મોદી દ્વારકા શોધી રહ્યાં છે અને રૂપાણી દ્વારકાને સુવર્ણ યુગમાં લઈ જવાની વાતો કરે છે

દ્વારકા, 1 જાન્યુઆરી 2020

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આરોગ્‍ય, શિક્ષણ, પાણી અને પ્રવાસનના રૂા.72 કરોડના પ્રકલ્‍પો શરૂ કરાયા છે. ભાજપ સરકારે જાહેર કર્યું છે કે, દ્વારકા નગરીનો ફરી સુવર્ણ યુગ આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 31 જાન્યુઆરી 2020એ દ્વારકામાં કહ્યું હતું.

વડાપ્રધાન કહે છે સોનાની દ્વારકા ક્યાં છે

પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2017માં દ્વારકામાં કહ્યું હતું કે દ્વારકા ક્યાં છે તે કોઈને ખબર નથી. નરેન્દ્ર મોદીએ દ્વારકાધીશના દર્શન કરીને જાહેરસભામાં કહ્યું કે નિષ્ણાતોને કામ સોંપ્યું છે, કે સોનાની દ્વારકા ક્યા છે. ક્યા ગઈ એ સોનાની દ્વારકા તે સૌથી મોટો સવાલ છે. ઈતિહાસના પાનાં પર સોનાની દ્વારકાની વાત રહી છે કે પછી માત્ર કથા છે. એ તો તપાસનો વિષય છે. એવું વડાપ્રધાન કહે છે.

ત્યારે રૂપાણી કહે છે કે દ્વારકા નગરીમાં સુવર્ણ યુગ આવશે.

દ્વારકાના અનેક સરનામા મળ્યાં છે, પણ હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યાં નથી. શોધસંશોધન પૂરતું થયું નથી. સોનાની દ્વારકા શોધવા માટે બીડું ઝડપ્યું છે. જો ખરેખર અને હકીકતમાં દ્વારકાની શોધ કરાશે તો 100 ટકા પુરાવા મળશે જ.

શ્રીકૃષ્ણની દ્વારકા કેવી હતી

શ્રીકૃષ્ણ અને યાદવો મથુરા છોડીને સૌરાષ્ટ્રના સમુદ્રતટે આવ્યા, ત્યારે નગરીના નિર્માણ માટે વિશાળ સાગરતટ પ્રદેશ પર તેમની નજર ઠરે છે, અને વિશ્વકર્માજીને આહ્વવાન કરે છે, અને દ્વારકા નગરીના નિર્માણ માટે કહે છે. જો સમુદ્રદેવ દ્વારકાનગરીના નિર્માણ માટે થોડી ભૂમિ આપે તો જ આ કાર્ય પાર પડે તેમ હતું. વિશ્વકર્માએ કૃષ્ણને આ વાત જણાવી, ત્યારે કૃષ્ણએ સમુદ્રદેવની આરાધના કરી અને પ્રસન્ન થઈને સમુદ્રદેવે બાર જોજન જેટલી જમીન સમર્પિત કરી. તેના પર વિશ્વકર્માએ સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. આ નગરીને દ્વારાવતી તથા કુશસ્થલીના નામથી પણ ઓળખાય છે.

36 વર્ષમાં દ્વારકા ડૂબી ગઈ

મહાભારતના યુદ્ધના 36 વર્ષ પછી શ્રીકૃષ્ણ ભગવાને રચેલી દ્વારકા સમુદ્રમાં સમાઈ જાય છે. ત્યાર પછી એક દંતકથા મુજબ કૃષ્ણના જીવનનો અંત સોમનાથ પાસેના ભાલકાતીર્થમાં પારધીના બાણથી ઘવાયા હતા. અરબી સમુદ્રના તટે સોમનાથની તીરે ત્રિવેણી સંગમ ખાતે શ્રીકૃષ્ણે દેહોત્સર્ગ કર્યો હતો. તે સમય પછી આ પ્રાચીન દ્વારકા નગરી સમુદ્રના પેટાળમાં હંમેશને માટે સમાઈ ગઈ હતી. મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરનું રાજતિલક થયું ત્યારે કૌરવોની માતા ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રીકૃષ્ણને જવાબદાર ગણીને શ્રાપ આપ્યો હતો કે કૌરવોના વંશનો જે રીતે નાશ થયો છે, તે રીતે જ યદુવંશનો પણ નાશ થશે. યદુઓના આંતરિક યુદ્ધમાં નાશ થયો.

