ.1 લાખના ખર્ચના હિસાબે એક કિલોના રૂ.3.22 પડતર ભાવ સરકાર દ્વારા ગણવામાં આવે છે. જ્યારે 1.50 લાખનું ખર્ચ ગણતાં એક કિલોએ રૂ.4.84 ખર્ચ આવે છે. જ્યારે ખેડૂતનો માલ બજારમાં આવે છે ત્યારે રૂ.4થી રૂ.7 માંડ મળે છે. ખેડૂતો એક કિલોના રૂ.7ની અપેક્ષા રાખે છે. તે હિસાબે રૂ.2800થી 3 હજાર કરોડનું ખેડૂતો વેચાણ કરશે. જે વેપારીઓ રૂ.6 હજાર કરોડથી રૂ.10 હજાર કરોડમાં વેંચશે. આમ ખેડૂતોની મહેનત કરતાં વેપારી વધું કમાશે.

વિસ્તારો

10 વર્ષ પહેલા ગુજરાતના કુલ ઉત્પાદનમાં 50 ટકા હિસ્સો બનાસકાંઠાનો હતો. બીજા નંબર પર 15 ટકા હિસ્સા સાથે સાબરકાંઠા આવતું હતું. ગયા વર્ષે 2017-18માં બનાસકાંઠા અને તેનાથી અલગ થયેલા અરવલી જિલ્લો મળીને 75 ટકા હિસ્સો થઈ ગયો હતો. જેમાં બનાસકાંઠામાં 78 હજાર હેક્ટર વાવેતરમાં 24 લાખ ટન બટાટા એકલા બનાસકાંઠામાં થયા હતા. સાથે 60 ટકા હિસ્સો હતો. જે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર પર છે. 9 વર્ષ પહેલા આખા ગુજરાતમાં જેટલાં બટાટા પાકતાં હતા તે હવે એકલો બનાસકાંઠો પકવે છે. ઉત્પાદનના 64 ટકા એકલો બનાસકાંઠા પકવે છે.

33 જિલ્લામાંથી 16 જિલ્લામાં બટાટા પાકે છે.

દક્ષિણ ગુજરાતમાં બટાટા જરા પણ પાકતાં નથી. બહારથી બટાટા આવે છે. ઉત્તર ગુજરાતના તમામ જિ્લલા અને મધ્ય ગુજરાતમાં સારા બટાટા પાકે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા સિવાય ક્યાંય બટાટા પાકતાં નથી. કચ્છમાં બટાટા થાય છે.

11 થી 12 લાખ ટન બટાટા કોલ્ડ સ્ટોરેજમાં રખાય છે.

2016-17માં આખા દેશમાં 4.82 કરોડ ટન બટાટા પેદા થયા હતા. જેમાં ગુજરાતનો હિસ્સો 7.43 ટકા હતો. ઉત્તર પ્રદેશમાં 1.50 કરોડ ટન બટાટા પાક્યા હતા.

2018-19માં બટાટા પેદા કરતાં ટોચના 10 રાજ્યો

  1. ઉત્તરપ્રદેશ          1.53 કરોડ ટન
  2. પશ્ચિમ બંગાળ     1.38 કરોડ ટન
  3. બિહાર              81.01 લાખ ટન
  4. ગુજરાત             37.07 લાખ ટન
  5. મધ્યપ્રદેશ           32.77 લાખ ટન
  6. પંજાબ               27.24 લાખ ટન
  7. આસામ             11.17 લાખ ટન
  8. હરિયાણા            8.28 લાખ ટન
  9. ઝારખંડ              6.94 લાખ ટન
  10. છત્તીસગઢ           6.60 લાખ ટન