[:gj]કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસે દહિયાને ક્લીન ચીટ આપી[:]

[:gj]ગાંધીનગર, તા. 08

રાજ્યના સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસે ક્લીન ચીટ આપી છે. તપાસમાં તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું સામે આવ્યું છે. પીડિત મહિલાએ કરેલા આરોપવિહોણા સાબિત થયા હોવાનું દિલ્હી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. દિલ્હી પોલીસને તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, પીડિત મહિલા પહેલાથી જ પરણેલી હતી અને તેણે ખાનગી કંપનીમાં કામ કરતી એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. સાથે જ જન્મેલી બાળકી પણ દહિયાની નહિ હોવાનો ખુલાસો થયો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીની મહિલા લીનુ સિંહે ગુજરાતના આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેણે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાની તેમ જ તેની સાથે શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. પરંતુ દિલ્હી પોલીસની તપાસમાં આ તમામ આરોપો પાયાવિહોણા સાબિત થયા છે અને આ મામલે દહિયાએ તપાસમાં આવેલા પુરાવા રાજ્ય સરકારને સુપરત કર્યા છે.

શું હતો આખો મામલો

મહિલાએ દહિયા વિરૂદ્ધ શારીરિક શોષણ તેમ જ લગ્નની લાલચની ફરીયાદ નોંધાવી તેના થકી એક બાળકી હોવાનું પણ સામે આવ્યું હતું. તો સામે આઈએએસ અધિકારી ગૌરવ દહિયાએ પણ મહિલા વિરૂદ્ધ બ્લેકમેઈલની અરજી કરી હતી. આ અંગે દહિયાએ પણ ગાંધીનગર ખાતે મહિલા વિરૂદ્ધ બ્લેકમેઈલની અરજી કરી છે. અને મહિલા દ્વારા કરવામાં આવેલા વાયરલ ફોટા ખોટા છે, મહિલાએ ફોટા વાયરલ કરીને મારી પાસે રૂપિયાની માગણી કરી છે. બ્લેકમેઈલ કરીને મહિલા મારી પાસે રૂપિયા પડાવી રહી છે. આ મહિલાનું નામ લીનું સિંઘ છે અને તેમણે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે.

મહિલાનો દાવો

મહિલા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગૌરવ દહિયા સાથે તેની મુલાકાત વર્ષ 2017માં સોશિયલ મીડિયા સાઇટ ફેસબૂકથી થઈ હતી. ત્યારબાદ બન્ને દિલ્હીની શાગીલા હોટલમાં મળ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો કે, દહીયા પરણિત હોવા છતાં મારી સાથે સબંધ બાંધ્યા હતા. આ મામલે દિલ્હીની પીડિત મહિલાએ ફરિયાદ કર્યા બાદ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા આખી રાત પોતાના ગાંધીનગર સ્થિત સરકારી નિવાસ સ્થાને આવ્યા ન હતા.. અધિકારી ગાંધીનગરથી ગુમ થયા હોવાની ચર્ચાઓ પણ તે સમયે ચાલી હતી.

સરકારે બનાવી તપાસ સમિતિ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના આઈએએસ અધિકારી ગૌરવ દહિયા વિરૂદ્ધ લગ્ન બાબતમાં છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદ અંગે તલસ્પર્શી તપાસ માટે ત્રણ આઈએએસ અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતી બનાવી હતી. આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. જ્યારે ગૌરવ દહિયા સામે આ આરોપો થયા ત્યારે તેઓ નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજ બજાવતા હતા. તેથી રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી 22 જુલાઇએ તેમની બદલી કરીને તેમને સંયુકત સચિવ  સામાન્ય વહીવટ વિભાગમાં મૂક્યા હતા.  અને ત્યારબાદ તેમને રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા હતા.

[:]