દાડમની ખેતીમાં 7 સંશોધન કરીને ઊંચો નફો લેતા બે ધોરણ ભણેલા કૃષિ વિજ્ઞાની ભીખાભાઈ

ગાંધીનગર, 31 માર્ચ 2021

ઠાંસા ગામના બીજા ધોરણ સુધી ભણેલા વિજ્ઞાની ખેડૂત ભીખાભાઈ દયાળ કાનાણી આમ તો ગુજરાતમાં શ્રેષ્ઠ દાડમ તૈયાર કરવા માટે જાણીતા છે. તેમણે દાડમની ખેતીને વધું આવક વાળી કરવા માટે જાતે જ ટેકનોલોજી વિકસાવી છે. જેમના દાડમ એટલા સારા આવે છે, જે જથ્થાબંધ બજારમાં એક કિલોના રૂપિયા 135 લેખે તેઓએ વેચેલા છે. દાડમના વિજ્ઞાની તરીકે ખેડૂતો તેમને જાણે છે. કારણ કે દાડમની ખેતી માટે કોઈએ ન કલ્પના કરી હોય એવી અનેક શોધ કરી છે. જેમાં 7 શોધ તો તેમણે કૃષિ ઉત્પાદન વધારવા અને ખર્ચ ઘટાડવા માટે કરી છે. જેનાથી તેમનો નફો વધ્યો છે. જેની નોંધ કૃષિ વિભાગે લીધી છે. તેઓ દાડમના રાજાનું બિરુદ મેળવી શક્યા છે.

દાડમની વાડ માટે મશીન બનાવ્યું

ભાવનગર ગારિયાધારના ઠાંસાના તેમના ખેતરમાં ભૂંડ બહુ આવતાં હતા. તેથી ખેતરને ફરતે વાડ બનાવવાનું નક્કી કર્યું હતું. તે પણ લોખંડના વાયરની વાડ બનાવવી હતી. બજારમાંથી આવી તાર વાડ મોંઘી મળતી હતી. તેથી ભીખાભાઈએ આવી વાડ માટેની જાળી બનાવતું આખું મશીન જ બનાવી દીધું. બજારમાં આ પ્રકારની જાળી બનાવવા માટે મશીન રૂપિયા 1.80 લાખની કિંમતે મળતું હતું. તેમણે ભંગાર બજારથી સામાન લઈ આવીને માત્ર રૂપિયા 3500માં મશીન બનાવી દીધું. તેમણે જાતે જ જાળી બનાવીને જાતે જ ખેતરના શેઢે નાંખી દીધી. વળી, બજારમાં મળતી ટેકનોલોજી કરતાં તેમની ટેકનોલોજી ચઢીયાતી હતી. કારણ કે બજારમાં મળતું મશીન તારને ઘોડા પાડીને છોડી દે છે. પણ બીખાભાઈનું મશીનમાં ઘોડા પાડીને તે ઘોડા ગુંથાઈને આખી જાળી તૈયાર થઈને બહાર આવે છે.

મજૂરી ઓછી કરવા ટ્રેક્ટર બનાવ્યું

દાડમની ખેતીમાં ભારે મજૂરીનું ખર્ચ આવે છે. તેમાંએ જ્યારે દાડમના છોડ-વૃક્ષને પ્રુનિંગ કરવામાં આવે ત્યારે તેની ડાળીઓ નિકળે છે. દાડમની ડાળીઓમાં કાંટા હોય છે. તેને ખેતરથી બહાર કાઢવા માટે મજૂર ઊંચી મજૂરી માંગે છે. તેથી તેમણે એક ટ્રેક્ટર બનાવીને કાંટાળી ડાળીઓ દૂર કરી દીધી. માત્ર રોજના રૂપિયા 500નું ડીઝલ વાપરીને 25 મજૂરોનું કામ આ ટ્રેક્ટર કરી આપે છે.

4 પૈંડાનું મીની ટ્રેક્ટર માત્ર દાડમ મપૂરતું જ કામ નથી આપતું પણ ખેતરમાં 35થી 40 જાતના કામ કરી આપે છે. જેમાં 30 જાતના તો સાંતી તેમણે તૈયાર કર્યા છે.

બોરમાંથી સબમર્શીબલ પંપ બહાર ખેંચી શકે છે.

દવા છાંટતો પંપ

દાડમ પર દવા કે પંચામૃતનો છંટકાવ પંપથી કરવો ઘણો મુશ્કેલ હોય છે. મજૂરીનું ભારે ઊંચું ખર્ચ થાય છે. તેથી તેમણે ટ્રેક્ટર દ્વારા જ દવા છંટાઈ જાય એવો અનોખો પંપ બનાવ્યો છે. કાર સાફ કરવા માટે પાણી છોડતો ગન સ્પ્રે તેઓ લાવ્યા અને ટ્રેક્ટર સાથે જોડી દીધો. જેનાથી દવા છાંટવા માટે 100 મજૂર દિવસ માટે રૂપિયા 5 હજારનું ખર્ચ થતું હતું, તે એક જ દિવસમાં કામ થઈ ગયું. તે પણ માત્ર રૂપિયા 200ના ડિઝલના ખર્ચથી. આ ટેકનોલોજી તૈયાર કરવામાં તેમને માત્ર રૂપિયા 9500નો ખર્ચ થયો હતો.