તે પ્રમાણે જ અર્જુન આવીને દ્વારકાવાસીઓને પોતાની સાથે લઈ જાય છે, પણ તે પહેલાં કૃષ્ણના પરિવારજનો સ્વર્ગે સીધાવે છે.

પ્રલયમાં ડૂબી

મહાભારતમાં કહેવાયું છે કે આખરે પ્રલયમાં દ્વારકા નગરી ડૂબી ગઈ. દ્વારકાના સાગરકાંઠે આર્કિયોલોજી દ્વારા થયેલા સંશોધનોમાં પાણી નીચે નગરના અવશેષો મળ્યાં છે. ઈસવીસન પૂર્વે 1500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિનું તે નગર મનાય છે.

શ્રદ્ધાળુઓ તેને કૃષ્ણની સોનાની દ્વારકા જ માને છે.

કૃષ્ણની દ્વારીકા કઈ

ઈતિહાસકારોમાં દ્વારકા ક્યા હતી એ અંગે અનેક મતમતાંતર છે. કૃષ્ણયુગ પુરો થયો ને પાંચ હજાર વર્ષ પુરા થઈ ગયાં છે, પણ હજી કૃષ્ણની દ્વારકા કયાં હતી, તે પ્રશ્ન એમનો એમ રહ્યો છે. દરિયાના તળિયે સોનાની દ્વારકા ડૂબી ગઈ તેની દંતકથા છે. માટે સમુદ્રના પાણીમાં દ્વારકા નગરી હોવાની માન્યતા પ્રબળ છે. અને એ દિશામાં સંશોધન થઈ રહ્યું છે. પણ હજી સુધી નક્કર કહી શકાય તેવા કોઈ પુરાવા મળ્યાં નથી.

ઇતિહાસ શું કહે છે

આજની દ્વારકા નગરી તે જ મૂળ દ્વારકા નગરી હોવાનું મનાય છે. ભક્તકવિ નરસિંહ મહેતાએ શામળિયાને હૂંડી લખી હતી તેમાં જે સરનામું ટાંકયું હતું, ‘ સ્વસ્તી શ્રીમંત શુભ સ્થાન દ્વારામતી, રાય રણછોડને કરું પ્રણામ, સાગરબેટમાં ઠેઠ મધ્યે વસો, શામળા શેઠ પ્રસિદ્ધ નામ’. તે મુજબ જોઈએ તો બેટદ્વારકા એ અસલ દ્વારકા છે. બીજી તરફ આદ્ય શંકરાચાર્ય હાલની દ્વારકાને ઓરિજનલ દ્વારકા ગણે છે. માટે તેમણે શારદાપીઠની સ્થાપના કરી હતી. પુરાત્વ જાણકારો પણ આ દ્વારકાને અસલ દ્વારકા ગણે છે.

રૈવતક નામના પર્વત પાસે

બીજી વાત એવી છે કે મહાભારતના ઉલ્લેખ પ્રમાણે દ્વારકા રૈવતક નામના પર્વત પાસે હતું. આજનું દ્વારકા જ્યાં છે, તો કોઈ પર્વત નથી. એક શકયતા એ છે કે જૂનાગઢને દ્વારકા તરીકે રજૂ કરાઈ રહ્યું છે, પણ કોઈ પુરાવા કે સંકેત મળતા નથી.

કોડીનાર પાસે

કોડીનાર પાસે મૂળ દ્વારકા નામનું ગામ છે. અહીંથી ઈસવીસન દસમી સદીના અવશેષો મળી આવ્યાં છે. ખોદકામ દરમિયાન અહીંથી ગોળાકાર બાંધકામ મળ્યું હતું. અને આ બાંધકામ પંદર ફૂટ ઊંચું હતું. સૌરાષ્ટ્રની પ્રાચીન દીવાદાંડી પણ મળી છે. જાણીતા પુરાત્વશાસ્ત્રી દ્વારકા અહીં હોવાનું માનતાં હતાં.

ભગવાન કૃષ્ણના સમયમાં દ્વારીકા સોનાની હતી.

દ્વારકા પરગ્રહવાસીઓએ બનાવી હતી ?

દ્વારકા મનાતા શહેરો ક્યા ક્યા છે અને શા માટે તે મૂળ દ્વારકા ગણાય છે?

