RSSનું ભારતનું નવું બંધારણ કેવું છે ? પુસ્તક નરી કલ્પના, ભાગવતે અગાઉ કહ્યું હતું – BBC

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવક્તા દિનેશ વાળાએ પત્રકાર પરિષદમાં અમદાવાદમાં કહ્યું કે 16મી તારીખે વ્હોસ્ટ્સપ મારફતે  સોશ્યલ મીડિયામાં “નયા ભારતીય સંવિધાન”ના હેડિંગ સાથે સંઘ અલગ પ્રકારનું નવું સંવિધાન બનાવવા માંગે છે.  એવું પુસ્તક જાહેર કરાયું છે. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતના ફોટો મૂકવામાં આવ્યો છે. તેનો દૂરઉપયોગ કરીને સંઘને બદનામ કરવાના અને દેશમાં વર્ગ વિગ્રહ ફેલાય એવા આશયથી કપોળ કલ્પિત વાતો લખાઈ છે.

સંઘ એવું દૃઢપણે મને છે કે વર્તમાન સંવિધાન એ દુનિયાના શ્રેષ્ઠ  સંવિધાનોમાં સ્થાન ધરાવે છે. જે સમાનતા અને બંધુતાના સિધ્ધાંતો ઉપર રચાયેલું છે. આવા શ્રેષ્ઠ સંવિધાનનું સંઘે અને સંઘના સ્વયંસેવકો હંમેશા સન્માન કર્યું છે.  અથાક પરિશ્રમથી રચાયેલા દેશના સંવિધાનને બદલવાની કોઈ આવશ્યકતા નથી. એવું સંઘનું સ્પષ્ટ માનવું છે.

સંઘને બદનામ કરવાના અને દેશમાં વર્ગ વિગ્રહ ફેલાવવાના આશયથી  સોશ્યલ મિડિયામાં વાયરલ કરેલા આ લખાણ પાછળનાં ષડયંત્રકારીઓ પકડાય  અને એમને આપણાં  દેશના કાયદા પ્રમાણે એ ષડયંત્રકારીઓને સખત સજા થાય એ આશયથી મેં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમને વિશ્વાસ છે કે પોલીસ આ ગુનેગારોને ઝડપી અને સંઘને બદનામ કરવાના અને દેશમાં વર્ગવિગ્રહ ફેલાવવાના આ ષડયંત્રનો પર્દાફાશ કરશે.

આ લખાણમાં જે પ્રકારની વાતો લખાઈ છે જે સંઘના મૂળભૂત સિદ્ધાંતો, કાર્યપદ્ધતિ અને આચાર વિચારથી બિલકુલ વિપરીત છે. પત્રકાર પરિષદમાં વિજય પટેલ, સહ પ્રચાર પ્રમુખ હિતેન્દ્ર મોજીદ્રા અને વિજય શેઠ હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના નામથી ‘નવા બંધારણ’ નામની પીડીએફ બૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ મામલે સ્પષ્ટતા કરી છે. સંઘે કહ્યું કે, મોહન ભાગવતના નામથી બંધારણની એક ફેક પુસ્તક પ્રસારિત કરવામાં આવી રહી છે. આ પુસ્તક અને મોહન ભાગવત સાથે કોઈ લેવાદેવા નથી.

નવું બંધારણ બનાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો સાથે જ તેમાં સ્ત્રી ને ભગવાને માત્ર સંતાનોને જન્મ આપવા માટે જ બનાવી હોવાથી તેના અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર મર્યાદિત કરવામાં આવી રહ્યા છે. તો બ્રાહ્મણ સમાજ સિવાય તમામ વર્ગોએ હલકી કક્ષાના ઉલ્લેખવામાં આવ્યા છે.

નવું ભારતીય બંધારણ શીર્ષકવાળી 16 પૃષ્ઠોની બુકલેટ સોશયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. દિવાકરે કહ્યુ છે કે આ સંઘની છબી ખરાબ કરવાનો પ્રયત્ન છે. આની વિરુદ્ધ લખનૌના ગોમતી નગર અને હજરતગંજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધાવામાં આવ્યો છે.

BBCના અહેવાલની કમ્પ્યુટર સ્ક્રિન શોટની તસવીર – આભાર સાથે 

BBCનો 25 સપ્ટેમ્બર 2017નો અહેવાલ નીચે પ્રમાણે છે 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણમાં ફેરફારો કરીને તેને ભારતીય સમાજના નૈતિક મૂલ્યોને અનુરૂપ નવેસરથી ઘડવું જોઈએ. આરએસએસ પ્રમુખ ભાગવતે હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં કહ્યું કે બંધારણનો મોટો હિસ્સો વિદેશી વિચારધારા પર આધારિત છે અને સ્વતંત્રતાના 70 વર્ષ પછી તેના પર ધ્યાન આપવું જોઇએ.

