[:gj]પાણીદાર સરકારના અધિકારીઓ, કેમ આટલા નપાણીયા !?[:]

Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]ગયા અઠવાડિયે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા શાસ્ત્રીનગર મેઇન રોડ પરના રેંકડી ધારકોને ત્યાથી હટાવવા માટે દબાણશાખાના સ્ટાફ સહિત ઈન્સ્પેકટરો સાથે દબાણ હટાવની ઝુંબેશ કરવામા આવી હતી. અહી તરબૂચ અને મોસંબી વેંચનારા એક રેંકડી ધારકે પોતાની રેંકડી હટાવવા આવેલા દબાણ શાખાના સ્ટાફ અને મહાનગરપાલિકાના ઈન્સ્પેકટર સહિતના કર્મચારીઓ ઉપર મોટા છરા વડે હુમલો કર્યો અને તરબૂચ તથા તોલમાપના વજનીયા પણ એમના પર ફેંક્યા હતા. આ ઘટનામાં એક ઈન્સ્પેકટરને હાથ પર છરીનો ઊંડો ઘા વાગતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેમને હાથમાં ફ્રેકચર પણ થયું હોવાના સમાચારો પછીથી પ્રાપ્ત થયા.

આ સમગ્ર ઘટનાનો રાહદારીઓ અને વેપારીઓ તથા પત્રકારો દ્વારા વિડીયો ઉતારવામાં આવેલ. જે પૈકી ઘણા વિડીયો આપને યુ-ટ્યુબ પર જોવા મળશે. આ લેખ વાંચતાં પહેલા આ વિડીયો ખાસ જોવાની ભલામણ કરું છું. જેમણે આ ઘટનાનો વિડીયો જોયો હશે એમને ખ્યાલ જ હશે કે દબાણ હટાવવા આવેલા ઈન્સ્પેકટરના હાથ પર છરી મારી દીધા બાદ તેમણે તાત્કાલિક હાથ પર કપડું બાંધી અને લોહીના રેલાઓ બંધ કર્યા. ત્યારબાદ પણ પેલા રેંકડી ધારકને હટાવવા મૌખિક રીતે તેઓ પ્રયત્ન કરતાં નજરે ચડે છે. તેમના સાથી ઈન્સ્પેકટર કદાચ તેમના ઉપલી અધિકારી સાથે મોબાઈલ પર વાત કરતાં જણાય છે.

એકાએક જ ફરીથી પેલો રેંકડીવાળો હાથમાં છરી લઈને ફરીથી હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. લોખંડના દળદાર વજનીયાનો ઈન્સ્પેકટર ઉપર છૂટ્ટો ઘા કરતો પણ વિડીયોમાં જોઈ શકાય છે. સાથોસાથ એ પણ જોવા મળે છે કે ઈન્સ્પેકટરને છરી મારીને પણ રેંકડીવાળો આરામથી ઊભો હતો તેમજ અન્ય કર્મચારીઓ સહિત ખાખી વરદી પહેરેલા સાડા છ ફૂટીયા અને મજબૂત બાંધો ધરાવતા સિપાહીઓ, હાથમાં છરો પકડીને ઉભેલા સામાન્ય બાંધાના એક સામાન્ય ફ્રૂટ વેંચનારા રેંકડીવાળાથી ડરતા હતા. આ વિડિયોમાં જોઈને દરેક અધિકારીને સરકારી ફરજ કરતાં પોતાનો જીવ કદાચ વધુ વહાલો હશે એવું આપણને પહેલી નજરે અનુભવાય એ સ્વાભાવિક છે.

