ગુજરાતઃ ભરૂચમાં સિલિકા માફિયાઓનો ખેલ: ₹6,000 કરોડની ચોરી, સિલિકોસિસ અને ખેતી બરબાદ

ભરૂચના ભીમપોર-ઝઘડિયા બેલ્ટમાં સિલિકાનું કરોડોનું ગેરકાયદે ખનન, પ્રદૂષણ અને વહીવટી મિલીભગતનો પર્દાફાશ

દિલીપ પટેલ, અમદાવાદ જૂન 2026

1. પ્રસ્તાવના અને ભૌગોલિક વ્યાપ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી સિલિકા સેન્ડ (રેતી) ગુણવત્તાની દ્રષ્ટિએ સમગ્ર ભારતમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કાચ, સિમેન્ટ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક ચિપ્સ, સોલાર પેનલ્સ અને સિરામિક જેવા અનેક મહત્વના ઉદ્યોગો માટે આ સિલિકા પાયાની જરૂરિયાત છે. જો કે, આ કિંમતી ખનિજ અત્યારે સ્થાનિક જનતા અને પર્યાવરણ માટે અભિશાપ બની ગયું છે.

ભીમપોર-ઝઘડિયા બેલ્ટનો અંદાજિત વ્યાપ:

  • મુખ્ય વિસ્તારો: ભીમપોર, દમલાઈ, રાજપારડી, અવિઢા વિસ્તાર.

  • ભૌગોલિક લંબાઈ-પહોળાઈ: ઉત્તર-દક્ષિણ આશરે 12 થી 18 કિ.મી. અને પૂર્વ-પશ્ચિમ આશરે 4 થી 8 કિ.મી. (1000 હેક્ટરથી વધુ વિસ્તાર).

  • LIse ની વિગત: સમગ્ર ગુજરાતમાં સિલિકા સેન્ડની સક્રિય લીઝ 50થી વધુ છે (જેનો 98% ભંડાર કચ્છમાં હોવા છતાં ભરૂચ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે). અહીં 30 થી 50 જેટલી સક્રિય માઇનિંગ લીઝો અને અસંખ્ય ગેરકાયદે ખનન ખાડા આવેલા છે.

2. રૂ. 6,000 કરોડનું મહા-કૌભાંડ અને કાયદાનું ઉલ્લંઘન

વર્ષ 2016થી ભીમપોર પટ્ટીમાં મોટા પાયે ખાણકામ શરૂ થયું હતું. વર્ષ 2006થી પર્યાવરણની મંજૂરી (EC) ફરજિયાત હોવા છતાં, અહીં કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે ખાણો ખોદી કાઢવામાં આવી છે.

  • જમીનનો પ્રકાર: આ જમીન આદિવાસીઓની સુરક્ષા માટેની 73-એએની જમીન છે તેમજ સિંચાઈ વિભાગની સરકારી જમીન છે. સિંચાઈ વિભાગની કોઈ મંજૂરી વિના આ સરકારી જમીન પર ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે.

  • ખનિજ ચોરીનો અંદાજ: છેલ્લા 10 વર્ષથી ચાલતા આ ગોરખધંધામાં ભીમપોર પટ્ટીમાંથી આશરે રૂ. 6,000 કરોડનું ખનિજ ચોરાયું હોવાનો અંદાજ છે.

  • ઉત્પાદન અને કિંમત: ભીમપોરની ઐતિહાસિક લીઝ આશરે 178 હેક્ટરમાં ફેલાયેલી છે. સરકારી દસ્તાવેજોમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2,30,000 ટન દર્શાવાય છે, જેની વાર્ષિક કિંમત રૂ. 200 કરોડ થાય. વાસ્તવમાં ખાનગી લીઝધારકો માત્ર 50-120 હેક્ટરમાંથી જ વર્ષે 1 લાખ ટનથી વધુ સિલિકા ચોરી છૂપીથી કાઢે છે.

