[:gj]હામી હોવાનો દાવો કરતી ભાજપ સરકાર, ખેડૂતોની હામુંય જોતી નથી[:]

[:gj]ગાંધીનગર, તા. 13

ભાજપના વિકાસ મોડેલ રાજ્ય તરીકે ગણાતા ગુજરાતનો એક શરમજનક બાબતે દેશના પ્રથમ ત્રણ રાજ્યમાં સમાવેશ થઈ ગયો છે. ખેડૂતોની આત્મહત્યા મામલે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. કેન્દ્ર સરકારે લાંબા વિલંબ બાદ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા જાહેર કર્યા છે. જેમાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાતના કેસમાં 35.5 ટકાનો વધારો નોંધાયો છે.

ભારે હોબાળો મચ્યા બાદ કેન્દ્ર સરકારે નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના કેલેન્ડર વર્ષ 2016ના આંકડા જાહેર કર્યા છે. જે ગુજરાત માટે ખૂબ જ ચોંકાવનારા સાબિત થયા છે. જાહેર કરાયેલા આ આંકડા પ્રમાણે રાજ્યમાં ખેડૂતોની આપઘાતની ટકાવારીમાં 35.5 ટકાનો ચિંતાજનક નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત 5 રાજ્યોમાં વધી હોવાનું પણ આ અહેવાલમાં જણાવાયું છે. જેમાં ગુજરાત ચોથા ક્રમે છે. રાજ્યમાં વર્ષ 2015માં 301 ખેડૂતોએ આપઘાત કર્યો હતો, તે સંખ્યા વર્ષ 2016માં વધીને 408 ઉપર પહોંચી ગઈ છે.

રાજ્ય માટે શરમજનક ઘટના

ભાજપની રાજ્ય સરકાર દ્વારા હંમેશા ખેડૂતોના હામી હોવાની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં ખેડૂતોની દયનીય સ્થિતિ માટે રાજ્ય સરકારની ખેડૂતો માટેની કેટલીક નીતિઓ જવાબદાર હોવાનું આ આંકડા પરથી ફલિત થાય છે. રાજ્ય માટે આ એક મોટી શરમજનક બાબત ગણી શકાય કે ખેડૂતોના આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. અન્ય રાજ્યોના આંકડા પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેલંગાણામાં 54 ટકાનો, છત્તીસગઢમાં 28.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો તેની સામે ગુજરાતમાં આ ટકાવારીનું પ્રમાણ વધ્યું છે.

ખેડૂતોની કફોડી હાલત

રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ખેડૂત આંદોલનોમાં સતત વધારો થઈ રહ્યો છે. એક બાજુ રાજ્યના ખેડૂતો ચાલુ વર્ષે ચોમાસામાં અતિભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. અને તેની કળ હજુ વળે એ પહેલાં રાજ્યમાં આવેલા ત્રણ વાવાઝોડાના કારણે ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. કમોસમી વરસાદ અને વધી રહેલા ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતો સતત પાયમાલી તરફ આગળ વધી રહ્યા છે. બીજી બાજુ વહીવટી ક્ષેત્રે પણ સરકારો ક્યાંક ઉણી ઉતરતી હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે. પાક વીમો હોય કે ટેકાના ભાવો, આ બધામાં ખેડૂતોને રોવાનો જ વારો આવ્યો છે.

રાજ્ય માટે ખેડૂતોના આપઘાત ચિંતાજનક

રાજ્યના ખેડૂતોની આત્મહત્યાની ટકાવારીમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે ખરેખર સરકાર માટે ચિંતાનો વિષય છે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા જ્યારે કોઈપણ ચૂંટણી યોજાય છે ત્યારે માત્ર વિકાસ, વિકાસ અને વિકાસના દાવા જ કરવામાં આવતા હોય છે અને ખેડૂતોની સતત અવગણના કરવામાં આવી છે. એક બાજુ રાજ્ય સરકાર મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો પાછળ કરોડો અને અબજો રૂપિયા પાણીની જેમ વહાવે છે, પણ બીજી બાજુ ખેડૂતોના પાક માટે પાણી વહાવતી નથી અને તેમને અંધકારની ગર્તામાં હંમેશા ધકેલતી આવી છે. ત્યારે રાજ્ય સરકાર જો આ મામલે કોઈ યોગ્ય ઉકેલ નહિ લાવે તો આવનારા દિવસોમાં ખેડૂતોની આત્મહત્યાનો આંકડો અને ટકાવારી હજુ પણ વધે એવી શક્યતાઓ છે.