મીડિયા ચેનલો દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ આ ઘટનાના કેટલાક વિડિયોમાં મે લોકોની કોમેંટ્સ વાંચી. મોટાભાગની કોમેંટ્સમાં પોલીસને ક્રિટીસાઇઝ કરવામાં આવ્યા છે. ઘણા લખે છે કે પોલીસ નિષ્ક્રિય છે. ઊભા ઊભા તમાશો જોયે રાખે છે. ખાખી વરદી નબળી પડી ગઈ છે. વગેરે… સાથોસાથ કેટલાક લખે છે કે રેંકડીવાળો બહાદુર કહેવાય કે પોલીસને પણ પોતાનું પાણી બતાવી દીધું. પોલીસને પણ એકલે હાથે ભગાડી દીધી. વગેરે… સૌથી પહેલા તો કાયદો હાથમાં લેવો જોઈએ જ નહીં. વિરોધ કરવાના અન્ય કેટલાય રસ્તાઓ છે. બીજી વાત કે હાથમાં છરી લઈને કોઈ નિહત્થા સરકારી ગુલામને ઇજા પહોંચાડવી એ બહાદુરી નથી.

આ ઘટના બનવા પાછળનો તર્ક અને હકીકતે આ ઘટના બનવા પાછળનું કારણ તથા ખાખી પહેરેલા ઇન્સ્પેક્ટરોની નિષ્ક્રિયતા પાછળનું સાચું કારણ કઈક અલગ જ છે. સૌથી પહેલા તો હું આપ સૌને જણાવી દઉં કે આ ઘટનામાં જેમણે છરીના ઘા લાગ્યા તે પોતે તથા તેમના સાથી ઈન્સ્પેકટરો તમામ આર્મીમાથી નિવૃત્ત થયેલા ફૌજી જવાનો છે. દેશની સરહદ પર દુશ્મનોની ગોળીઓ પોતાની છાતી પર લેનાર કે પોતાની જાતની ચિંતા કર્યા વગર પણ આંતકવાદીઓનો સામનો કરીને આપણી રક્ષા કરનાર કમાન્ડો કે પછી સિયાચીન ગ્લેશિયરમાં માઇનસ ચાલીસ ડિગ્રી તાપમાને બેખૌફ થઈને ચીની સરહદે ફરજ બજાવનાર સૈનિક ક્યારેય રેંકડીવાળાના હાથમાં છરો જોઈને ભાગે કે પીછેહઠ કરે એ શક્ય જ નથી.

મે ઉપર એક શબ્દ ‘સરકારી ગુલામ’ એટ્લે વાપર્યો છે કે, આ ફૌજી ભારતીયસેનામાથી પંદર વર્ષની સર્વિસ સફળતાપૂર્વક પૂરી કરીને નિવૃત્ત થઈને પરત આવેલ છે. જે થોડા દીવસો પહેલા જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયેલી ઇન્સ્પેક્ટરોની ભરતીમાં એક્સ. સર્વિસમેન તરીકે પસંદ થયેલ છે. તેમને ખાખી યુનિફોર્મ પહેરીને દબાણ હટાવવાના સમયે હાજર રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાની જવાબદારી સોંપવામાં આવેલ છે. પરંતુ સાથોસાથ તેમને આ સિવાયના અન્ય કોઈ અધિકારો આપવામાં આવેલ નથી કે તેમને સ્વતંત્ર રીતે કામ કરવાની પણ છૂટ આપવામાં આવી નથી. અરે.., મામલતદાર કે નાયબ કલેક્ટર કક્ષાના ક્લાસ વન અધિકારીઓ પણ પોતાની પાસે સત્તાઓ હોવા છ્ત્તા અત્યારના સમયમાં સ્વતંત્ર નિર્ણયો લઈ શકતા નથી.

ઘણી વખત આપણને વિચાર આવતો હશે કે પોલીસ અધિકારી, નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર વગેરે અધિકારીઓ પાસે વિશાળ સત્તાઓ હોવા છ્ત્તા એ આપણી જેવા સામાન્ય માણસોના પ્રશ્નોના નિરાકરણ માટે ખૂલીને કેમ હુકમો નહિ કરતાં હોય ? શા માટે તેઓ કાગળ ઉપર માત્ર રમતો જ રમે રાખે છે ? શા માટે કલેક્ટર કે એસ.પી. કક્ષાના જિલ્લાના વડા અધિકારીઓ પણ આપણી જેવા આમ આદમીને ન્યાય અપાવવા માટે ખાસ રસ નથી લેતા ? શા માટે આ અધિકારીઓ પાસે કામ કરાવવા આપણે કરપ્શન આપવાની ફરજ પડે છે ? શા માટે આપણે આપણા જે-તે કચેરીના પ્રશ્નો લઈને અધિકારીઓને બદલે રાજકીય નેતાઓ પાસે જવું પડે છે ? ઘણી વખત આપણા સીધા જ જવાથી અધિકારીઓ આપણું કામ કરી આપતા નથી પરંતુ નેતાજીનો ફોન આવે કે તરત આપણા કામોને શા માટે પ્રાધાન્ય આપવામાં આવે છે ?

