શ્રીમંત ગુજરાતમાં કાર ધરાવતાં ગરીબો રેશન કાર્ડ પર સરકારનું સસ્તુ અનાજ લે છે

ગાંધીનગર, 23 નવેમ્બર 2020

મોરારીબાપુ – મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડનું કૌભાંડ પકડાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે. રાજ્યમાં 5 લાખ રેશનકાર્ડ શ્રીમંતોના નામે છે.21 માર્ચ 2018ના રોજ રૂ.12 હજાર કરોડનું અનાજ કૌભાંડ વિધાનસભામાં જાહેર થયું છતાં ભાજપની રૂપાણી સરકારે કોઈ પગલાં લીધા ન હતા. હવે કેન્દ્ર સરકારનું દબાણ હોવાથી બંગલા અને ગાડી ધરાવનારા લોકોના નામે અપાયેલા રેશન કાર્ડ શોધવાનું એક અઠવાડિયા પછી શરું થશે. પણ રેશનકાર્ડ કાઢી આપનારા એક પણ મામલતદાર સામે પગલાં લેવાયા નથી. આવા 80 જેટલાં મામલતદારો છે જેમણે બોલસ રેશન કાર્ડ પર સહી કરી છે.

નાથાલાલ સુખડિયા

કૌભાંડ જાહેર કરનારા સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ જણાવ્યું હતું કે, સરકાર તપાસ કરે. BPL યાદી અને નોકરીમાંથી રીટાયર્ડ થયા પછી પેન્શન મેળવતાં લોકો પણ ગરીબોનું સસ્તુ અનાજ ઘરે લઈ જાય છે. NFSA યોજના હેઠળ લાભ લે છે, તે ચકાસી પગલાં ભરવામાં આવે તે જરુરી છે. સસ્તા અનાજની કોઈ જરૂર નથી છતા પણ લે છે. પૈસે ટકે સુખી અને કાર જેવા વાહનો ધરાવતા લોકો રેશનકાર્ડનું અનાજ મેળવે છે.

1 ડિસેમ્બરથી કામગીરી

રાજ્યમાં 69 લાખ પરિવારના 3.36 કરોડ લોકો અનાજ લે છે. રેશનિંગ કાર્ડમાંથી કમી કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.  જ્ન્મ અને મરણની વિભાગની સાથે પણ કામગીરી કરવામાં આવી રહી છે. અઠવાડિયા પછી 1 ડિસેમ્બર 2020થી સરકાર ઘરેઘરે ફરીને કાર શોધશે. કાર ધારવતા રેશનકાર્ડ ધારકોનો ડેટા મેળવવા માટે રીજનલ ટ્રાન્સપોર્ટ – RTO કચેરીની મદદ પણ તંત્ર દ્વારા લેવામાં આવશે. રાજ્યના પુરવઠા વિભાગ પાસેથી કાર જેવા વાહનો ધરાવતા લોકોનો ડેટા મેળવશે. આ ડેટાના આધારે કાર ધરાવતા બોગસ લોકોને પકડવામાં આવશે. ખરેખર તો આવા લોકોને ખબર પણ હોતી નથી કે તેમના નામે અનાજ કોઈ લઈ જાય છે અને કરોડો રૂપિયાનું કૌભાંડ થાય છે.

કાર ધરાવતાં લોકો અનાજ લઈ જાય છે

કાર ધરાવતા લોકોનું એક લિસ્ટ માંગવામાં આવ્યું છે. આધારકાર્ડના નામની સાથે રેશનકાર્ડ અને RTOની વિગતને સરખાવીને રેશનકાર્ડનો જથ્થો મેળવતા શ્રીમંત લોકોના નામ હટાવી દેવાશે. અમદાવાદમાં 2 મહિનાના સમયમાં 1000 લોકો પકડાયા છે. એક વર્ષથી અનાજ નહીં લેનારા લોકોના નામ પણ રેશનકાર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. દરેક ઘરે સરવે કરાશે. ગુજરાતમાં વર્ષ 2013માં શહેરી વિસ્તારમાં રહેતા પાકા મકાન અને કાર ધરાવનારાઓના નામ દૂર કરવામાં આવ્યા હતા. 2013થી 2017 સુધીમાં 1.6 લાખ બોગસ રેશન કાર્ડ પકડાયા હતા. દેશમાં 7 વર્ષમાં 4.50 કરોડ બોગસ રેશન કાર્ય પકડાયા તેમાં ગુજરાતમાં 20 લાખ બોગસ કાર્ડ અધિકારીઓએ આપી દીધા હોઈ શકે છે.

કોને લાભ મળી શકશે નહીં ?