પ્રોસેસિંગમાં સોના-ચાંદીની કમાણી:

આ સિલિકાના પ્રોસેસિંગ દરમિયાન અલ્પમાત્રામાં સોનું અને ચાંદી પણ બાયપ્રોડક્ટ (આડપેદાશ) તરીકે નીકળે છે. બિરલા સેન્ચ્યુરી જેવી કંપનીને કાચ માટે સિલિકોન મેળવવા આ રેતી ગરમ કરવી પડે છે. અહેવાલો મુજબ, એક જ કારખાનાને બાયપ્રોડક્ટ તરીકે વર્ષે 20 કિલો સોનું મળે છે, જેનો આર્થિક ફાયદો વગદારો ઉઠાવી રહ્યા છે.

3. જીપીસીબી (GPCB) ની કાગળ પરની કામગીરી અને ભ્રષ્ટાચાર

17 માર્ચ 2026 સુધીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓએ ઝઘડિયા, નેત્રંગ અને વાલિયામાં 68 ગેરકાયદે એકમો શોધી કાઢ્યા હતા. પરંતુ ભ્રષ્ટાચારના કારણે કડક પગલાં લેવાયા નથી:

  • 44 એકમોની તપાસ કરી, 24ને બચાવી લેવાયા: જીપીસીબીએ 68માંથી માત્ર 44 એકમોની તપાસ કરી અને 24 એકમોને તપાસ બહાર રાખીને બચાવી લીધા. માનવામાં આવે છે કે આ 24 એકમો વગદાર રાજનેતાઓ અને ઉચ્ચ અધિકારીઓના છે.

  • નજીવી નોટિસો: 68માંથી માત્ર 14 એકમોને જ પર્યાવરણ કાયદા હેઠળ નોટિસ અપાઈ.

  • તપાસ બંધ: તપાસ કરાયેલા 8 એકમોની તપાસ વચગાળામાંથી જ બંધ કરી દેવાઈ, જ્યારે 13 એકમો સામે પગલાં લેવાનો નિર્ણય હજુ સુધી લટકાવી રાખવામાં આવ્યો છે.

  • અધિકારીઓની સાંઠગાંઠ: મુખ્ય પ્રધાનની કચેરી (CMO) ના અધિકારીઓ અને GPCB ના બારડ નામના અધિકારી આ વિસ્તારમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે અને તેમના આશીર્વાદથી આ ખેલ ચાલી રહ્યો છે. સ્થાનિક સાંસદ મનસુખ વસાવા પણ આ મામલે સંપૂર્ણ મૌન સેવીને બેઠા છે, જેનાથી જનતામાં ભારે રોષ છે.

4. પર્યાવરણીય વિનાશ: વૉશિંગ પ્લાન્ટ્સ અને ખેતીને નુકસાન

સિલિકાને પાણીથી ધોવામાં આવે ત્યારે તેનો ભાવ ત્રણથી ચાર ગણો વધી જાય છે. આ નફાખોરી માટે આખા રસ્તાઓ પર સળંગ વૉશિંગ પ્લાન્ટ્સ નાખી દેવાયા છે. રાજપારડી અને ઝઘડિયા માર્ગો પર, અને ખાસ કરીને ભીમપોરથી ઝાડેશ્વર ચોકડી સુધીના માત્ર 1 કિલોમીટરના અંતરમાં 50 જેટલા વૉશિંગ પ્લાન્ટ્સ ધમધમી રહ્યા છે. રાજપારડીમાં આવા 30 જેટલા પ્લાન્ટ છે જે દરેક સરેરાશ 20 હજાર ટન લેખે વાર્ષિક 6 લાખ ટન રેતી ધોવે છે. GMDC એ પણ કોલસો ખોદવા માટે ખાણો પર સિલિકા અને માટી ભેગી કરીને ઢગલા કરી દીધા છે.