કંપનીના ટ્રેક્ટર કરતાં ઓછું ડીઝલ

ઘણી કંપનીઓ મીની ટ્રેક્ટર બનાવે છે, પણ ભીખાભાઈનું ટ્રેક્ટર 10 મજૂરનું કામ કરે છે. તેમને દિવસ આખો ચાલે ત્યારે 500 રૂપિયાથી વધું ડીઝલ વપરાતું નથી. કંપનીઓના ટ્રેક્ટર 1 લિટર ડીઝલમાં જેટલું કામ કરે છે તેનાથી એટલું કામ 500 એમ એલમાં કરી આપે છે.

દાડમ ગ્રેડિંગ મશીનનો પ્રોજેક્ટ

ભીખાભાઈ અત્યારે દાડમનું 4 ગ્રેડમાં ગ્રેડીંગ કરી આપે એવું ઓટો-મેટીક મશીન બનાવી રહ્યાં છે. જેમાં 4 વકલના દાડમ અગલ નિકળીને પેક થઈ જશે. આવું મશીન બહારમાં મળે છે, પણ તે રૂપિયા 4 લાખથી 9 લાખ સુધીનું આવે છે. ભીખાભાઈ આવું મશીન રૂપિયા 20થી 25 હજારમાં તૈયાર કરશે. પોતાના ખેતરમાં જ દાડમનું ગ્રેડીંગ કરશે. આખા મશીનમાં લોખંડ નહીં પણ પ્લાસ્ટિક જ વાપરવાના છે. જેથી ખેતરમાં કાટ ન લાગે. આ ગ્રેડીંગ મશીન દ્વારા કોઈ પણ પ્રકારના ગોળ ફળ કે ગોળ આકારના શાકનું સારી રીતે ગ્રેડીંગ થઈ શકે છે. કેરી કે ચીકુની 4 વકલ તૈયાર થાય છે.

પ્રવાહી ખાતર

દાડમની ખેતી તેઓ ટપક સિંચાઈથી કરે છે. પાણીમાં દ્રાવ્ય હોય એવા જ ખાતર વાપરે છે. 10 વર્ષથી ડીએપી યુરિયા વાપર્યું નથી. છતાં 136 કિલોના ભાવે બજારમાં દાડમ વેચેલા છે. જીવામૃત તૈયાર કરે છે. જેને કપડાથી ગાળીને ટપક સિંચાઈથી આપે છે.  દ્રાવ્ય ખાતરથી મજૂરી ખર્ચ સારો એવો બચી જાય છે.

ડ્રીપનું ફીલ્ટર

તેઓ સિંચાઇ હંમેશ ટકપ પદ્ધતિથી કરે છે. જેમાં કચરો આવે તો ડ્રીપ પ્રોજેક્ટ નકામો થઈ જાય છે. તેથી જીવામૃત કે એવા કોઈ પ્રવાહી ખાતર આપવામાં કચરો મોટી સમસ્યા છે. તેથી કચરો ન આવે એવું ફીલ્ટર જાતે જ કર્યું છે.

છાશ શ્રેષ્ઠ એસિડ

ટપક સિંચાઇ માટે પાઇપ હોય છે તેમાં ક્ષાર અને કચરો જામી જતો હોય છે. તેને દૂર કરવા માટે સલ્ફ્યુરિક એસિડ વાપરવું પડે છે. આ એસિડ વાપરવાના બદલે છાશને 14થી 20 દિવસ રહેવા દઈને તેને ડ્રીપ પાઈપમાં જવા દેવાથી પાઇપ અંદર જામેલો ક્ષાર નિકળી જાય છે. છાશ જમીનને નુકસાન કરતી નથી, પણ ફાયદો કરે છે. દાડમને રસદાર બનાવે છે. ભીખાભાઈ વર્ષે 10થી 12 બેરલ છાશ ડ્રીપ દ્વારા આપે છે. માઈક્રો ન્યુટ્રન  છાશમાંથી મળે છે.

15 હજારની દવા 1 રૂપિયામાં

દાડમમાં – બેક્ટેરિયલ રોગ – તેલિયા પ્રકારનો રોગ આવે છે. તે રોગ આવે એટલે 100 રૂપિયાનો માલ 10 રૂપિયાનો થઈ જાય છે. જે રોગને દૂર કરવા માટે મલ્ટીનેશનલ કંપનીઓ એક લિટર દવાના રૂપિયા 10થી 15 હજારની આપે છે. ખેડૂતો દેવાદાર બની જાય છે. કંપનીઓની આ દવા તેલિયા રોગ પર પૂરો ફાયદો કરતી નથી. પણ ભીખાભાઈએ આ દવા જેવું જ કામ આપતી માત્ર 1 રૂપિયાની લિટર દવા બનાવી છે. આ દવાથી 100 ટકા પરિણામ મળે છે. પીએસ કંટ્રોલ કરીને મોરથુથુ આવે છે. તે અંગે ભીખાભાઈ સાથે જ વાત કરી શકાય 7874448222 તેમનો આ ફોન નંબર છે. વળી આ દવા લીંબુના કાળા ટપકાની સમસ્યા પણ દૂર કરે છે. તે પણ એક રૂપિયામાં.