વડાપ્રધાન 15મી ડિસેમ્બરે કચ્છ આવશે, ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક
ગાંધીનગર, 5 ડિસેમ્બર 2020
કચ્છમાં મોટા રણમાં વિઘોકોટ ચોકીથી આગળ પાકિસ્તાની સરહદે 30 હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ સોલાર – રિન્યુએબલ એનર્જી પાર્ક (અક્ષય ઊર્જા પાર્ક)નું ખાતમૂર્હત 15 ડિસેમ્બરે કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. કચ્છના પાકિસ્તાન સરહદ પાસે રણમાં સૂર્ય, પવન ઉર્જા અને સૂર્ય-પવન સાથેના એનર્જી પાર્ક બની રહ્યો છે. 3 હજાર પવનચક્કી લાગી ગઈ છે. થોડા દિવસ પહેલા ગૃહ પ્રધાને અહીં મુલાકાત લઈને સરપંચોને સંબોધન કર્યું હતું.
શું છે આખો પ્રોજેક્ટ અને તેના વિવાદ જાણો
કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસ ભૂમિ મળીને 30,000 ચોરસ કિલો મીટર વિસ્તાર છે. તેમાંથી 600 ચોરસ કિલોમીટરની જમીન વીજ કંપનીઓને આપી દેવા માટે દિલ્હીથી સતત દબાણ હતું.
1.35 લાખ કરોડનું રોકાણ
વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં બનવા જઈ રહ્યો છે. અહીં 60,000 હેક્ટર જેટલી જમીન 40 વર્ષ માટે ભાડે આપવામાં આવી રહી છે. આ પાર્કની 28000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા હશે જેમાં સોલર અને વિન્ડ પાવર જનરેશન થશે. ડેવલપરોએ ત્રણ વર્ષમાં 50% અને પાંચ વર્ષમાં 100% ક્ષમતા સ્થાપવાની રહેશે. રૂ.1.35 લાખ કરોડનું રોકાણ થવાની ધારણા સરકારની છે.
સસ્તા ભાડે જમીન
પાર્ક ડેવલપરે વાર્ષિક હેક્ટર દીઠ 15,000નું ભાડું છે. દર ત્રણ વર્ષે ભાડામાં 15 ટકાના દરે વધારો કરવામાં આવશે. જ્યારે ઈતર વેરા અલગથી ભરવાના રહેશે. પાર્ક ડેવલપર પાર્ક વિકસીત કર્યા બાદ તેને સબ લીઝ આપી શકશે.
ડિપોઝીટ વિવાદ
25 જાન્યુઆરી 2019ના દિવસે જયારે આ પાર્ક માટે લેન્ડ એલોટમેન્ટ પોલિસી જાહેર થઈ હતી તેમાં ક્યાંય રુ 2 લાખ પ્રતિ મેગાવોટ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની વાત નહોતી. 14 સપ્ટેમ્બર 2020ના રોજ નીતિમાં સુધારો કરીને રૂ.2 લાખ પ્રતિ મેગાવોટ સિક્યોરિટી ડિપોઝિટનો નિયમ પાછળથી ઉમેરાયો હતો.
કંપની અગાઉથી જાણી ગઈ
આશ્ચર્યની વાત એ છે કે કેટલીક કંપનીઓએ આ નિયમ ઉમેરાયો અગાઉ જ આ ડિપોઝિટ ભરી દીધી હતી. આ મુદ્દે સોલર પાવર ફેસીલીટેશન કંપનીએ મૌન જાળવ્યું છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ચીફ પ્રોજેક્ટ ઓફિસર રાજુ મિસ્ત્રીએ કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો જે તે સમયે હતો. આ મુદ્દે મંત્રી સાથે વાત કરવા જણાવ્યું હતું. MD એસ બી ખ્યાલીયાએ પણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અહીં સોલાર કંપનીઓ GPSL ઉપર શંકાની સોય તાકી રહી છે.
કઈ કંપની કેટલું વીજ ઉત્પાદન કરશે?
અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) 10,000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા સ્થાપશે. તેમાં 8,000 મેગાવોટ સોલર અને 2,000 મેગાવોટ વિન્ડ પાવર જનરેશન થશે. આ માટે અદાણી જૂથ રુ. 30,000 કરોડ રોકાણ કરવા જઈ રહી છે. એસઇસીઆઇ (સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા), એનટીપીસી, જીઆઇપીસીએલ, જીએસઇસી, અદાણી પાવર અને સુઝલોનને 23000 મેગાવોટ, 5000 મેગાવોટ, 2500 મેગાવોટ, 3500 મેગાવોટ અને 4000 મેગાવોટના સોલર અને વિન્ડ પાવર જનરેશન પ્રોજેક્ટ છે.
જમીનો આપી દેવામાં આવી
અદાણી જૂથને 20,000 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) ને પણ 20,000 હેક્ટર જમીન ફાળવણી કરવામાં આવી છે.
કંપની | વીજ ક્ષમતા | કેટલી જમીન ફાળવાઈ |
AGEL | 10000 MW | 20000 Hectare |
સર્જન રિયલ્ટી | 3800 MW | 7600 Hectare |
GIPCL | 2500 MW | 5000 Hectare |
GSECL | 3500 MW | 7000 Hectare |
NTPC | 5000 MW | 10000 Hectare |
SECI | 3000 MW | 20000 Hectare |
સૂર્ય અને પવન આધારિત વીજળી માટે કચ્છમાં આડેધડ જમીન પવન ચક્કી માટે સરકારી આપવામાં આવી રહી છે. 3 હેક્ટરથી વધારે જમીન 30 વર્ષના ભાડાપટ્ટે સાવ ઓછા ભાડાંથી આપવામાં આવી છે. તેનો ગેરલાભ લેવામાં આવી રહ્યો છે.
પક્ષીઓ માટે વિરોધ
કચ્છની વન્ય તેમજ પ્રાકૃતિક સંપદાનો સોથ વાળતી વિન્ડમિલ કંપનીઓ સામે ઠેર ઠેર વિરોધ ઊઠતો હતો. કચ્છને નુકસાન હોવાનું ખુદ રાજ્ય સરકારે પણ કબૂલવું પડયું હતું.
નીતિનો ભંગ
એક પણ વિન્ડમિલને ભાડાપટ્ટે સરકારી ભૂમિ નહીં આપવાનું નક્કી થયું હતું. 31 નવેમ્બર 2019માં કચ્છના તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહને અનુમોદન આપીને કચ્છમાં હવે આડેધડ જમીન નહીં આપવાની ભલામણ કરી હતી. ત્યાર બાદના કલેક્ટર એમ. નાગરાજને પણ તે નીતિ અપનાવી હતી. તેમણે કહ્યું હતું કે, નવી નીતિ અમલમાં આવી ગઇ છે. રાજ્યના મહેસૂલ વિભાગના પરિપત્રમાં નવી એક પણ પવનચક્કી સ્થાપવા પર રોક લગાવી હતી.
11 કંપનીઓએ કામ પૂરું કર્યું
ભારત સરકારના આ પ્રોજેક્ટ હેઠળ જેડા મારફતે પવનચક્કી સ્થાપવા માટે હરાજી થતી હતી. કચ્છમાં 11થી વધુ કંપનીઓએ વિન્ડમિલ લગાવી ચૂકી છે. 1થી 4 સુધી થયેલી હરાજીવાળા એકમને મંજૂરી મળી છે. બાકીના માટે મનાઇ છે.
179 કંપનીઓને જમીન વિવાદ
1થી 4ના નિયમો પ્રમાણે 179 કંપનીઓને જમીન આપવા અરજી માન્ય રાખી છે. જેના માટે 1063 હેક્ટર સરકારી જમીન ફાળવવામાં આવી હતી. બીજી 5થી 7વાળી હરાજી થયેલી અરજીઓ રદ કરવાનું નક્કી થયું હતું.
