[:gj]ગરીબ પરિવારો માટે ગૂંચવાડો ઉભો થયો, વિદેશની જેમ આખા દેશમાં એક જ આરોગ્ય કાર્ડ આપવા રજૂઆત[:]

[:gj]

­­­­­­­­­­­­ ગાંધીનગર,તા.0૭  ગુજરાતમાં આરોગ્યની સુવિધા આપતી રાજ્ય સરકાર અને કેન્દ્રની યોજનામાં આરોગ્ય ની બાબતોને સમાંતર કરવા માટે    આરોગ્ય વિભાગે તમામ આરોગ્યલક્ષી સેવાઓ માટે લોકોને એક જ કાર્ડ આપવાનું નક્કી કર્યું છે. હાલ આ સુવિધાનો લાભ લેવા માટે ત્રણ કાર્ડ રાખવા પડતા હતા, જો કે નવું કોમન કાર્ડ કઢાવવા માટે લોકોએ રૂપિયા ખર્ચવા પડશે.

ગુજરાતમાં ગરીબી રેખા હેઠળના પરિવારોને આરોગ્યની સુવિધા પુરી પાડવા માટે મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું કાર્ડ એમ ત્રણ કાર્ડ આપવામાં આવે છે. હવે આ ત્રણેય કાર્ડને મર્જ કરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કરેલા મહત્ત્વના નિર્ણય અન્વયે તમામ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તબીબી અધિકારી અને મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરોને તાકીદ કરી છે અને આ માટે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પરિપત્ર દ્વારા સરકારના નિર્ણયની જાણ કરવામાં આવી છે.

રાજ્યના ગરીબોને આરોગ્ય સુવિધા આપવામાં આવી રહી છે જેમાં નિર્ધારિત હોસ્પિટલોમાં આ પરિવારોએ કોઇ ચાર્જ આપવાનો રહેતો નથી. જો કે સરકારે જે પ્રાઇવેટ હોસ્પિટલોને આરોગ્ય કાર્ડમાં દાખલ કરી હતી તેમાં કેટલાક નિયંત્રણો મૂક્યાં છે, કારણ કે દર્દી વિના બીલ પાસ કરવાના કૌભાંડ શરૂ થયા હતા.

આરોગ્યને લગતી સુવિધા માટે રાજ્ય સરકારે બે અને કેન્દ્ર સરકારે એક કાર્ડ આપ્યું છે જેમાં સુવિધા સરખી છે. આરોગ્યના એક અધિકારીએ કહ્યું હતું કે વિદેશમાં આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે તેવી રીતે આખા ભારતમાં આરોગ્ય માટે એક જ કાર્ડ હોવું જોઇએ, અલગ અલગ કાર્ડનો કોઇ અર્થ નથી. તેમણે સરકાર અને આરોગ્ય વિભાગને મહત્વનું સૂચન કર્યું છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સીએચસી સેન્ટરમાં લાભાર્થી દીઠ 30 રૂપિયા અને વિલેજ કોમ્પ્યુટર એન્ટરટેઈનર કક્ષાએથી 15 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. આ તમામ આરોગ્ય સેન્ટરો, સરકારી તેમજ ખાનગી આરોગ્ય સેન્ટરોમાં કાર્ડની યોજના બંધ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એક જ કાર્ડ સ્થાપિત તમામ કિયોસ્ક પર વિનામૂલ્યે કાઢી આપવામાં આવશે. જો કોઇ લાભાર્થી પાસે કેન્દ્રનું કાર્ડ ન હોય પરંતુ તેનું નામ યાદીમાં હશે તો તેમણે જ્યાં સારવાર લીધી હશે તે ખાનગી હોસ્પિટલની વિગતો ઓનલાઇન ભરીને મોકલવાની રહેશે. આ પ્રક્રિયા પછી ઓનલાઇન કાર્ડ કાઢી આપવામાં આવશે.

ગુજરાતમાં જે લાભાર્થીઓના મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ નિકળી ગયા છે તેવા લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું સ્ટીકર મારી આપવામાં આવશે. આ કામગીરી આરોગ્ય મિત્ર, આશા વર્કર બહેનો અને કિયોસ્ક ઓપરેટરો દ્વારા કરવામાં આવશે.

 [:]