– 3 કે 4 પૈડાવાળુ વાહન,  સરકારી કર્મચારી, માસિક રૂ.10 હજારથી વધુ, આવકવેરો, વ્યવસાય વેરો, ખેતીની જમીન, સરકારી પેન્શનર, આર્થિક સુખાકારી, સધ્ધર, ધાબાવાળુ પાકુ મકાન ધરાવતો હોય તેમના કાર્ડ રદ થશે. ‘વન નેશન, વન રેશન કાર્ડ’ નવા સ્ટાન્ડર્ડ રેશનકાર્ડ બે ભાષામાં ઇશ્યૂ કરે. 10 આંકડા ધરાવતું રેશનકાર્ડ ઇશ્યૂ કરે જેમાં પ્રથમ બે આંકડા રાજ્યનો કોડ અને પછીના આંકડા રેશનકાર્ડની સંખ્યાને અનુરૂપ હશે. દેશમાં 23.19 કરોડ રાશનકાર્ડ પર 80 કરોડ લોકોને દર મહિને ચોખા, ઘઉં અને અનાજ અનુક્રમે 3 રૂપિયા, 2 રૂપિયા અને 1 રૂપિયા પ્રતિ કિગ્રાના અનાજ અપાય છે.

રાજકોટમાં 17 હજાર કાર્ડ બોગસ

રાજકોટમાં 2018માં રાશનકાર્ડનું આધારકાર્ડ સાથે જોડાણ કરાયા બાદ એકલા રાજકોટ શહેરમાં જ 17,500 BPL, અંત્યોદય અને NFS એ રેશનકાર્ડ સાથે હજુ આધારકાર્ડ લીંકઅપ ન થતાં આ બોગસ હોવાનું માનવામાં આવે છે. અમરેલીમાં રૂ.1 હજારમાં કાર્ડ આપવામાં આવે છે. છતાં રૂપાણી સરકારે કોઈ પગલાં લીધા નથી.

30 લોકો પકડાયા

ફેબ્રુઆરી 2020માં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બનાવટી ફિંગરપ્રિન્ટ દ્વારા અનાજ આપીને ડુપ્લીકેટ બિલો બનાવ્યા હતા. બાયોમેટ્રિક સિસ્ટમ અને ફિંગર પ્રિન્ટ એડ કરવાનો પાવર કે પાસવર્ડ મામલતદાર કક્ષાના ઉચ્ચ અધિકારી પાસે રહેતો હોવા છતાં તેમાં છીંડા પાડવામાં આ કૌભાંડી ટોળકી સફળ રહી છે. જેમાં 30 લોકો પકડાયા હતા.

12 હજાર કરોડનું કૌભાંડ

મોરારી બાપુના નામે થયેલું અનાજ કૌભાંડ રૂ12 હજાર કરોડનું, રૂપાણીએ દવાબી દીધુ હતું. મોરારીબાપુ – મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડ પણ બનાવાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે. વડોદરામાં તો આવા 4,900 રેશન કાર્ડ પકડાયા હતા. સુરતમાં 51,000 હજાર બોગસ રેશન કાર્ડ પકડાયા હતા. 21 માર્ચ, 2018 દિવસે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ અન્ન અને નાગરિક પુરવઠાનું રાજ્યમાં રૂ. 12,000 કરોડનું રેશનિંગના અનાજનું કૌભાંડ ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું હતું. ત્યારે સરકારે પગલાં લઈને કોઈને પણ નહીં છોડવામાં આવે એવી જાહેરાત કરી હતી. પણ કંઈ ન થયું

મહિને 100 કરોડનું કૌભાંડ

નાથાલાલ સુખડિયાની માહિતી પ્રમાણે અમરેલીમાં માર્ચ 2018 કરતાં એપ્રિલ 2018મા 9.22 લાખ કિલો ઘઉં, 3.7 લાખ કિલો ખાંડ અને 33,544 કિલો ચોખા અને 2.89 લાખ લીટર કેરોસીનની બચત એક જ મહિનામાં થઈ છે. તેનો સીધો મતદબ કે દર મહિને રૂ.100 કરોડનો માલ ઓછો ઉપડવા લાગ્યો હતો. મહિને રૂ.100 કરોડનું કૌભાંડ થયું હોવાની તે મોટી સાબિતી છે. ભાજપના રાજનેતાઓએ સમગ્ર પ્રકરણ રફેદફે કરી કાઢ્યું હતું. અમરેલીમાં 3 વર્ષમાં આ કૌભાંડમાં રૂ. 3,000 હજાર કરોડનું ગરીબોનું અનાજ બજારમાં જતું રહ્યું હતું. જે સમગ્ર ગુજરાતમાં રૂ.12 હજાર કરોડ થવા જાય છે.