પોરબંદરથી ત્રીસેક કિલોમીટર દૂર એ ગામ આવેલું છે.
વસતી ત્રણ ચાર-હજાર.
ગામનું નામ વિસાવાડા.
મેરની બહુમતી વસતી.
અલબત્ત, એટલી વાતે ગામની ઓળખાણ પુરી નથી થતી.
વિસાવાડાની ખરી ઓળખાણ એટલે મૂળ દ્વારકા હોવાનો દાવો!
ઓખામંડળ પાસે આવેલા દ્વારકા શહેર સિવાય બીજા કેટલાક સ્થળોની ઓળખ પણ અસલ દ્વારકા હોવા તરીકેની છે. એટલે કે કૃષ્ણએ અહીં પણ રાજ કર્યુ હતું એવુ સ્થાનિક લોકો માને છે. એવા વિવિધ સ્થળો પૈકીનું વિસાવાડા સૌથી મોટુ દાવેદાર છે. માટે પહેલાં તેની વાત કરીએ..
* * *

કૃષ્ણની નગરીના દાવેદાર સ્થળો સોરઠના કાંઠે પથરાયેલા છે.
પોરબંદરના જાણીતા ઈતિહાસવિદ્ નરોત્તમ પલાણે વિસાવડા શા માટે મૂળ દ્વારકાનું દાવેદાર ગણી શકાય તેની વિગતવાર રજુઆત પોતાના પુસ્તક ‘વિસાવાડા’માં કરી છે. એ ઈતિહાસ પ્રમાણે વિસાવાડા પ્રાચીનકાળનું વિષ્ણુતિર્થ છે. સ્કંદપુરાણમાં જે વિષ્ણુપદ નામના સ્થળનો ઉલ્લેખ છે એ પણ કદાચ આજનું વિસાવાડા જ હોય એવી પ્રબળ શક્યતા છે.

આ ગામ ફરતાં જ ખબર પડી આવે કે કોઈ નવુંસવું વસેલું નગર નથી. બાંધકામો ભલે નવાં દેખાતા હોય, પરંતુ અહીંની માટી સેંકડો વર્ષ પહેલાનો ઈતિહાસ ધરબીને બેઠી છે. ગામમાંથી મળી આવેલા શિલાલેખો અને પાળિયાઓ ગામ પુરાતનકાલીન હોવાની સાક્ષી પુરે છે. વિસાવાડાના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના એક મૂર્તિ નીચે છેક ઈસવીસન ૧૨૦૬માં લખાયેલી લીટીઓ મળી આવી છે. એ પ્રમાણે ગામનું નામ વિસાવાડા ત્યારે પણ હતું એ વિગતો મળે છે અને વધુમાં એમ પણ લખ્યું છે કે અહીં દ્વારકાધિશના બેસણા હતાં.

પૌરાણિક ઉલ્લેખ પ્રમાણે દ્વારકા હોવા માટે એક તરફ રૈવતક પર્વત અને બીજી તરફ દરિયો હોવો જોઈએ.
વિસાવાડા અને માધવપુર બન્ને એવા સ્થળો છે, જ્યાં આંશિક રીતે આ શરતો પુરી થાય છે. વિસાવાડા-માધવપુર બન્ને પ્રાચીન શહેરો છે, અહીંથી હજારો વર્ષ જુના અવશેષો પ્રાપ્ત થયા છે. ઈતિહાસ તરફનો રસ્તો બતાવતા શિલાલેખો પણ બન્ને સ્થળોએ છે. વિસાવાડા પાસે બરડો તો માધવપુર પણ બરડાની નજીક ગણી શકાય એમ છેે. માધવપુરને ગણવુ હોય તો ગિરનાર પાસે પણ ગણી શકાય. માધવપુરનો દરિયો જાણીતો છે, જ્યારે વિસાવાડા થોડુ દરિયાથી દૂર છે, છતાં પણ દરિયાકાંઠે ન ગણી શકાય એટલુ બધુ દૂર પણ નથી.