આ બધા પાછળ જવાબદાર છે અધિકારીઓને અને કર્મચારીઓને માનસિક દબાણમાં રાખીને એમની પાસેથી કામ લેવાની તંત્રની આદત. મે પોતે મારા કાને એક વાક્ય સાંભળેલ છે કે, “નોકરી કરવી છે ને ?” અંગૂઠાછાપ નેતાઓને આપણે ખોબલે ખોબલે મત આપીને એમનું કદ વધારીને એટલે સુધી પહોંચાડી દીધું કે એક સામાન્ય કોર્પોરેટર સ્ટેજ પર વી.આઈ.પી. બનીને સોફા કે ખુરશીમાં બેઠો હોય અને બિચારો કલેક્ટર બાજુમાં ખૂણામાં ઊભો હોય અને સરકારી કાર્યક્રમનું સંચાલન કરતો હોય.

દરેકને પોતાની મહામહેનતે મેળવેલી સરકારી નોકરી વહાલી લાગે છે. મહિને જે પગાર પર ઘર ચાલતું હોય અને મોજશોખ પૂરા થતાં હોય એ નોકરી કોઈ વિવાદમાં આવીને તે જતી કરવા માંગતો હોતો નથી. કોઈ લોકલ ધારાસભ્ય કે સાંસદે સોંપેલા ખોટા કે સાચા કામનો વિરોધ કરીને તેમને નારાજ કરીને આવકવાળી જગ્યાએ મેળવેલ પોસ્ટિંગમાથી બદલી થાય તેવું તે ઇચ્છતો હોતો નથી. એટ્લે જ રેંકડીવાળો છરી લઈને પાછળ દૌડે કે કોઈ જાહેરમાં અપશબ્દો કહી જાય પણ સરકારી અધિકારી કોઈપણ સંજોગોમાં વિવાદમાં પાડવા માંગતો હોતો નથી. એક પૂર્વ સરકારી અધિકારી તરીકે મને સરકારી માણસની આવી લાચારી જોઈને અનહદ દુ:ખ થાય છે. સરકારી અધિકારી અત્યારના સમયમાં અધિકારી મટીને ‘સરકારી ગુલામ’ બની ગયો છે.

સામે પક્ષે આ ઘટનામાં એ પણ જોવાનું છે કે રેંકડીવાળો કેટલી હદે પરેશાન થઈ ગયો હશે ? એ નાનકડો ધંધો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કેટલો મહત્વનો હશે કે એને ખબર હોવા છત્તા કે પોતાને સજા થશે તો પણ તેણે કાયદો હાથમાં લેવો પડ્યો હશે ? કોઈ વિડિયોમાં મે જોયું કે એ પત્રકારને કહી રહ્યો હતો કે, “… અમે હપ્તો આપીએ છીએ છ્ત્તા વારંવાર હેરાન કરે છે. અગાઉ પણ મારી રેંકડી લઈ ગયા હતા… ઘર ચલાવવા અમને કોણ પૈસા આપશે ? અમારે ધંધો નહીં કરવાનો ?…” સાથોસાથ ગાળોનો વરસાદ પણ કરી રહ્યો હતો. હકીકતે એ ગાળો હાલના ખાડે ગયેલા સરકારી તંત્રને આપી રહ્યો હતો. સરકારી તંત્ર પ્રત્યક્ષ રીતે દેખાતું નથી એટ્લે સામે જે અધિકારી દેખાય છે એ જ પોતાને હેરાન કરે છે એમ માનીને આક્રોશનો ટોપલો તેના પર ઉતરે છે. આ એક પ્રકારની સાયકોલોજી છે.

