[:gj]અમદાવાદની ગુનાખોરીનો જીવતો જાગતો ઈતિહાસ એટલે પત્રકાર જયદેવ પટેલ[:]

[:gj]અમદાવાદ, તા.19

સમાજમાં ઘટતી વરવી ઘટનાઓ અને ભ્રષ્ટાચારને સમાચારનું સ્વરૂપ આપી લોકો સમક્ષ ઉજાગર કરનારા પત્રકાર જયદેવ પટેલનું ગુજરાત મીડિયા ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું. જયદેવ પટેલ 60 વર્ષથી સતત પત્રકાર તરીકે કામ કરી રહ્યા છે, જેમનું આજીવન પત્રકાર તરીકે સિદ્ધિ મેળવવા મુદ્દે સન્માન કરવામાં આવ્યું છે.

જયદેવભાઈએ આજીવન ગુજરાત સમાચાર માટે કામ કર્યું છે. જયદેવભાઈ અમદાવાદની ક્રાઈમની ઘટનાનો જીવતો જાગતો ઈતિહાસ છે, તેમની પાસે અમદાવાદની સમગ્ર ક્રાઈમ સ્ટોરીઝનો ઈતિહાસ સચવાઈને પડ્યો છે. સામાન્ય રીતે ક્રાઈમ રિપોર્ટર પાસે સાહિત્યિક ભાષાનો અભાવ હોય છે, પરંતુ જયદેવભાઈની સ્ટોરીને રજૂ કરવાની એક આગવી રસાળ શૈલી છે, જે આજેપણ ભાગ્યે જ કોઈ પત્રકાર પાસે છે. ક્રાઈમ સ્ટોરીઝ માટે અમદાવાદના દરેક રસ્તા તેઓ ખૂંદી વળ્યા છે. મોસ્ટ સિનિયર એવા જયદેવભાઈ પત્રકારત્વક્ષેત્રે નવા આવનારા યુવાનો માટે માઈલસ્ટોન છે, જો કે તે જ યુવાનોને રિપોર્ટિંગના પાઠ ભણાવવાની પણ તેમની તૈયારી હોય છે. 1940માં જન્મેલા જયદેવ પટેલ આજે પણ 78 વર્ષની વયે દિવ્ય ભાસ્કર અખબારમાં કાર્યરત છે.

ક્રાઈમ રિપોર્ટર તરીકે તેઓ પોલીસ વિભાગના નાનામાં નાના કોન્સ્ટેબલ સાથે પણ સંપર્કમાં આવ્યા છે. મોટી નામના થવા છતાં તેમણે હંમેશાં ધરતી પર રહીને જ કામ કર્યું છે. એવોર્ડ સ્વીકારતાં જયદેવભાઈ પટેલે જણાવ્યું કે, પત્રકાર બનવા પહેલાં હું સાહિત્યકાર અને વાર્તા લેખક બનવા માગતો હતો. મારા કિશોરકાળમાં 14થી 15 વર્ષની વયે જાણીતા સાહિત્યકારોની મોટાભાગની રચના હું વાંચી ચૂક્યો હતો.

નહેરુબ્રિજ પણ નહોતો તે સમયે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજની પ્રથમ બેચમાં મેં પ્રવેશ લીધો હતો. જેમાં મારી સાથે જોરાવરસિંહ જાદવ અને ચીનુ મોદી પણ હતા, જેમણે પાછળથી સાહિત્યકાર તરીકે પોતાની કારકિર્દી ઘડી. અમે બધા તે સમયે પણ કોલેજના બોર્ડ પર અમારી કૃતિ મૂકતા હતા. તે સમયે રીડર્સ ડાયજેસ્ટ જેવું શ્રીરંગ નીકળતું હતું, જેમાં ટૂંકી વાર્તાઓ અને છ લાઈનની રચનાઓ આવતી હતી તે વાંચવું મને ખૂબ ગમતું.