દ્વારકા શબ્દનો એક અર્થ બંદર (બારું) થાય છે. વિસાવાડામાં મળી આવેલા અવશેષો પરથી એક સમયે બંદર હોવાનું જણાઈ આવે છે. અહીં એક બળદબારું (બળદનો આવવા-જવાનો રસ્તો) પણ છે. વિસાવાડામાં મળી આવેલા ‘શંખ ડેરુ’ અને ‘રાંદલ-ડેરુ’ અંદાજે દોઢેક હજાર વર્ષ પુરાણા છે. વિસાવાડામાં મુકવામાં આવેલી તકતીઓમાં પણ ઈતિહાસ ઉલ્લેખાયેલો છે.

વિસાવાડામાં આવેલુ કૃષ્ણ મંદિર પણ અનોખું છે. આ મંદિર પંચાયતન પ્રકારનું છે. એટલે કે એક મુખ્ય મંદિર અને ફરતા ચાર નાના-મંદિરો. આ પ્રકારના સૌરાષ્ટ્રમાં બે જ મંદિરો છે. એક વિસાવાડામાં અને બીજું દ્વારકા પાસેના ધ્રાસણવેલ ખાતે. એ રીતે વિસાવાડાને અહીંનું મંદિર પણ અલગ પાડે છે.

વિસાવાડાને ઐતિહાસિક પુરવાર કરતાં કુલ છ શિલાલેખો મળ્યાં છે અને તેમાંથી બે જ ઉકેલી શકાયા છે. એ શિલાલેખો પ્રમાણે નોંધાયેલો ઇતિહાસ ૧૨૬૨થી શરૃ થાય છે. પરંતુ એ પહેલા વિસાવાડાનું અસ્તિત્વ નહોતુ એમ ન કહી શકાય. કેમ કે શિલાલેખોમાં વિસાવાડા નામ છે એટલે એ નામ શિલાલેખો કરતાં પણ પહેલાથી હશે એવુ અનુમાન લગાવી શકાય એમ છે. એક ઈતિહાસ પ્રમાણે ૧૨૬૨ આસપાસ દ્વારકાથી ભગવાન કૃષ્ણની મૂર્તિ અહીં લાવવામાં આવી હતી. એટલે એવી કલ્પના કરી શકાય એમ છે કે એ અરસામાં દ્વારકા પર કોઈ સંકટ આવ્યુ હશે. આમેય ઈસ્લામિક આક્રમણખોરોએ હિન્દુ મંદિરો પર આક્રમણો કર્યા જ છે. એટલે સંકટથી બચવા મંદિરના પુજારી સહિતના બ્રાહ્મણો કદાચ વિસાવાડા આવ્યા હશે. પણ વિસાવાડા જ શા માટે?

કેમ કે અહીં મેર કોમની વસતી હતી. બહાદુર કોમમાં ગમના પામતા મેર કોઈનાથી ડરે નહીં માટે અહીં મૂર્તિ સુરક્ષિત રહેશે એમ માની બ્રાહ્મણોએ અહીં સ્થળાંતર કર્યુ હોવું જોઈએ. કદાચ સંકટ ટળી ગયા પછી વિસાવાડાના આગેવાન મેર ભક્ત વિંઝાત કેશાવાલાએ અહીં જ મંદિર બંધાવી ભગવાનની સ્થાપના કરી દીધી હશે.

ભારત પર આક્રમણ કરતાં વિધર્મીઓના હાથે વિસાવાડા પણ વારંવાર લૂંટાતુ રહ્યુું છે. ઈસવીસન ૧૨૦૦ની સાલમાં અલાઉદ્દિન ખિલજી દ્વારા અને ઈસવીસન ૧૪૦૦માં ઝફરખાન દ્વારા લૂંટાયુ છે. મુસ્લીમ આક્રમણખોરોએ હિન્દુ ધર્મસ્થળ હોવાની દાઝ રાખીને વિસાવાડાના મંદિરો સળગાવી નાખ્યા હતાં, બારામાં રહેલા જહાજો સળગાવી દીધા હતાં અને બીજા અનેક નુકસાનો પણ કર્યાં હતાં. એ પછી સ્થપાયેલી શાંતિ પણ લાંબી નિવડી નહોતી. ૧૫૦૦થી ૧૬૦૦ વચ્ચે જાડેજા-જેઠવાઓની વચ્ચેની લડાઈનો ભોગ વિસાવાડા બન્યુ હતું. ૧૬૦૦ પછીનો સમય આ શહેર માટે શાંતિપૂર્વકનો નિવડયો છે. ત્યારથી આ ગામ શાંત બેઠુ છે. આજનું વિસાવાડા હકીકતે દ્વારકા હોય કે ન હોય પરંતુ ઐતિહાસિક સ્થળ તો છે જ.
* * *