પર્યાવરણ અને ખેતી પર અસરો:

  • જળ સ્તરના ધજાગરા: દરેક વૉશિંગ પ્લાન્ટ પર 3-3 બોરવેલ બનાવીને ગેરકાયદેસર રીતે લાખો લીટર ભૂગર્ભ જળ ખેંચાઈ રહ્યું છે. આના કારણે સ્થાનિક એક્વિફર (Aquifer – ભૂગર્ભ જળ સ્તર) અને નાના તળાવો સંપૂર્ણ ખાલી થઈ ગયા છે. આ ક્લસ્ટરની કોઈ પર્યાવરણીય તપાસ થતી નથી.

  • ઝેરી પાણી અને રસાયણો: પ્લાન્ટના વેસ્ટ વોટર (દૂષિત પાણી) ની તપાસમાં 7.8 pH, 60 mg COD અને 12 mg BOD મળી આવ્યું છે, જે દર્શાવે છે કે પાણી અત્યંત પ્રદૂષિત છે. કોઈ પણ યુનિટમાં ઈટીપી (ETP – એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) નથી.

  • ખેતી બરબાદ: રાજપારડી, માધવપુરા, સાંકરીયા અને ભીમપોરની 500 એકર જેટલી ફળદ્રુપ જમીન પર વૉશિંગ પ્લાન્ટનું કેમિકલયુક્ત પાણી ફરી વળતાં ત્યાં રેતીના જાડા થર જામી ગયા છે અને ખેતી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પણ અપાયું છે.

5. જનઆરોગ્ય પર સંકટ: ‘સિલિકોસિસ’ નો જીવલેણ ભરડો

આ પ્રદૂષણના કારણે આખો ઝઘડિયા તાલુકો રોગચાળાના ભરડામાં છે. તાલુકાના 165 ગામોમાંથી 70 ગામોને સીધી અસર થઈ રહી છે. ભીમપોર (રાજપારડી) વિસ્તાર અત્યારે ‘બીજું ખંભાત કે અંબાજી’ બનવા તરફ જઈ રહ્યું છે.

  • સિલિકોસિસ રોગ: હવામાં ઉડતી સિલિકા સેન્ડ અને પાવડરની બારીક રજકણો શ્વાસમાં જવાથી સ્થાનિક લોકો ફેફસાના અસાધ્ય અને ગંભીર રોગ ‘સિલિકોસિસ’ (Silicosis) અને કેન્સર નો ભોગ બની રહ્યા છે.

  • લક્ષણો: શ્વાસ લેવામાં અતિશય તકલીફ, સતત ખાંસી અને ફેફસાં કાયમ માટે નબળા પડી જવા. આ એક જીવલેણ બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી.

6. આર્થિક વિશ્લેષણ: બજાર ભાવ વિરુદ્ધ સરકારી રોયલ્ટી

સિલિકા ઉદ્યોગમાં કરોડોની કમાણી છે પરંતુ સરકારની તિજોરીને માત્ર મામૂલી રકમ મળે છે. સમગ્ર ગુજરાતની ખાણોમાંથી સરકારને વર્ષે માત્ર રૂ. 50 કરોડ જેવી નજીવી રોયલ્ટી મળે છે, જ્યારે ઉદ્યોગપતિઓ અબજો રૂપિયા કમાય છે.

સિલિકાના બજાર ભાવ (પ્રતિ ટન મુજબ):

સિલિકાનો પ્રકાર બજાર ભાવ (પ્રતિ ટન)
કાચી સિલિકા રેતી રૂ. 500 – રૂ. 1,500
ભીમપોર-દમલાઈ બેલ્ટ (કાચી રેતી) રૂ. 600 – રૂ. 1,500
વોશ્ડ (ધોયેલી) સિલિકા રેતી રૂ. 1,500 – રૂ. 4,000
ફાઉન્ડ્રી ગ્રેડ સિલિકા રૂ. 2,500 – રૂ. 6,000
ગ્લાસ ગ્રેડ સિલિકા રૂ. 3,000 – રૂ. 8,000
સિલિકા ફ્લોર રૂ. 4,000 – રૂ. 15,000
હાઇ પ્યુરિટી સિલિકા રૂ. 8,000 – રૂ. 20,000+
ભીમપોરની સ્પેશિયલ સિલિકા રૂ. 10,000 (પ્રતિ ટન)

નોંધ: ભરૂચ બેલ્ટમાંથી વર્ષે 10 લાખ ટન સિલિકા નીકળે છે. સામાન્ય જગ્યાની સિલિકાનો ભાવ રૂ. 2,000 ગણીએ તો પણ આ રૂ. 200 થી 500 કરોડનો સીધો વેપાર છે, પરંતુ ભીમપોરની ઉચ્ચ ગુણવત્તાવાળી સિલિકા ટન દીઠ રૂ. 10,000 સુધી વેચાય છે, જે આ આંકડાને ઘણો મોટો બનાવે છે.