ડેટા ગુમ કરી દીધા

જે લોકો અનાજ લઈ રહ્યા હતા તેના નામ ઓનલાઇન મૂકવામાં આવ્યા હતા. જે કોઈ પણ જોઈ શકતું હતું પણ તે ડેટા જ રૂપાણી સરકારે કૌભાં જાહેર થતાં જ ગાયબ કરી દીધા હતા. અમરેલી જ નહીં સમગ્ર રાજ્યના અનાજ લેતા લોકોના ઓનલાઈન ડેટા ગુમ કરી દીધા હતા. તેથી રૂ.12 હજાર કરોડનું કૌભાંડ દબાઈ ગયું હતું. ગાંધીનગરથી જ આ કૌભાંડ દાબી દેવામાં આવ્યું છે. આ કૌભાંડમાં 200 જેટલા મામલતદારો કે જેમણે બોગસ કૂપન કાઢી આપ્યા હતા તે ઝપટમાં આવી શકે તેમ છે. આટલું મોટું કૌભાંડ રાજકીય નેતાઓની મદદ વગર શક્ય ન બને. તેમના નામો પણ ખૂલી શકે તેમ હતા. તેથી આ મહા કૌભાંડ પર પડદો પાડી દેવાયો છે.

ડીજીટલ ડેટા હેક કરી કૌભાંડ

2016મા ગુજરાત સરકારે અન્નપૂર્ણા યોજના જાહેર કરી હતી. તેમાં પારદર્શીતા માટે રાજ્ય સરકારે વેરિફિકેશન સિસ્ટમ બનાવી હતી, જેમાં લાભ મેળવનાર વ્યક્તિ રેશન કાર્ડ નંબર, અંગૂઠાની છાપ, આધાર કાર્ડ નંબર એમ ત્રણ વાર વેરિફિકેશન કરાવીને અનાજ ખરીદી શકે. સરકારે આ માટે E-FPS એપ્લિકેશન પણ વિકસાવી હતી જેમાં રેશનનો લાભ મેળવનાર લોકોના નામ હતા. તેમાં તેમના વેરિફિકેશન પછી જ તેમને સસ્તા ભાવે અનાજ અપાતું હતું. તેનું સોફ્ટવેર હેક કરી કે ચોરી કરીને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રેશનનો લાભ મેળવી શકે તેવા લોકોનો બાયોમેટ્રિક ડેટા મેળવીને અનાજની ચોરી કરવામાં આવતી હતી. જેમાં બોગસ રેશન કાર્ડ કાઢવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા, વિદેશ રહેતાં અને કરોડપતિ લોકોને ગરીબ બતાવી સસ્તું અનાજ ઉપાડીને બજારમાં 10 ગણા ભાવે વેચી મારવામાં આવતું હતું.

કૌભાંડ દબાઈ ગયું

11 ફેબ્રુઆરી 2018મા NFSA હેઠળ રેશનકાર્ડની નોંધણી કરાવીને તેમના ફિંગર પ્રિન્ટના ડેટા હેક કરીને દર મહિને કૂપનો કાઢીને સરકારી અનાજ લેવાનો કૌભાંડનો પર્દાફાશ થયો હતો. RTI એક્ટીવિસ્ટ અજય જાગીડે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને પર્દાફાશ કર્યો. કુલ એક કરોડથી વધારે લોકોના ડેટા ચોરી થયા હતા. રેશન ઉપડે ત્યારે મેસેજ આવે છે. પરંતુ માત્ર 94 હજાર રાશનકાર્ડના ડેટાનો જ સરવે થયો છે. બાકીના કૂપન ધારકને મેસેજ મોકવામાં આવતાં ન હતા.

દેશનું સૌથી મોટું ડિજિટલ કૌભાંડ

દેશનું સૌથી મોટું ડિજિટલ કૌભાંડ ગુજરાતનું અનાજ કૌભાંડ માનવામાં આવે છે. ગુજરાતમાં 1.26 કરોડ લોકો સરકારનું સસ્તા ભાવનું અનાજ ઊઠાવે છે. જેમાં માત્ર 94 હજાર ગરીબ લોકોને જ સિસ્ટમમાં મેસેજ મોકલીને જાણ કરવામાં આવતી હતી. બાકીના બધા નકલી છે અને તેનું અનાજ અધિકારીઓ અને રાજકીય લોકો જમી જતાં હતા. આમ ગુજરાતનું આજ સુધીનું સૌથી મોટું અનાજ કૌભાંડ હતું.