નરસિંહ મહેતાએ શામળિયાને હૂંડી લખતી વખતે તેમનું સરનામુ ટાંક્યુ હતું..
”સ્વસ્તિ શ્રીમંત શુભ સ્થાન દ્વારામતી, રાય રણછોડને કરું પ્રણામ, સાગરબેટમાં ઠેઠ મધ્યે વસો, શામળા શેઠ પ્રસિદ્ધ નામ.” એ ઉલ્લેખ પ્રમાણે તો બેટ દ્વારકા જ અસલ દ્વારકાનું સૌથી મોટુ દાવેદાર ગણવું રહ્યું. આદ્ય શંકરાચાર્ય આજની દ્વારકા છે તેને જ અસલ દ્વારકા માનતા હતાં. એટલે તેમણે શારદાપીઠની સ્થાપના ત્યાં કરી હતી. અન્ય પુરાત્ત્વ અભ્યાસકર્તાઓ પણ આ દ્વારકાને જ અસલ દ્વારકા ગણે છે.

મૂળ દ્વારકાનું એક દાવેદાર જૂનાગઢ પણ છે. મહાભારતમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે દ્વારકા રૈવતક નામના પર્વત પાસે હતું. આજનું દ્વારકા જ્યાં છે ત્યાં તો કોઈ પર્વત નથી. ત્યાં પહાડ હશે અને એ દરિયામાં ડૂબી ગયો હશે? આખી દ્વારકા પણ ડૂબી હશે? જો હા, તો ક્યાં ડૂબી હશે? એ સવાલો પણ અનુત્તર છે.

એક શક્યતા જૂનાગઢને દ્વારકા તરીકે રજુ કરે છે. દ્વારકા પાસે પહાડ હતો. જૂનાગઢ પાસેનો ગિરનાર રૈવતક હશે? આમ પણ ગિરનારનું પ્રાચીન નામ રૈવતક જ ગણાય છે. જો એમ હોય તો જૂનાગઢ મૂળ દ્વારકા હતું? કોઈ પાસે એ સવાલનો ચોક્કસ જવાબ નથી. ઈતિહાસકાર દુર્ગાશંકર શાસ્ત્રી જૂનાગઢ પાસે જ ક્યાંક દ્વારકા હતી એમ માને છે. પણ ક્યાં હતી તેના કોઈ પુરાવા-સંકેત મળતા નથી. અલબત્ત, જૂનાગઢનો પોતાનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે એ વાત નક્કી છે. વળી ઉપરકોટની માફક અનેક સ્થળો એવા છે, જ્યાં હજુ ખોદકામ-તપાસ કરવાની બાકી છે. સરકારને દટાયેલો ઈતિહાસ ફરીથી બેઠો થાય એમાં રસ નથી અને પુરાત્ત્વ ખાતુ બે-પાંચ જાણીતી સાઈટોને બાદ કરતાં નવાં નવાં સ્થળોનો ઈતિહાસ તપાસવાની તસ્દી લેતું નથી. પરિણામે થાય છે એવુ કે ગુજરાતમાં દર થોડા સમયે નવી પુરાતત્ત્વિય સાઈટ મળી આવે છે, પણ પછીથી તેનું અભ્યાસપૂર્ણ સંશોધન થતું નથી.
* * *

કોડીનાર પાસે આવેલા એક ગામનું નામ જ મૂળ દ્વારકા છે.
મૂળ દ્વારકા નામ જોકે એમ જ નથી પડી ગયું. પુરાત્ત્વવિદેને ખોદકામ દરમિયાન અહીંથી છેક ઈસવીન દસમી સદીના અવશેષો મળી આવ્યા છે.

ખોદકામ દરમિયાન અહીંથી ગોળાકાર બાંધકામ મળી આવ્યુ છે. આ બાંધકામ પંદરેક ફીટ ઊંચુ છે. લાઈમસ્ટોનમાંથી બનેલુ એ બાંધકામ જોતા જ ખબર પડી આવે કે કોઈ કાળમાં એ દિવાદાંડી હશે. સૌરાષ્ટ્રની એ સૌથી પ્રાચીન દિવાદાંડી છે. હવે એ ભાગ દિવાદાંડીનો તૂટેલો ભાગ કહી શકાય એટલુ બાંધકામ રહ્યું છે. દ્વારકા અંગે સંશોધન કરનારા પુરાત્ત્વશાસ્ત્રી ડો.હિરાનંદ શાસ્ત્રી પણ અહીં જ દ્વારકા હોવાનું માનતા હતાં.