કેમ કરે છે ખેડૂત આપઘાત?

રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી અપૂરતા કે અતિભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન ઉઠાવવું પડે છે. અને આ સંજોગોમાં બેન્કોમાંથી લીધેલું ધિરાણ સમયસર નહિ ચૂકવી શકવાના કારણે તે નાસીપાસ હાલતમાં આપઘાત જેવાં પગલાં ભરતા અચકાતા નથી.

ખેડૂત અગ્રણીનો સરકાર સામે રોષ

રાજ્યમાં જે રીતે ખેડૂતોની આત્મહત્યાની ટકાવારીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર સામે રોષ શરૂ થયો છે. ખેડૂતોની આત્મહત્યા મામલે સરકારની નીતિઓને દોષ આપી રોષ ઠાલવતા ખેડૂત અગ્રણી રણજિતસિંહ ડોડિયા કહે છે કે, સરકારે જે રીતે ખેડૂતોની સતત ઉપેક્ષા કરી છે તેના કારણે આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. છેલ્લાં કેટલાંય સમયથી બિયારણ, ખાતર તેમ જ દવાઓમાં જે રીતે કમરતોડ ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે ખેડૂતોને તેનો માર સહન કરવો પડી રહ્યો છે. અગાઉ અપૂરતા વરસાદ અને અતિવૃષ્ટિના કારણે દેવું કરીને ખેડૂતે કરેલા વાવેતરને ભારે નુકસાન થયું છે અને તેનું દેવું ભરપાઈ કરી શકે એવી આવક ન થતાં ખેડૂત નાસીપાસ થાય છે. અને આ સંજોગોમાં ખેડૂત પાસે આપઘાત સિવાય અન્ય કોઈ રસ્તો રહેતો નથી. તેમણે માગણી કરતાં કહ્યું કે, જો સરકાર આગામી દિવસોમાં ખેડૂતો માટે યોગ્ય નીતિ નહિ બનાવે તો ખેડૂતો માટે હજુ વધુ કપરાં દિવસો આવશે એવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી.

ખેડૂત આપઘાતમાં ગુજરાત ચોથા ક્રમે

તાજેતરમાં સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે દુષ્કાળ, પાક નિષ્ફળ જવાથી કે દેવામાં ડૂબી જવા સહિતના કારણોને લીધે ખેડૂતોનાં મોત અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો 2014થી 2017 દરમિયાન 132 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. 2014થી 2016 દરમિયાન 1177 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2015ના વર્ષ કરતા વર્ષ 2016માં 35.5 ટકાનો વધારો થયો હતો.

તાતની દરકાર કરે સરકાર

રાજ્યના ખેડૂતોની હાલત દિવસેને દિવસે બદથી બદતર થઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે ચોક્કસ નીતિ બનાવીને ખેડૂતોની ખસ્તા હાલતને સુધારવી જોઈએ. એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડૂતોની આવક બમણી કરવાના બણગાં સતત ફૂંકતા હોય છે ત્યારે જે રીતે તેમના હોમગ્રાઉન્ડ ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યામાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે બાબતે પણ વિચારવું જોઈએ. વિકાસના નામે ગાડાં ગબડાવતી ભાજપ સરકારે ખેડૂતોની આવી અવગણના સતત કરશે તો રાજ્ય આગામી સમયમાં ઔદ્યોગિક વિકાસમાં તો હરણફાળ ભરી ચૂક્યું હશે પરંતુ અન્ન ક્ષેત્રે સતત પાયમાલી તરફ આગળ વધશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

[:]