લાલુ પ્રસાદના ઘાસચારા કૌંભાંડ કરતાં પણ મોટું ભાજપની CM વિજય રૂપાણી સરકારનું અનાજ કૌભાંડ માનવામાં આવી રહ્યું છે.

સરકાર જેવું સરવર બનાવ્યું

બાયો ન્યુમેરિકલ કોડથી રેશન ઉપડે છે. નકલી દસ્તાવેજને આધારે વોટર કાર્ડ બનાવી બોગસ રાશન કાર્ડ બની ગયા છે.  NFSA કાર્ડધારકોના સોફ્ટવેરની મદદથી ડેટા હેક કરાયા હતા. મયુર શર્મા નામના આરોપીએ અગાઉ ધરપકડ થયેલા રાહુલ નામના આરોપી પાસેથી રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગર ડેટા મેળવી સરકારના EPFS એપ્લિકેશનમાં ચેડા કર્યા હતા. બાદમાં તેના જેવું જ અલગથી સોફ્ટવેર અને ડેટા સર્વર બનાવી રાહુલ સહિત અન્ય વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારોને આપ્યું હતું.

નકલી સોફ્ટવેર

ગુજરાતના ઘણાં દુકાનદારોને તેણે રૂ. 9,000થી રૂ. 15,000માં આપ્યું હતું. અમદાવાદના મણિનગરની રણજીત સોસસિટીમાં રહેતા કલ્પેશ શાહની ભૂમિકા પણ આ સમગ્ર કૌભાંડમાં મહત્ત્વની હતી. કલ્પેશ શાહે ટેરા સોફ્ટ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા 7 લાખમાં રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ ડેટા મેળવ્યા હતા. બાદમાં આ ડેટા રાહુલને આપ્યા હતા. તેની પાછળ ડેટા કલેક્ટ કરતી એજન્સીઓ સામે તપાસ થઈ નથી. અમદાવાદ અને સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સોફ્ટવેર એન્જીયર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાહુલ નામના આરોપી પાસેથી ડેટા મેળવ્યા બાદ મયુર શર્માએ નવું સોફ્ટવેર બનાવ્યું હતું. જેના દ્વારા બોગસ ઇલેક્ટ્રોનિક કૂપન જનરેટ કરવામાં આવતી હતી. બાયોમેટ્રિક ફિંગર ડેટા કલેક્ટ કરવાનું કામ સોફ્ટ ટેરા, દેવકીશન, સિલ્વર ટચ અને JIL જેવી કંપનીઓને સોંપવામાં આવ્યું હતું.

સુરતમાં મહિને 12 લાખ કિલો અનાજનું કૌભાંડ

2020માં આમ આદમી પક્ષ દ્વારા સસ્તા અનાજનું કૌભાંડ પકડવામાં આવ્યું હતું. જેમાં સરકારે કોઈ પગલાં ન લીધા. તે પહેલાં સુરત શહેરમાં 2018ના માર્ચ મહિનામાં એવું બહાર આવ્યું હતું કે બે વર્ષમાં 84 કરોડનું અનાજ કાળાબજારમાં વેચી મરાયું હતું. જેમાં સાંસદ, ધારાસભ્ય, સમાજના અગ્રણીઓ તેમજ માલેતુજારોના નામે રેશનકાર્ડ પર દર મહિને 12.50 લાખ કિલો સરકારી અનાજ લઈ બારોબાર વેચી મારવાના ષડ્યંત્ર બહાર આવ્યા બાદ 2.50 લાખ લોકોના 51,881 કાર્ડ રદ કરાયા હતા. મહિને રૂ. 3.50 કરોડનો જથ્થો બહાર નીકળી જતો હતો. લિંબાયત ઝોનમાં સૌથી વધુ 32,908 રેશનકાર્ડ નોન NFSAમાં બદલ્યા છે.

ભાજપના નેતા અનાજ કૌભાંડમાં

29 જાન્યુઆરી 2018મા ગરીબ પ્રજાનું કરોડો રૂપિયાનું અનાજ વિદેશ મોકલીને ભાજપના નેતાનું કચ્છ ભૂજમાં કૌભાંડ બહાર આવ્યું હતું. ભૂજ ખાતે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ગરીબ નાગરિકોને આપવાનું અનાજ પગ કરી દઈને તેને ગુજરાત, દેશ અને વિદેશમાં અન્ય ભાગોમાં વેચી દેવામાં આવતું હતું. પર્દાફાશ કોંગ્રેસના આગેવાન આદમ ચાકીએ કર્યો હતો. તેમણે સ્ટિંગ ઓપરેશન કરીને ઘીરેન ભાનુ ઠક્કર કે જેમનો ભાઈ હીરેન ઠક્કર છે, જે ભાજપના ભૂજ નગરપાલિકાના પ્રમુખ છે.