RSSનો ‘હિડન એજન્ડા’

કેટલાક લોકો આરએસએસ પ્રમુખના નિવેદનને બંધારણ પર હિંદુત્વ વિચારધારા લાદવાના પ્રયાસ તરીકે જૂએ છે. માર્કસ્વાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું કે “સ્થાપના કાળથી જ આરએસએસનો બંધારણ બદલી નાંખવાનો એજન્ડા રહ્યો છે.”

યેચુરીના કહેવા પ્રમાણે ભાગવતના ભાષણનો ‘હિડન એજન્ડા’ આ જ છે. “RSS ઇચ્છે છે કે આપણો દેશ એક ધર્મનિરપેક્ષ દેશને બદલે એક હિંદુ રાષ્ટ્રમાં ફેરવાઈ જાય.”

જો કે હિન્દુત્વવાદી વિચારધારા ધરાવતી પત્રિકા ‘ઑર્ગેનાઇઝર’ અને ‘પાંચજન્ય’ના ગ્રૂપ એડિટર જગદીશ ઉપાસને કહે છે કે “આરએસએસ પૂરી રીતે ભારતીય બંધારણમાં વિશ્વાસ ધરાવે છે. સરસંઘચાલકના નિવેદનનો અર્થ એ છે કે કાયદા અને નૈતિક મૂલ્યોમાં ઘર્ષણ ન થાય અને તે રીતે બંધારણમાં ફેરફાર કરવા જોઈએ.”

ઉપાસનેનું કહેવું છે કે આરએસએસ પ્રમુખે આ વાત કહી છે એટલે રાજકીય પક્ષો તેને પોતપોતાની રીતે જોશે. “તેમણે ભારતીયતાની વાત કરી છે.”

હિંદુત્વના પરિપ્રેક્ષ્યમાં ભારતીયતા

એવા સવાલો થઇ રહ્યા છે કે આરએસએસ ભારતીયતાને માત્ર હિંદુ દૃષ્ટિકોણથી જુએ છે. આલોચકો કહે છે કે આરએસએસના આ દૃષ્ટિકોણમાં ભારતની વિવિધતા અને જીવનશૈલી માટે કોઈ જગ્યા નથી.

ડાબેરી નેતા યેચુરી કહે છે, “દેશ સામે અત્યારે સવાલ એ છે કે ભૂતકાળમાં જીવવું કે જ્યાં સંઘ લઇ જવા માંગે છે તે તરફ કે પછી વધુ સારા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ જવું છે. સંઘ ભારતને પાછળ ધકેલવાની કોશિશમાં છે.”

કોંગ્રેસ નેતા શકીલ અહમદનું કહેવું છે કે “જ્યારે ભાગવત બંધારણને ભારતીય મૂલ્યો પર આધારિત ન માનવાની વાત કરે છે ત્યારે તેઓ ખુદ બંધારણનું અપમાન કરી રહ્યા છે.”

ભારતીય બંધારણનો સ્રોત વિદેશી વિચારધારા હોવાની ભાગવતની વાત પર સીતારામ યેચુરી પૂછે છે “જમ્મહૂર્રિયત એટલે કે લોકશાહી પણ વિદેશી વિચાર છે તો શું ભાગવત તેને પણ ખતમ કરી દેશે?”

આરએસએસ પ્રમુખે એ પણ કહ્યું છે કે જે કાયદેસર રીતે સાચું છે એ નૈતિક રુપે સાચું જ હોય એ જરૂરી નથી. આના પર પણ વિચાર કરવો જરૂરી છે.

ભાગવતની આ વાત પર બંધારણના જાણકાર સૂરત સિંહ કહે છે કે “કાયદો અને નૈતિકતા વચ્ચેના અંતરને સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે.”

“નૈતિક્તા એ છે કે દરેકને પ્રેમ કરો, પાડોશીને પ્રેમ કરો. પરંતુ પાડોશીને મારો નહીં એ કાયદો છે. કારણ કે જો આમ કરશો તો સજા થશે. એકને કાયદો લાગૂ કરો અને બીજાને નહીં તેવી પરિસ્થિતિ કદી ચાલી શકે નહીં.”

સૂરત સિંહ કહે છે કે ભારતીય બંધારણનો મોટો ભાગ ‘ભારત સરકારના કાયદાઓ 1935’માંથી લેવામાં આવ્યો છે અને તેમાં ફેરફારની જરૂર છે. પરંતુ બંધારણના મૂળ માળખામાં કદી ફેરફાર ન કરી શકાય.

તેમનું કહેવું છે કે “1973માં સુપ્રીમ કોર્ટના 13 ન્યાયમૂર્તિઓની બેન્ચે પોતાના એક નિર્ણયમાં ચોખ્ખું કહ્યું હતું કે બંધારણમાં સંશોધન થઈ શકે છે પરંતુ તેની મૂળ ભાવનામાં ફેરફાર ન થઈ શકે.” (બીબીસીનો અહેવાલ અહીં પૂરો થાય છે)