મને એ નથી સમજાતું કે આ નાપાણીયું તંત્ર માત્ર નાના અને નબળા માણસો ઉપર જ શા માટે વાર કરે છે ? શા માટે ગરીબ અને મધ્યમ વર્ગ જ હંમેશા પિસાતો આવ્યો છે ? પૈસાદાર માણસ મોટા મોટા કૌભાંડો કરીને પણ દેશ છોડીને ભાગવામાં સફળ થાય અને એક સામાન્ય વેપારી બિચારો દુકાનમા ગ્રાહક વધી જાય તો પણ સોશિયલ ડિસ્ટન્સના નામે દંડાય ! રાજકીય આગેવાનો ધોળા દિવસે હજારો માણસોની રેલીઓ કાઢે તો વાંધો નહીં અને કોઈ વેપારીને રાત્રિ કર્ફયુમાં દુકાન બંધ કરવામાં માત્ર બે મિનિટ મોડુ થઈ જાય તો પોલીસ જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશને ઉપાડી જાય અને એફ.આઈ.આર. દાખલ કરી નાંખે !

લગ્ન પ્રસંગમાં ખર્ચને પહોંચી વળવા ચાંલ્લો લખાવવાનો રિવાજ હોય છે પરંતુ એને બદલે સરકારી તંત્ર કોકના લગ્નમાં જઈને પાંચ હજારની પાવતી ફાડીને સામો ચાંલ્લો ઉઘરાવતા આવે ! અત્યારના મહામારીના સમયમાં તો ખાસ કરીને નાના અને ગરીબ વર્ગને સરકારે સાચવવો જોઈએ. એમને જીવન જરૂરિયાતની ચીજો મળી રહે એ તંત્રની અગ્રિમતા હોવી જોઈએ. કોઈ બિલ્ડરના ફાયદા માટે કે રાજકીય ઇશારે અત્યારના સમયમાં રેંકડીધારકોને રોજમદારી મેળવતા અટકાવીને હાંકી કાઢવા કેટલે અંશે વ્યાજબી છે ? ક્યાં સુધી લોકો આવી રીતે ડરતા રહેશે ? રેંકડીવાળો બિચારો અભણ હતો એટ્લે સામો પડ્યો પરંતુ ભણેલ ગણેલ વ્યક્તિ સમજે છે કે સત્તા આગળ શાણપણ નકામું છે એટ્લે ચાલે છે એમ ચાલવા દયો.

કોઈના નામ કે સ્થળ વિષે ઈશારો આપ્યા વગર એક જાત અનુભવ જણાવવા માંગુ છું. એક તાલુકામાં હું મામલતદાર તરીકે ફરજનીષ્ઠ હતો ત્યારે એક દિવસ રવિવારે સાંજે એકાએક જ કલેક્ટર સાહેબનો ફોન આવ્યો. બાજુના તાલુકામાં ખનીજચોરી થતી હોવાની બાતમીના આધારે રાત્રે આકસ્મિક રેઈડ કરવા મને જણાવ્યુ. મે કહ્યું કે, “સાહેબ એ તાલુકાનાં મામલતદાર સાહેબને જ આપ આ કામ સોંપો તો વધુ સારું રહેશે.” પરંતુ કલેક્ટર સાહેબે કહ્યું કે, “મને તમારા પર વધુ ભરોસો છે.”  હું કામ બરોબર પતાવીને આવીશ એવો એમને ભરોસો હતો. જી સાહેબ કહીને હું તરત જ મને સોંપેલા કામ પર નીકળી ગયો.

સીધી ભરતીના ચાર ભરોસાપાત્ર રેવન્યુ તલાટીને લઈને બાજુના તાલુકા સુધી જીપ લઈને અને ત્યાથી બાઈકની વ્યવસ્થા કરીને સ્થળ પર જઇ ચડ્યો અને પથ્થરો કાપવાની સાત ચકરડીઓ, ત્રણ ટ્રેક્ટર સહિત ખોદકામનો અન્ય સામાન વગેરે પકડી પાડ્યું. હવે, રાત્રે બે વાગ્યે આ બધો સામાન હેડક્વાર્ટરે લઈ જવો કે સાચવવો અઘરો હતો. એટ્લે મે લોકલ પી.એસ.આઈ. ના નંબર શોધીને રાત્રે એમને ઉઠાડયા અને તાત્કાલિક બે પોલીસ કોન્સ્ટેબલને સ્થળ પર મોકલવા અને પકડેલ સામગ્રીઓનો કબજો મેળવી લેવા આદેશ કર્યો.

