અદાણીની રેલવે લાઈન કે કતલખાનુ

કચ્છમાં અદાણી સામે વધુ એક આંદોલન

કચ્છ, 18 ઓક્ટોબર 2026
આઝાદ હિંદ ફોજ અને માલધારી સમાજ દ્વારા અદાણી રેલવે ટ્રેક પર રોજ પશુઓ કપાઈ રહ્યાં છે તે અંગે કહ્યું કે, અદાણી રેલવે લાઇન નહિ પણ કતલખાનું ચલાવી રહ્યા છે.

કચ્છના ગોયરસથી આદિપુર સુધીના તમામ માલધારીઓ રેલવે ફાટકે ભેગા થઈ આખરી બેઠક યોજી પશુઓના મોતના વળતરના દાવા કરશે.

વડાલા, ભદ્રેશ્વર, પાવડીયાર, હટડી, ભુવડ, કુકડસર, કોવાય, કુંભારીયા અને વવારથી આદિપુર સુધીના વિસ્તારોમાંથી પસાર થતી અદાણી રેલવે લાઇન પર છેલ્લા એક દાયકાથી માલગાડીની ઝપેટે આવવાથી ગૌવંશ તથા પશુધનના કરૂણ મોત થઈ રહ્યા છે.
આઝાદ હિંદ ફોજના કન્વીનર સંજય બાપટની આગેવાની હેઠળ સ્થાનિક માલધારી સમાજના આગેવાનો, ગ્રામજનો અને વાડી વિસ્તારના પશુપાલકોએ રેલવે ટ્રેક પર રૂબરૂ પહોંચીને સ્થળ તપાસ કરી હતી. રેલવે ટ્રેકની બંને બાજુ સલામતી માટે તારની વાડ કરી ન હોવાથી પશુઓ સીધા ટ્રેક પર ચડી જતા હોવાના અને અકસ્માતે પશુઓના મૃત્યુ થયાના દ્રશ્યો તથા અવશેષો સામે આવ્યા હતા.

આક્રોશ વ્યક્ત કરતા આઝાદ હિંદ ફોજના કન્વીનર સંજય બાપટે જણાવ્યું હતું કે, અદાણી કંપની ગમે તેટલાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોના નાટક કરે પણ અહીં વર્ષોથી રેલવે લાઇન નહિ પરંતુ એક કટલખાનું ચાલતું હોય તેવી ભયાનક પરિસ્થિતિ નિર્માણ કરી છે. મૂંગા પશુઓ અને ગૌચરના વિષયો પર આ પ્રકારની બેદરકારી ચલાવી લેવાય નહીં.

આગેવાનો:
ભદ્રેશ્વર માલધારી સમાજના પ્રમુખ સુલતાન માણેક, ભદ્રેશ્વરના જાડેજા યુવરાજસિંહ, હીરા દેવા મહેશ્વરી, વડાલાના ગોવિંદ મહેશ્વરી, વવારના ગોવિંદ ગઢવી, અર્જુન સવરાજ ભલા, વડાલાના ગોપાલ પુનશી ગઢવી, જયદેવસિંહ પથુભા સોઢા, કરીમ સુમરા સહિત આસપાસના ગામો તથા વાડી વિસ્તારના માલધારી ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય માંગણીઓ
૧. વડાલાથી આદિપુર સુધીની સમગ્ર અદાણી રેલવે લાઇનની બંને બાજુ તાત્કાલિક ધોરણે મજબૂત પ્રોટેક્શન ફેન્સિંગ (ઝાળી) બનાવવામાં આવે.

૨. પશુઓ અને ગ્રામજનોની સુરક્ષિત અવરજવર માટે જરૂરી સ્થળોએ રેલવે ઓવરબ્રિજ અથવા કેટલ અંડરપાસ (Cattle Underpass) નું નિર્માણ કરવામાં આવે.

૩. ગૌચર અને ચરીયાણની જમીન ખુલ્લી અને સુરક્ષિત રાખવામાં આવે.

૪. પશુઓની વધુ અવરજવર વાળા વિસ્તારોમાં માલગાડીઓની ઝડપ મર્યાદિત રાખવામાં આવે.

અદાણી વહીવટી તંત્રને આખરી અલ્ટીમેટમ અને ચેતવણી
સંજય બાપટે અદાણી રેલવે વહીવટી તંત્રને ચીમકી આપતા જણાવ્યું હતું કે, આવતી 23 ઓક્ટોબર 2026 સુધીમાં કોઈ નિર્ણય કે કાયમી પગલાં લેવામાં નહીં આવે, તો ગોયરસથી આદિપુર સુધીના તમામ માલધારીઓ અને પશુપાલકો રેલવે ફાટક પાસે એકઠા થશે અને આગામી આંદોલન માટેની આખરી મીટીંગ યોજીને નિર્ણાયક પગલાં ભરશે.

હવે પછી જો કોઈપણ પશુધનનું અકસ્માતે મરણ થશે, તો તે તમામ પશુઓના વળતર માટે કાનૂની દાવા કરવામાં આવશે. આ માટે આઝાદ હિંદ ફોજ દ્વારા ખાસ ‘લીગલ પેનલ’ની પણ વરણી કરવામાં આવી રહી છે.