જસદણ અનાજ કૌભાંડ

13 મે 2016મા રૂ. 45 લાખનું રેશનિંગ અનાજ કૌભાંડ પકડાતાં પાંચ આરોપીઓ સામે ફોજદારી – ત્રણ રેશનિંગ દુકાનદારોના લાઇસન્સ રદ કરાયા હતા. જસદણ-વિંછીયા વિસ્તારમાંથી 70થી 80 દુકાનદારોમાંથી 55 સસ્તા અનાજના દુકાનદારોની પાવતી મળી આવી હતી.

કચ્છમાં કૌભાંડ

18 ફેબ્રુઆરી 2018ના રોજ કચ્છમાં 47 લાખનું અનાજ પકડી પાડવામાં આવ્યું હતું. મહેન્દ્ર રણછોડ સોની સામે ફરીયાદ નોંધાઈ હતી. જેમાંથી રૂ. 18 લાખનો માલ સરકારી સસ્તા અનાજની દુકાનોનો હતો. માત્ર વાગડ-રાપર જ નહીં પણ કચ્છ વ્યાપી અનાજ કૌભાંડ ચાલી રહ્યું હતું. એલીગન્સ ફૂડ એન્ડ પ્રોસેસિંગ લિ નામની પેઢીમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો અને સરકારી અનાજ કૌભાંડના પર્દાફાશ બાદ મામલતદાર ટીમ દ્વારા ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં કૌભાંડની તપાસ જ ન થઈ

અમદાવાદમાં કૌભાંડ પણ સમગ્ર જિલ્લામાં કોઈ તપાસ થઈ ન હતી. જો તપાસ થાય તો તેમાં હજારો રેશનકાર્ડ બોગસ મળી શકે તેમ હતા. 23 ફેબ્રઆરી 2018મા અમદાવાદના પોલીસે મથુરદાસ મહેશ્વરીની મહાલક્ષ્‍મી અને સરસ્વતી ફેક્ટરીએ દરોડો પાડી રૂ. 8.10 લાખનો 3,200 કિલો ઘંઉ અને 17,920 કિલો ચોખાનો જથ્થો પકડી પાડ્યો હતો. મઝહર શેખ અને મથુરદાસ મહેશ્વરીની ધરપકડ કરી હતી. જો તપાસ થાય તો સુરત અને વડોદરા કરતાં પણ અહીં વધુ બોગસ રેશનકાર્ડ મળી શક્યા હોત.

મૃત્યુ પામેલાના નામે અનાજ વેચાયું

મૃતક લોકોનાં રેશનિંગ કાર્ડ ચાલું કરનાર મામલતદાર,  પુરવઠા અધિકારી અને તલાટી અભિપ્રાય હોય તેની તપાસ થવી જોઈએ જે થઈ નથી. રેશનકાર્ડ એ.પી.એલ.માંથી બી.પી.એલ. કે એ.એ.વાય. બન્‍યું તો તેના અભિપ્રાય કરનાર કર્મચારી અને મંજૂર કરનાર મામલતદારની તપાસ થવી જોઈએ. રેશનિંગની દુકાનો અગાઉ અનેકવાર માત્ર લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરી ભીનું સંકેલી દેવાયું છે તેની તપાસ થવી જોઈએ. લોકોએ જેટલાં પૂરાવા આપ્યા એટલાની જ તપાસ કરી પણ રૂ.12 હજાર કરોડના કૌભાંડનું કંઈ જ ન થયું.

10 પોલીસ ફરિયાદ ધરપકડ કોઈની નહીં

રેશનિંગની 10 પોલીસ ફરિયાદમાં એકપણ આરોપીની પોલીસે ધરપકડ કરી નથી. કોર્ટમાં આગોતરા જામીન થવા દીધા અને આરોપીના જવાબ પણ લેવામાં આવ્યા નથી. રેશનિંગ ચોરી કરનારને જવા દેવામાં આવ્યા છે. સુરત કેસમાં આવી જ ફરિયાદમાં સોફટવેર વેંચનાર, તમામની ધરપકડ થઈ તો અમરેલીના કેસમાં કોઈની ધરપકડ કરી નથી. અનાજ પુરવઠા અધિકારી, અનાજ પુરવઠા ઈન્‍સપેક્ટર, પુરવઠા મામમલતદાર, તાલુકા વિકાસ અધિકારી સામે કોઈ ખાતાકીય તપાસ કે પગલાં નથી ભરાયા.