3 હજાર પવન ચક્કી
3 હજારથી વધારે પવનચક્કી લાગી ચૂકી છે. 42 લાખ ચોરસ મીટર સરકારી જમીન આપવામાં આવી હતી. કચ્છમાં એનર્જી પાર્ક સિવાય કોઇ સરકારી ભૂમિ ફાળવવામાં નહીં આવે. ખાનગી જગ્યા મેળવીને સ્થાપવાની છૂટછાટ આપવામાં આવી છે.
ગીધો અને દુર્લભ પક્ષીઓનો સર્વનાશ
અબડાસાના બાલાચોડ વિસ્તારમાં ગીધ અભયારણ્ય વિસ્તારમાં પવનચક્કીની મનાઇ ફરમાવવામાં આવી હતી. પાલરધુના વિસ્તારમાં ઊઠેલા વિરોધને પગલે નવી વિન્ડમિલ પર રોક લગાડવાનો નિર્ણય કલેક્ટરે લીધો હતો. ઘોરાડ, ગીધ, ઘુડખર અભયારણ્ય આવેલા છે.
ખાનગી કંપનીની 7 વર્ષ પહેલાની વાત
આશ્ચર્યની વાત એ છે કે 2013-14માં ગુજરાતના ટોચના ઔદ્યોગિક ગૃહે આ વિસ્તારમાં વિન્ડ અને સોલાર પ્રોજેક્ટ માટે ઇરાદાપત્ર વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન રજૂ કર્યુ હતું. ત્યાર બાદ આ ટોચની કંપનીએ પોતાની વગથી ગુજરાત સરકાર દ્વારા સંરક્ષણ મંત્રાલયને આ જમીન માટે એક અરજી કરી હતી. બાદમાં આ જગ્યામાં હાઇબ્રીડ પ્રોજેક્ટ લાગી શકે છે તેવી વાત કરતા ગુજરાત સરકારે વાત આગળ ધપાવી હતી.
બીએસએફની જમીન
2019ના ફેબ્રુઆરીમાં સંરક્ષણ મંત્રાલયે ભુજ નજીક ખાવડામાં આશરે 60.30 કિમી જમીન અંગે લીલીઝંડી પણ આપી ન હોવા છતાં આ ટોચના ઔદ્યોગિક ગૃહે પોતાના સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારને અરજી કરી હતી. ત્યાર બાદ 2019ના અંતમાં ભારત સરકાર પાસે બીએસએફની જમીન છૂટી કરાવી હતી.
અગાઉથી જ જમીન આપી દીધી
સંરક્ષણ મંત્રાલયે લીલીઝંડી આપ્યા પહેલા જ આ ટોચની કંપનીની અરજી રાજ્ય સરકારે સ્વીકારી હતી. પ્રોસેસ પણ કરી હતી. સરકાર પર સીધી આંગળી ન ચિંધાય તે માટે એનટીપીસી, જીઆઇપીસીએલને પણ સરકાર દ્વારા ફાળવણી કરાઇ હતી. જમીન માટે સરકારે ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યુ નથી. જેમાં સોલાર પાવર ડેવલપર્સ અરજી કરી શકે છે. અંદરખાને પહેલેથી જ જમીન ફાળવણી કરી દેવામાં આવી હોવાનું જણાય છે.
2 ખાનગી કંપની
જમીન ફાળવણી માટે દરેક કંપનીઓને સમાન તક મળવી જોઇતી હતી. પણ મોટી કંપનીઓએ જમીન લઈને હવે નાની કંપનીઓને જમીન લીઝ ભાડા પર વેચાતી આપશે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ફોકીયા)ના મેનાજિંગ ડિરેક્ટર નૈમિશભાઇ ફડકેએ જાહેર કર્યું હતું કે, 8 કંપનીઓને જમીન ફાળવી છે. તેમાથી 5 કંપનીઓ જાહેર કંપની છે, 2 ખાનગી કંપનીઓ છે. જમીનની માલિકી રાજ્ય સરકારની છે તેથી જમીન પણ સરકાર જ ફાળવે. 2-3 વર્ષ પહેલા વિન્ડ પાવર પ્રોડેક્ટ મંજૂર થયા હતા. જેમાંથી મોટા ભાગના કચ્છમાં હતા. આ પ્રોજેક્ટમાં કોમ્યુનિટી અને પ્લાન્ટ માલિકો વચ્ચે અનેક વાર ઘર્ષણ થતુ હતુ. આ તમામ ફરિયાદો વડાપ્રધાન સુધી પહોંચી હતી.