સંદેશથી પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી

સંદેશ સમાચારપત્રમાં મેં કારકિર્દીની શરૂઆત કરી, જેમાં મારે તંત્રીના મદદનીશની ફરજ બજાવવાની હતી. ઈશ્વર પેટલીકર તે સમયે ‘સંસાર’ નામનું સામયિક સંભાળતા હતા. તે સમયે મારો પગાર રૂ.75 હતો, જો કે મારું કામ જોઈને સંદેશના માલિક ચીમનભાઈ પટેલે 3 મહિના બાદ મારો પગાર રૂ.125 કરી આપ્યો હતો. બે વર્ષ સંદેશમાં કામ કર્યા બાદ ગુજરાત સમાચારમાં મને રૂ.200માં ક્રાઈમ રિપોર્ટર તરીકે કામ મળ્યું. તે સમયે ઈશ્વર પેટલીકરે મને કહ્યું હતું કે, તું જાય તેની સામે મને વાંધો નથી, પરંતુ તું સાહિત્યકાર મટી જઈશ. રિપોર્ટરની બીબાંઢાળ શૈલીમાં તારો અહેવાલ લખતો થઈ જશે, જે ચોકઠામાંથી તું બહાર નહીં નીકળી શકે; તું સાહિત્યકાર નહીં બની શકે.

ગુજરાત સમાચારમાં ક્રાઈમ રિપોર્ટર બન્યા

ગુજરાત સમાચારમાં મને રિપોર્ટિંગનું કામ સોંપાયું ત્યારે ચીફ રિપોર્ટર તરીકે કાંતિભાઈ પોપટલાલ શાહ હતા, જ્યારે સહાયક ચીફ રિપોર્ટર તરીકે ચંદ્રસિંહ ઠાકોર હતા. તેમણે બંનેએ નક્કી કરીને મને ક્રાઈમ રિપોર્ટિંગ સોંપ્યું હતું. તે સમયે અમદાવાદ શહેરમાં 11 પોલીસ સ્ટેશન હતાં, ક્રાઈમબ્રાન્ચ અને પોલીસ કમિશનર કચેરી હતી, જે દરેક સ્થળે મારે જવું પડતું હતું, માહિતી મેળવવાનાં સાધનો ખૂબ ટાંચાં હતાં. ક્રાઈમ રિપોર્ટર અનુભાઈ ભીખાભાઈ શાહ મારા ગુરુ બન્યા અને તેમણે મને ક્રાઈમ રિપોર્ટિંગ શીખવ્યું. અન્ય સમાચારપત્રોની વાત કરીએ તો સંદેશમાં ભાનુભાઈ, જનસત્તામાં અંબાલાલ પટેલ અને દેવેન્દ્ર વ્યાસ ક્રાઈમ રિપોર્ટર હતા. કોર્ટ અને ક્રાઈમ બંને બીટ ક્રાઈમ રિપોર્ટરે જ કરવી પડતી હતી. સાંજ પડ્યે બધા ક્રાઈમ અને કોર્ટ રિપોર્ટર ઘીકાંટાની ફોજદારી કોર્ટમાં નાથાકાકાની કેન્ટીનમાં ભેગા થતા. દરેક સ્થળે રૂબરૂ જવું પડતું, જે કોઈએક રિપોર્ટર માટે શક્ય નહોતું. ફોન પણ માંડ લાગતા અને બધી વિગતો તો ન જ મળે. તે સમયે 1962માં પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ થયું.

કોમી રમખાણ- યુધ્ધના સાક્ષી બન્યા

1969માં અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં, જેમાં 563 લોકોએ પોતાનો જીવ ખોયા હતા. અમદાવાદના પૂર્વના વિસ્તાર બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી, સરદારનગર અને મણિનગરમાં ભારે કત્લેઆમ થઈ હતી. બોમ્બથી નહીં પણ છરી અને ચપ્પુથી લોકોની હત્યા કરવામાં આવી હતી. અમદાવાદનાં રમખાણો બાદ બે વર્ષ પછી 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું. યુદ્ધનો આડકતરો ઈશારો વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ અમદાવાદના શાહીબાગમાં આવેલા જૂના રાજભવનની પત્રકાર પરિષદમાં આપ્યો હતો, તેમણે સ્પષ્ટ તો ન કહ્યું. એક પત્રકારે ઈન્દિરા ગાંધીને પ્રશ્ન કર્યો હતો કે, બહેન ભારતમાં સ્થિતિ તંગ બની રહી છે, બાંગ્લાદેશીઓ આવી રહ્યા છે. તો તમે શું કરવાના છો? તે સમયે ઈન્દિરા ગાંધીએ જવાબ આપ્યો હતો કે ‘સરકાર પગલાં લેવા જઈ રહી છે, જે અમે થોડા દિવસમાં બતાવી દઈશું, ડિસેમ્બરમાં નવાં-જૂની થશે.’ અને એવું જ થયું. પાકિસ્તાને 3 ડિસેમ્બરે ભારત પર હુમલો કર્યો હતો, જેમાં તેની હાર થઈ હતી. ગુજરાતની કચ્છ સરહદેથી ભારતનું લશ્કર પાકિસ્તાનમાં પ્રવેશ્યું હતું. પાકિસ્તાન હાર્યું અને એક લાખ લોકોએ શરણાગતિ સ્વીકારી હતી.