દિવાદાંડીના અવશેષો તો દેખાય છે, પરંતુ ન દેખાય એવા ભોંમાં ભંડારાયેલા ઘણા અવશેષો છે. અહીંથી પુરાત્ત્વવિદોને ખોદકામ દરમિયાન પથ્થરોના બનેલા લંગરો મળી આવ્યા છે. એવા લંગરો ગુજરાતના દરિયાકાંઠે આવેલા બીજા કેટલાક સ્થળોએથી પણ મળી આવ્યા છે. બુરાઈ ગયેલી નદી, ચાલુ હાલતમાં રહેલો કૂવો, હડપ્પીયન કાળના ઠીકરાઓ સહિતના અવશેષો સાબિત કરે છે કે કોઈ કાળમાં અહીં ધમધમતુ બંદર હતું. રોમનો સાથે તેમનો વેપાર ચાલતો હતો. રોમન મેન્યુસ્ક્રીપ્ટમાં પણ ગુજરાતના થોડાક સ્થળોનો ઉલ્લેખ છે, તેમાં આ વિસ્તારનો સમાવેશ થાય છે.

દિવાદાંડી આસપાસ આખુ શહેર હોવુ જોઈએ અથવા હજુ પણ હશે જ. પરંતુ સિમેન્ટની જેટ્ટી સહિતના બાંધકામોને કારણે મૂળ દ્વારકા કે જે કોઈ શહેર હોય એ દબાઈ ગયુ છે. માત્ર મૂળ દ્વારકા નહીં આસપાસના ગામોમાંથી પણ મળી આવેલા અવશેષો પરથી એટલી તો ધારણા બાંધી જ શકાય કે અહીં બહાર દેખાય છે, તેના કરતા જમીનમાં વધારે મોટી ધરોહર દબાયેલી છે. અલબત્ત હવે ત્યાં વિકાસનો ધમધમાટ ચાલી રહ્યો છે એટલે કોઈને જમનીમાં દબાયેલા ઈતિહાસની પરવા નથી.

‘સ્કંદ પુરાણ’ પ્રમાણે દ્વારકાનું સ્થાન કોડીનાર-પ્રભાસ પાસે થાય છે. જોકે દ્વારકા માટે જરૃરી પર્વત અહીં નથી. ગોઆ સ્થિતિ નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ઓશનોગ્રાફી (સમુદ્રશાસ્ત્ર)ના કહેવા પ્રમાણે અહીં વધારે ખોદકામ થાય તો એ જમાનાના દરિયાઈ પ્રવાહો સમજવામાં પણ મદદ મળી શકે એમ છે. ત્યારનું વાતાવરણ કેવુ હતું, દરિયાઈ તોફાનો કેવા હતાં વગેરે જાણી શકાશે. વધારે ખોદકામ કરવા જેટલી હિંમત જોકે સરકાર દર્શાવે એવી શક્યતા બહુ ઓછી છે.
* * *

કૃષ્ણની લગ્નની કુંવારી ભૂમિ માધુપુર અને મિશ્મિ જનજાતિ વચ્ચે શું સંબંધ છે ?

https://allgujaratnews.in/gj/why-is-krishnas-karmabhumi-becoming-a-desert-whats-the-secret/
નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ઓશન ટેકનોલોજીને તપાસ દરમિયાન ૨૦૦૧માં ખંભાતના અખાતમાંથી કેટલાક અવશેષો મળી આવ્યા હતાં. એ વખતે મળી આવેલા અવશેષોની તપાસ દેશ-પરદેશની પ્રયોગશાળાઓમાં કરવામાં આવી હતી. એ પછી એટલુ જાણી શકાયું કે અવશેષો હડ્ડપીય સંસ્કૃતિના છે અને હડ્ડપા યુગ સાથે તેમનો ગાઢ સંબંધ છે. આ સ્થળે દ્વારકા હતી એવી જાહેરાત ત્યારે પણ કરી દેવાઈ હતી. પછીથી જોકે તેનું કોઈ નોંધપાત્ર સંશોધન થયુ નથી.