600 ચોરસ કિલોમીટર જમીન
કચ્છના નાના રણની 5 હજાર ચોરસ કિલોમીટરમાંથી 600 ચોરસ કિલોમીટર જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું છે. 60 હજાર હેક્ટર જમીન આ રીતે સંપાદન કરાશે. જેમાં 1.48 લાખ એકર જમીન આપવામાં આવશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે. એક જગ્યા પર ગુજરાતનું આ સૌથી મોટું જમીન સંપાદન છે.
41 હજાર મેગા વોટ વીજળી
ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 2.4 ગીગાવોટ જેટલા મોટા પાયે સૌર પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવ્યા છે, જ્યારે હાલમાં 2.2 ગીગાવોટ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. જેમાં કચ્છ ખાતે દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્ક બનાવવા માટે આ જમીન આપવામાં આવી છે. દેશમાં અત્યારે સૂર્ય ઉર્જામાં અદાણી કંપની સૌથી મોટી બની ગઈ છે. તે પણ આ પ્રોજેક્ટમાં મોટી જમીન મેળવી ગઈ છે.
વડાપ્રધાન મોદીનું દબાણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં 2 વર્ષથી નિયમિતપણે પ્રોજેક્ટ વિશે સતત ગુજરાત સરકાર પર દબાણ લાવી રહી છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 2022 ની સમયમર્યાદા મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આપી છે. પ્રોજેક્ટ 2 વર્ષથી વધુ સમયથી ચાલે છે.
સલાહકાર નિયુક્ત કરાશે
ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ (જીએસઈસીએલ) એ સલાહકારની નિમણૂક માટે બિડને આમંત્રણ આપ્યું છે. શક્યતા અહેવાલો, વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો (ડીપીઆર), ઇજનેરી સેવાઓ, પવન અને સૌર સંસાધન મૂલ્યાંકન, વીજળી પેદા થવાનો અંદાજ કરશે.
બિડ
ઓનલાઈન બિડ્સ રજૂ કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર, 2020 છે 26 ઓક્ટોબરે ખોલવામાં આવી હતી. રાજ્ય સરકારે 2018 માં તેની સોલર પ્લસ વિન્ડ હાઇબ્રિડ પાવર પોલિસી જાહેર કરી હતી. સોલાર પ્રોજેક્ટ્સ અને પાર્ક્સના વિકાસ માટે સલાહકારોને આમંત્રિત કરવા માટે લગભગ 13 ટેન્ડરોની જાહેરાત કરવામાં આવી છે.
જમીનના કરાર
ગુજરાત સરકારે પવન, સૌર અને વર્ણસંકર (પવન અને સૌર) વીજળી માટે તેની નકામા જમીન ફાળવણી નીતિમાં પણ સુધારા જારી કર્યા છે. પ્રોજેક્ટ્સ. સુધારામાં જણાવાયું છે કે જમીન ફાળવવાના કરારના ત્રણ વર્ષમાં 50% ઇલેક્ટ્રિક ક્ષમતા સ્થાપિત થવાની છે, અને કરારના પાંચ વર્ષમાં 100% પેદા થવી આવશ્યક છે.
ગુજરાતમાં ભુજમાં ખાવડા નજીકનો વિસ્તાર સાનુકૂળ છે. તામિલનાડૂમાં હવે વિન્ડ પાવરનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ત્યારે ગુજરાત આ કિસ્સામાં ફેવરીટ બનતુ જાય છે.