નવનિર્માણ આંદોલન

1974માં નવનિર્માણ આંદોલન થયું હતું, જેમાં ક્રાઈમના સમાચારો ભરપુર રહેતા હતા. 1981માં ડૉક્ટરોએ અનામત આંદોલન કર્યું હતું. બીજું અનામત આંદોલન 1985-86માં થયું હતું. આ બંને આંદોલનોનાં તોફાનો કોમી રમખાણોમાં ફેરવાઈ ગયાં હતાં, જેના અહેવાલ મેળવવા અઘરા હતા.

જનસત્તાના કારણે મારી કારકિર્દીનું ઘડતર થયું: જયદેવ પટેલ

હું 15 વર્ષનો હતો ત્યારે ત્યારે પ્રથમવાર મારી વાર્તા જનસત્તાની રવિવારની આવૃત્તિમાં છપાઈ હતી, જે સમયે જનસત્તા સમાચાર રેવડીબજારથી નીકળતું હતું. વાર્તા છપાવાના ઉત્સાહમાં ઉઘાડા પગે અને ચડ્ડી પહેરતો હું અશોક હર્ષની રેવડીબજાર ખાતેની કચેરીએ પહોંચી ગયો હતો. અશોક હર્ષને જ્યારે મારી વાર્તા છપાઈ હોવાનું જણાવ્યું ત્યારે તેઓ માનવા તૈયાર નહોતા, કે આઠમા-નવમા ધોરણમાં ભણતા બાળકની આ વાર્તા કેવી રીતે હોઈ શકે!  મેં જ્યારે તેમણે લખેલા પત્રો બતાવ્યા ત્યારે તેઓ આ વાત માનવા તૈયાર થયા હતા. વાર્તા મારી હોવાનું માન્યા બાદ તેમણે એકાઉન્ટ વિભાગમાંથી મારું પેમેન્ટ લઈ લેવા સૂચના આપી હતી. તે સમયે જનસત્તા દ્વારા મને રૂ.15નો પુરસ્કાર મળ્યો હતો, અને જનસત્તાના કારણે મારી કારકિર્દીનું ઘડતર થયું.

યુદ્ધની વાત કેમ વિસરાય… 

ગુજરાતના મુખ્યપ્રધાન બળવંતરાય મહેતા તેમનાં પત્ની સરોજ મહેતા અને ગુજરાત સમાચારના ચીફ રિપોર્ટર કાંતિભાઈ શાહ સહિત એન્જિનિયર નામના તેમના વિમાનના પાઈલટ જામનગર ખાતે મીઠાપુરમાં ટાટા કેમિકલ્સની મુલાકાતે પ્લેનમાં અમદાવાદથી ગયાં હતાં. ત્યાં મુખ્યપ્રધાને એકાએક નક્કી કર્યું કે ત્યાંથી કચ્છ અને પાકિસ્તાનની સરહદ નજીક છે, તેથી ત્યાં મુલાકાત લેવી. તેઓ બધા કચ્છ બોર્ડર પર પહોંચ્યાં ત્યારે પાકિસ્તાને સિવિલિયન વિમાન જોયું અને તેની પાછળ બે સબ જેટ ફાઈટર પ્લેન દ્વારા હુમલો કર્યો હતો. તે વિમાનને પાકિસ્તાન દ્વારા કચ્છના સુથળી ગામે તોડી પડાયું હતું. વિમાનમાં બેઠેલા બધા લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં મારા ચીફ રિપોર્ટર કાંતિભાઈ શાહનું પણ અવસાન થયું હતું.

 [:]