પી.એસ.આઈ. એ મને કહ્યું કે, “સાહેબ આપ કહો એમ હું વ્યવસ્થા કરી આપીશ પરંતુ આપનું ખાસ ધ્યાન દોરી દઉં કે વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી ફલાણા અને ઢિકણાં (બે મોટા નેતાઓના નામ એમણે મને જણાવ્યા) ના કહેવાથી જ એસ.પી. સાહેબે ખનીજચોરી શરૂ થવા દીધી છે. એટ્લે તમે મુશ્કેલીમાં મૂકાવ નહી એ જોઈ લેજો.” પહેલા મે વિચાર્યું કે રાત ઉજાગરો કરીને, ઠંડીમાં ઠૂઠવાઈને અને આટલી મહેનત કરીને પકડેલા વાહનો છોડાઈ નહીં. આપણને ટેવ છે ભલે બદલી કરી નાંખે. પણ પછી વિચાર આવ્યો કલેક્ટર સાહેબનો, કે મારે એમને જાણ કરવી જોઈએ. કારણકે મને તો એમણે કામ સોંપ્યું છે. સાહેબને મે રાત્રે અઢી વાગ્યે ફોન કર્યો અને પી.એસ.આઈ. એ કહેલાં શબ્દે શબ્દ મે એમને જણાવ્યા. એમણે એસ.પી. સાહેબ સાથે વાત કરીને કન્ફર્મ કર્યું અને વળતો ફોન કરીને મને કહ્યું કે, “બધો સામાન જે-તે ઇસમોને પરત કરીને પાછા આવતા રહો.”

મને એવું હતું કે કલેક્ટર સાહેબ મને ફોન પર શાબાશી આપશે અને એવું કહેશે કે, ”ગમે તે ચમરબંધી હોય, તમતમારે પકડેલા વાહનો અને સાધનોનો સીઝર હુકમ કરીને હવાલો પોલીસને સોંપી દયો. બાકીનું હું જોઈ લઇશ. ખનીજચોરી બંધ થવી જ જોઈએ…” એના બદલે થયું ઊંધું. સાહેબે મને પાછો આવી જવા જણાવ્યુ. વિચારો મિત્રો કે આઈ.એ.એસ. કક્ષાના અધિકારીઓ પણ એક ગર્ભિત ડર નીચે કામ કરી રહ્યા છે. રાજકારણીઓ તો સ્વાર્થી છે. પોતાના લાભ માટે ગમે તે હદ સુધી જઇ શકે. એમને માટે સારા અને ખરાબ તથા સાચા અને ખોટાની વ્યાખ્યા જ અલગ છે. એમનું આયુષ્ય એક રીતે જોઈએ તો વધીને પાંચ વર્ષનું જ છે. પણ એક સનદી અધિકારી કે જેનું આયુષ્ય નોકરીમાં છત્રીશ વર્ષનું છે, જે બઢતી મેળવશે, જેણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાના શપથ લીધા છે એ કઈ રીતે ખોટું થતું ચલાવી શકે ?

હકીકતે દેશનો વિકાસ માત્ર ભાષણોમાં સાંભળવા અને સરકારી આંકડાઓ સ્વરૂપે કાગળ ઉપર વાંચવા મળે છે, બાકી હકીકતે આપણે પ્રગતિ નહીં પણ અધોગતિના પંથે આગળ વધી રહ્યા છીએ. ખરેખર કેટલીક વાતો મારા મગજમાં ઊતરતી નથી. તમારા મગજમાં ઉતરે તો મને સમજાવશો……

ડો. ચિંતન વૈષ્ણવ

[:]