[:gj]સૌરભ પટેલે નીતિ બદલતા ગુજરાતને 18,000 કરોડ અટવાયા[:]

[:gj]ગુજરાત સરકારે થોડા સમય અગાઉ વિન્ડ મિલ સ્થાપવા અંગે પડતર જમીન ફાળવવા અંગેની પોલિસીમાં કરેલા ફેરફારને પગલે રાજ્યમાં 18000 કરોડના પ્રોજેકટ અટવાઈ પડ્યા છે જેમાં વિન્ડ મિલ માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં 2600 મેગાવોટ વીજળી ઉત્પન્ન થવાની હતી પરંતુ તેને જમીન ફાળવવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં આવનારા પ્રોજેક્ટ્સમાં વિદેશી કંપનીઓ પણ સામેલ છે. વિદેશી રોકાણ અને રોજગારીની તક હોવા છતાં રાજ્ય સરકારે તેની નીતિમાં અચાનક ફેરફાર કરતાં રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે. આ નીતિનો વિરોધ કરી આ અંગે ઇન્ડિયન વિન્ડ પાવર એસોસિએશનના ગુજરાત ચેપ્ટરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઊર્જામંત્રી સૌરભ પટેલને રજૂઆત કરી છે.

આ એસોસિએશને રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે, સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ટેન્ડરમાં સરકારે પહેલેથી કહ્યું હોત કે જમીન નહીં ફાળવાય તો અમે તેમાં રોકાણ માટેની કામગીરી કે પ્રોજેક્ટમાં આગળ વધ્યા ન હોત, પરંતુ એક વાર ટેન્ડર અને પ્રોજેક્ટ ફાળવાયા પછી રાજ્ય સરકારે તેની પડતર જમીન નહીં આપવાનો નિર્ણય કર્યો છે. જો કે આ અંગે ફરી વિચાર કરવામાં આવે તો 18000 કરોડના પ્રોજેક્ટમાં કામગીરી શરૂ થાય તેમ છે.

એસોસિએશને મુખ્યમંત્રીને સ્પષ્ટ કહ્યું છે કે જમીન ફાળવવા અંગેના મહેસૂલ વિભાગના 8 માર્ચના પરિપત્રને રિસ્ટોર કરવો જોઈએ અને 27 નવેમ્બરનો પત્ર પાછો ખેંચવો જોઈએ. એક વાર જાહેરાત કર્યા બાદ અચાનક જે તે પોલિસી બંધ કરવાના નિર્ણયને પગલે વિદેશી રોકાણકારોમાં વિશ્વાસ ઘટવાથી રાજ્યની છાપ બગડે છે. એટલું જ નહીં આને કારણે તો જેમણે રોકાણ કર્યું છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.[:]