વિવિધ વિસ્તારોનું પ્રભુત્વ અને ઉત્પાદન અંદાજ:

  1. GMDC રાજપારડી બ્લોક (150-250 હેક્ટર): GMDC હસ્તક છે, જ્યાં દર વર્ષે 2 થી 4 લાખ ટન સિલિકા ખોદવામાં આવે છે.

  2. દમલાઈ વિસ્તાર (80-150 હેક્ટર): Rinku Group દ્વારા અહીં વર્ષે 1 થી 2 લાખ ટન સિલિકા કાઢવામાં આવે છે.

  3. ગોવાલી પ્રોસેસિંગ ઝોન (20-40 હેક્ટર): SMDC ના આ ઝોનમાંથી વર્ષે 1 લાખ ટન માલ કાઢવામાં આવે છે.

  4. અન્ય કેન્દ્રો: સુલતાનપુરા (સિલિકા ખાણ વિસ્તાર), સમણી (ખાનગી ખાણ અને પ્રોસેસિંગ), અને દહેજ-વાગરા (પ્રોસેસિંગ અને સિલિકા ઉદ્યોગ).

7. વર્તમાન પ્રોજેક્ટ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા

આ ગંભીર સ્થિતિ વચ્ચે પણ, જાન્યુઆરી 2025 માં ભીમપોરમાં રૂ. 165 કરોડના khર્ચે 18,000 TPA (ટન પ્રતિ વર્ષ) ની ક્ષમતા ધરાવતું નવું આધુનિક સિલિકા વોશિંગ, સ્ક્રીનિંગ અને ડ્રાયિંગ યુનિટ સ્થાપવાનું કામ શરૂ કરાયું હતું જે માર્ચ 2025 માં પૂર્ણ થયું છે. તેની પર્યાવરણીય મંજૂરી માટેની દરખાસ્ત સ્ટેટ લેવલ એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (SEIAA) ને સુપરત કરાઈ છે.

બીજી તરફ, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) ની દેખરેખ સમિતિ ખનિજ પ્રભાવિત વિસ્તારોના વિકાસ કે લોકોના સ્વાસ્થ્ય માટે કોઈ નક્કર કામગીરી કરતી નથી. તત્કાલીન કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પ્રદૂષણ નિવારણના 6 કામો માટે રૂ. 2 કરોડ 20 લાખ ફાળવ્યા હતા, પરંતુ આ કામો પણ હજુ સુધી અધૂરા જ પડ્યા છે.

8. નિષ્કર્ષ

ભરૂચનો ભીમપોર-ઝઘડિયા સિલિકા બેલ્ટ વહીવટી લાપરવાહી, રાજકીય આશીર્વાદ અને પર્યાવરણીય ગુનાખોરીનું જીવતું જાગતું ઉદાહરણ બની ચૂક્યું છે. જો વહેલી તકે ગેરકાયદેસર વૉશિંગ પ્લાન્ટ્સ બંધ કરવામાં નહીં આવે, ભૂગર્ભ જળની ચોરી અટકાવવામાં નહીં આવે અને ઈટીપી (ETP) પ્લાન્ટ ફરજિયાત નહીં કરાય, તો આ વિસ્તાર ટૂંક સમયમાં જ માનવ વસવાટ માટે અયોગ્ય બની જશે અને હજારો લોકો સિલિકોસિસ જેવી જીવલેણ બીમારીના કારણે મોતના મુખમાં ધકેલાઈ જશે.